આંધીગમન

આંધીગમન

 મસ્તીખોર માર્જને અચાનક ડાહી-ડમરી ને ઉદાસ થઈ ગયેલી જોઈને વેરાને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ઘર માથે લેતી માર્જ એના રુમમાં જ બેસી રહે એવું બનવાનો પ્રસંગ ખાસ આવ્યો જ નથી. એને ગમતું ન થાય તો લડી લે-ઝઘડી લે પરંતુ આમ ઉદાસ અને શાંત થઈ જાય એવું બને તો નહીં!

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી માર્જ્ને કોઈએ ક્યારેય આટલી શાંત જોઈ ન્હો’તી.

શરુઆતમાં સૌએ શાંત રહીને જોયા કર્યું. પછી ધીરજ ન રહેતાં અમુક જણે કટક્ષમાં તો અમુક જણે આડકત્રી રીતે એનું કારણ જાણવા પ્રયત્નો કર્યા પણ આ તો માર્જ છે. બોલવાનું શરુ કરે પછી કોઈને બોલવાનો ટર્ન આવવા જ ન દે એ માર્જ બોલે જ નહી તો નવાઈ ન લાગે?

પરંતુ સૌને માર્જની ચૂપકીદી કંઈક વિચિત્ર લાગી.

માર્જથી નાની રીટાને પૂછ્યું તો એણે પણ ખભા ઉલાળી ‘ખબર નથી’ કહ્યું.

વેરાએ કેટલી મનાવી અને કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ…… માર્જ ચૂપચાપ.

એની ચૂપકીદીમાં વેરાને પોતે કોઈ અપરાધ કર્યો હોય એવી લાગણી કેમ થતી હતી તેની એને પહેલા તો સમજ ન પડી. પછી યાદ આવ્યા તે દિવસો જ્યારે તેણે માર્જ અને રીટાના ડેડ એલન સાથે ડિવોર્સ લીધા હતા અને પહેલીવાર જ્યોર્જ સાથે બન્ને દિકરીઓની ઓળખાણ કરાવી હતી.

૧૨ વર્ષની માર્જે જ્યોર્જને ડેડ તરીકે સ્વીકારવાની ઘસીને ના પાડે દીધી હતી. જેવો હતો તેવો પણ એને તો એના ડેડ એલનની જ માયા હતી. બીજા કોઈને એ ડેડની જગ્યા આપી જ કેમ શકે?

રીટાએ વાંધો પણ ન લીધો કે ન તો ઉત્સાહ બતાવ્યો-બસ પરિસ્થિતિને સ્વીકારી લીધી.

૧૪મા વર્ષે માર્જે એની વર્ષગાંઠને દિવસે જ્યોર્જને સ્પષ્ટ શબ્દોમાં મનમાં પડઘાતી રહેલી વાત કહી જ દીધી, “મારા ડેડ બનવાનો પ્રયત્ન નહી કરતાં. તમે મારી મમના પતિ હશો પરંતુ મારે માટે મમના મિત્રથી વધીને કાંઈ જ નથી. અને એક છાપરા નીચે રહેવાથી કોઈ સગુ બની નથી જતું. ”

“માર્જ ડાર્લિંગ, એમ ન બોલાય બેટા” કહીને વેરાએ એ વાત ત્યાં જ સમેટી લીધી હતી પરંતુ વાત એમ ભલે સમેટાઈ ગઈ છતાં જ્યારે જ્યારે માર્જની આંખ જ્યોર્જ સાથે મળતી ત્યારે બોલાયા વગર પણ એ વાતના પડઘા પડતાં.

સેકન્ડરી સ્કુલમાં જતી માર્જ ભણવામાં ખૂબ હોંશિયાર હતી,  પરંતુ વેરાએ કરેલા આ બીજા લગ્નથી નાખુશ માર્જનું મન ભણવામાંથી ઉઠી ગયું અને બને એટલા જલ્દી એ ઘરમાંથી નીકળી કેમ જવું તેની યોજનાઓ કરતી રહેતી. એમાં પછી ભણવામાં મન ક્યાંથી લાગે? પછી વળી રીટાનો વિચાર આવતાં મન પાછું પડે. એના ડેડ એલને પણ બીજા લગ્ન કરી લીધા છે અને સ્વાભાવિક રીતે જ ત્યાં જવાનો દરવાજો પણ બંધ થઈ ગયો.

જાય તો ય ક્યાં જાય?

એમ કરતાં કરતાં બે વર્ષ નીકળી ગયા. સ્કુલમાંથી એને કાઉન્સેલિંગ માટે જવા કહ્યું પરંતુ એનો પણ ઈન્કાર કર્યો. રીટાને લઈને ભાગી જવાનું મન થાય પરંતુ પછીની પરિસ્થિતિનો વિચાર કરતાં કરતાં એને ઘણીવાર થતું કે એ ગાંડી થઈ જશે.

આ દરમ્યાન જ્યોર્જે વેરા પાસે એક તેમના પોતાના બાળકની માંગણી કરી પરંતુ વેરાને ખબર હતી કે જો એમ બને તો માર્જ અને રીટાનો પ્રતિભાવ કેવો આવશે. એ સારી રીતે જાણે છે કે જે દિવસે બન્ને છોકરીઓને ખબર પડે કે એ જ્યોર્જના બાળકની મા બનવાની છે તે દિવસે એ એની બાપ વિહોણી દિકરીઓને ઘુમાવી બેસશે અને મા વિહોણી પણ કરવાનું પાપ લાગશે.

વેરાના નકારથી જ્યોર્જ ધુંધવાઈ તો ઉઠ્યો પણ શું કરવું તે સૂઝ્યું નહી.

જ્યોર્જે એક દિવસ ગુસ્સામાં,  માર્જ ૧૬ વર્ષની થઈ ગઈ છે અને હવે ઘર છોડી દેવું જોઈયે એમ કહ્યું.

એક તરફ માર્જ સાથે રીટા પણ ઘર છોડવા તૈયાર થઈ ગઈ અને બીજી તરફ વેરાની હાલત કફોડી બની ગઈ.

વેરાએ કાકલુદી કરીને બન્ને છોકરીઓને રહેવા સમજાવી. ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી માની પરિસ્થિતિ જોઈને બન્નેએ માને આશ્વાસી અને મન કઠણ કરીને રહી ગયા.

માંડ માંડ પરિસ્થિતિને સમથળ કરી અને નિરાંત અનુભવે છે ત્યાંતો એક દિવસ માર્જ સાવ મૂંગી બની બેઠી છે.   

 “કમ ઓન બેટા, ટેલમી વોટ્સ હેપન્ડ?”

વાત કહેશે તો ક્યાં તો મા એ વાત માનશે જ નહી અથવા જો માનશે તો  ફરીને એ ઘર અને પતિ વિનાની થઈ જશે એ વિચારે એ સહમી ગઈ.

વેરા તરફ એક ઠંડી અને અસહાય નજર નાંખીને ચૂપ જ રહી.

માની આંખમાં આંસુ જોઈને માંડ માંડ બોલી, “નથીંગ મમ, પ્લીઝ લીવ મી અલોન.”

રૂમમાં પ્રવેશતો જ્યોર્જ મા-દિકરીને વાતો કરતાં જોઈને પાછો વળી ગયો તોય માર્જની આંખમાંથી નીક્ળતી ધિક્કારની જ્વાળા એને સ્પર્શી ગઈ.

નીચું મોં કરી ફ્રીઝમાંથી બિયરનું ટીન લઈને સિટીંગરૂમમાં બેસીને પીવાનું શરુ કર્યું.

વેરા આવીને એની બાજુમાં બેસી ગઈ અને બોલી. “ ખબર નહી આ છોકરીને શું થયું હશે?”

જ્યોર્જે સાંભળ્યું – ન સાંભળ્યું કરીને ટી.વી.માં મન પરોવ્યું.

જ્યારથી માર્જ મૂંગી થાઈ ગઈ છે ત્યારથી જ્યોર્જનું વર્તન પણ વેરાને વિચિત્ર લાગતું હતું એટલે એણે તો સહજ રીતે જ જ્યોર્જને પૂછ્યું, “ડાર્લિંગ, તારી સાથે તો એણે ઝઘડો નથી કર્યોને?

જ્યોર્જની ડાબી બાજુ પર બેઠેલી વેરાને એણે સાચે જ ‘ડાબા હાથની’ જડી દીધી.

‘પૂછ તારી લાડકીને મને શું પૂછે છે? લાડ કરી કરીને બગાડી નાંખી છે. મારી છોકરી હોયને…’

ત્યાં તો માર્જ રુમમાં ધસી આવી અને જ્યોર્જ સામે ઉભી રહી, ‘ બોલ આગળ બોલ કે પછી હું તારું વાક્ય પૂરું કરું?’

જ્યોર્જે આવો પ્રતિભાવ નહોતો કલ્પ્યો. એ તો દર વખતની જેમ વેરાને ‘મનીપ્યુલેઈટ’ કરવા માંગતો હતો..

હંમેશા આવી પરિસ્થિતિમાં માર્જને ચૂપ રહેવાનું કહેતી વેરાએ માર્જ કહ્યું, ‘ બોલ બેટા, એનું વાક્ય તું જ પૂરુ કરી નાંખ.’

પોલ ખોલવાની પળ આવી ગયેલી જોઈને જ્યોર્જ માર્જને મારવા ગયો. વેરા આડો હાથ કરીને ઉભી રહી અને ડારતે અવાજે કહ્યું, ‘હાથ તો અડાડી જો એને.!’

પરિસ્થિતિને હાથમાંથી સરી જતી જોઈને રુમ બહાર જતાં જ્યોર્જની સામે જઈને માર્જ બેધડક બોલી, ‘ તારી છોકરી હોત તો તેં મારી સાથે જે કર્યું તેમ એને તું રેઈપ કરતે?

વેરા અવાક બની ગઈ.

માળ ઉપર ચૂપચાપ સઘળું સાંભળતી રીટા પણ નીચે ધસી આવી અને બાકી રહેલી વાત આગળ વધારી, ‘ મમ, તેં આ માણસને એનું બાળક આપવાની ના પાડીને, તેની શિક્ષા એ અમને કરે છે.’ એક ગાળ બોલી એણે જ્યોર્જેને જોરથી તમાચો માર્યો.

બહાર સખત વરસાદ અને વાવાઝોડું હતું તેની પરવા પણ કર્યા વગર વેરાએ બન્ને છોકરીના હાથ પકડ્યા અને ઘર બહાર નીકળી ગઈ.

સુખ નામના પ્રદેશમાં જવા માટે થનગનતી વેરાને તેના બન્ને પતિઓએ આંધીગમન કરવા મજબૂર કરી દીધી!

************************

 

 

Advertisements
Posted in વાર્તા | 3 ટિપ્પણીઓ

ઓ નીલ ગગનનાં પંખેરું

Posted in મને ગમતી કવિતા/ગીતો | 3 ટિપ્પણીઓ

ગૉડ બ્લેસ હર!

god bh

ગૉડ બ્લેસ હર!

નવરી પડું એટલે સામે ખાલી પડેલી દુકાનને ઓટલે રોજ ભેગાં થતાં હોમલેસ(બેઘર) લોકો તરફ મારું ધ્યાન અચૂક જાય. એમાંના કેટલાક મારી દુકાનમાં ક્યારેક આવીને ભીખમાં મળેલું ચેઈન્જ આપીને પાઉંડની નોટ લઈ જાય.

સાચ્ચુ કહું, મને એ લોકોએ આપેલા ચેઈન્જને અડકવું પણ નહી ગમે. કેટલાય દીવસો સુધી ન્હાયા ન હોય પછી કપડાં બદલવાનો તો કોઈ સવાલ જ ન હોયને! યાદ કરું તોય કંપારી છૂટે એવા ગંદા નખ, મોઢામાંથી આવતી ડ્રગ અથવા તો દારૂની વાસ…અરર છી, આ લખતી વખતે યાદ કરું છું તોય ઉબકો આવે છે!

ખેર, જે વાત કરવા બેઠી છું તે વાત કરૂં. એ હોમલેસોના ટોળામાં નાવા હોમલેસ ઉમેરાતાં જતાં હોય તો કેટલાક ચહેરા અદ્રુશ્ય થતા રહે તેની નોંધ પણ અજાણતા હું રાખવા લાગી!

બે ત્રણ દિવસથી આવેલો એક નવો હોમલેસ એ બધાથી જુદો તરી અવતો હતો. થોડો સ્વચ્છ લાગતો હતો એના તરફ મારું ધ્યાન એટલે ખેંચાયુ કે તેના હાથમાં દારૂની બૉટલ દેખાતી ન્હોતી! જૂના હોમલેસ તેની સાથે બોલતા ન્હોતાં અને એ બે દુકાન છોડીને આવેલી દુકાન બહાર ફૂટપાથને ખૂણે ટૂંટીયુ વાળીને સાવ એકલો જ બેસી રહેતો હતો.

તે દિવસે હું દુકાનમાં બીઝી હતી અને મેં જોયું તે પેલો નવો આવેલો હોમલેસ દુકાનની બારીમાંથી અંદર જોયા કરતો હતો.

હશે, મેં મારૂ કામ આટોપવા માંડ્યું. ગ્રાહકો જાણીતા હતાં એટલે માલ લેતાં લેતાં વાતો કરતી જાઉં પણ નજર તો પેલા હોમલેસ પર જ હતી. જોકે અમારી ગ્રીટીંગ કાર્ડસની શોપ હતી એમાંથી એ લોકોને ચોરવા જેવું તો શું હોય? એક બે ગ્રાહકોની નજર પણ ગઈ અને એ લોકોએ મને ચેતવી-‘સંભાળજે, તું એકલી છે તેનો લાભ ન લે!’

હું સાબદી થઈ ગઈ!

પણ પછી તો કામમાં એટલી તો વ્યસ્ત થઈ ગઈ કે એ ક્યારે ત્યાંથી હટી ગયો તેની પણ મને ખબર ન રહી. લંચ ટાઈમ પત્યો એટલે હવે શ્વાસ લેવાનો વખત મળ્યો.

બારી બહાર નજર ગઈ અને પેલો ત્યાં ઉભેલો દેખાયો નહી એટલે હાશ થઈ!

‘ક્લોઝ’નું બોર્ડ લગાવી, બારણાને લૉક કરી મારું લંન્ચ લેવા હું માળ પર ગઈ. બારી પાસે એક ટેબલ ખુરશી હતા, લંન્ચ ગરમ કરીને લાંબા પગ કરી બેઠી અને લન્ચ ખાવાનું શરુ કર્યું અને રોજની ટેવ મુજબ પેલા ઓટલે નજર ગઈ. તેમાં પાંચ પુરુષો હતાં અને બે સ્ત્રીઓ હતી. એમાંની એક સ્ત્રી પેલા પાંચમાંના એક પુરુષ સાથે ફ્લર્ટ કરતી હતી, એક યુવાન જેવો લાગતો ખૂણામાં જઈને ડ્રગ્સ લેતો હોય એમ લાગ્યું. બીજા બે જોર જોરથી કોઈ વિષય પર દલીલ કરતા હતાં. અને પેલી બીજી સ્ત્રી દારુની બોટલ ખલાસ થઈ ગઈ હતી અને તેથી બીજી બૉટલ ખરીદવા માટે જતા આવતાં લોકો પાસે પૈસા માંગતી હતી.

હું વિચારતી હતી- એ લોકોની દુનિયા કેવી હશે? ન ઘર, ન કોઈ જવાબદારીઓ, ન કોઈ રાહ જોનારું કે ન કોઈની રાહ જોવાની! ભૂતકાળના ભારેલા અગ્નીને અંતરમાં સંઘરીને ભર ઠંડીમાં ઠૂંઠવાવાનું અને રાત્રે જે ઓટલો મળે ત્યાં સૂઈ રહેવાનું! કોઈએ આપેલી સ્લીપીંગ બેગ કે બ્લેન્કેટ હોય તો હોય, નહીં તો કાર્ડ્બોર્ડ બોક્ષ તો કોઈ પણ શોપમાંથી મળી રહે!

ઠંડી ઉડાવવા દારૂ અને પછી નશામાં કોને ખબર કેવા સ્વપ્નો જોતા હશે એ લોકો? અથવા પછી જે મળે તેની હૂંફે પડી રહેવાનું! ત્યારે રહે છે એક આદમ અને એક ઈવ-બસ! કદાચ બે આદમ અને બે ઈવ પણ ….. મને એક લખલખું આવી ગયું.

રાત્રીએ રન મારતી પોલીસ ક્યારેક એમને ઉઠાડીને હોમલેસો માટે ખાસ તૈયાર કરેલા શેલ્ટરમાં મૂકી આવે તો જાય પરંતુ બીજે દિવસે એ જ દશા! માત્ર બરફ કે અનરાધાર વરસે ત્યારે જ શેલ્ટરો ભરાઈ જાય.

પણ પેલો કેમ નથી દેખાતો? મારું કૂતુહલ સળવળ્યું!

કોઈ બારણું ખટખટાવતું હોય એમ લાગ્યું, ઘડીયાળ પર નજર ગઈ-બાપરે બે વાગી ગયા! ઝટપટ ઊઠી લંન્ચના વાસણો સીંકમાં મૂકી હાથ ધોઈ જલ્દી જલ્દી નીચે આવી. છેલ્લા પગથિયે હતીને મારી નજર બારણા તરફ ગઈને મારું કાળજું થોડું કંપી ઉઠ્યું! એ જ બારણા પાસે નેજવું કરી અંદર જોતો હતો. એક સેકંડ મને થયું પાછી ઉપર જતી રહું પણ મને લાગ્યું કે એણે મને જોઈ લીધી છે, હવે ઉપર પાછા જવું પણ શક્ય નથી!

હિંમત કરી સાવ નોર્મલ રહેવાનો મરણિયો પ્રયાસ કરતી કરતી બારણા તરફ ગઈ અને લોક ખોલ્યું અને જલ્દી જલ્દી ટીલ પાછળ જઈને ઊભી રહી ગઈ. એ આસ્તેથી અંદર આવ્યો અને ‘ઓપન’ તરફ ફેરવવાના રહી ગયેલા બોર્ડને એણે ફેરવ્યું. અને નત્‌મસ્તક થોડીવાર ઉભો રહ્યો. મેં મારા અવાજને સાવ સામાન્ય રાખવાનો ધરખમ પ્રયત્ન કરતાં કરતાં પૂછ્યું, ‘મે આઈ હેલ્પ યુ’?

એણે ઊંચુ જોયું. આંખો લાલ હતી, પણ નશો કર્યો હોય એવી નહી રડ્યો હોય એવી! મને અનુકંપા છૂટે તે પહેલા ફરી મેં મારો પ્રશ્ન દોહરાવ્યો.

‘યસ પ્લીઝ. મને એક સ્પેશીયલ બર્થડે કાર્ડ જોઈએ છે.’ કહી હાથમાં થોડું ચેઈંજ બતાવી પૂછ્યું, ‘આટલામાં મળી શકશે?’

અવાજમાં આવી નરી માર્દવતા અને ખૂબ સંસ્કારી અવાજની મેં જરાય અપેક્ષા ન્હોતી રાખી.

મેં તરત જ કહ્યું, ‘યા, યા, ચોક્સ. કોને માટે જોઈયે છે?’

થોડી ખામોશી પછી કહ્યું, ‘મારી એક્સ વાઈફ માટે.’

હું ગૂંચવાઈ ગઈ, ક્યા સંબોધનનો કાર્ડ બતાવું?

એ સમજી ગયો, ‘જસ્ટ, લવ વન્સનો વિભાગ બતાવી દો, હું શોધી લઈશ.’

હાશ, મને થયું છૂટી.

એ વિભાગ બતાવી અને હું પાછી કાઉંટર પાછળ જઈને બેસી ગઈ. એ વિભાગ એવા ખૂણામાં હતો કે હું સીધું ધ્યાન ન રાખી શકું એટલે ‘એ કાર્ડ તો ચોરતો નથીને!’ એ જોવા માટે સી.સી.ટી.વી પર હું એનું ધ્યાન રાખવા લાગી પરંતુ ખબર નહી કેમ મને એમ કરવાનું શરમજનક લાગ્યું.

મારું અચાનક ધ્યાન ગયું એ ત્યાં ઉભો ઉભો કોટની બાંયથી આંખો લૂછતો હતો-અવાજ મારા સુધી પહોંચે નહી એટલે મોઢે હાથ દઈ દીધો હતો!’

મેં ત્યાં રહ્યા રહ્યાં જ પૂછ્યું, ‘ ઈઝ એવરીથીંગ ઓ.કે?’

એણે મારા અવાજની દિશા તરફ મોં ફેરવી ધ્રૂસકાંથી ભરેલા અવાજને સામાન્ય બનાવતાં કહ્યું, ‘યસ આઈ એમ ફાઈન, થેંક્સ.’

ચોર નજરે હું સી.સી.ટી.વી તરફ જોતી રહેતી હતી-હવે એ કાર્ડ ચોરે છે કે નહી તે જોવા નહી પરંતુ હજુ રડે છે કે નહી તે જોવા. મારા કૂતુહલમાં ખબર નહીં કેમ પણ કરૂણા ભળવા માંડી.

દબાવવા માટે પ્રયત્ન કરવા છતાં છટકી ગયેલા કોઈ કોઈ ધ્રૂસકા સંભળાતા હતાં પરંતુ ત્યાં જવાની મારી હિંમત ન્હોતી ચાલતી.

હું ઈચ્છતી હતી કે કોઇ ગ્રાહક આવે. પરંતુ એને નિરિક્ષણ કરવામાં બહાર જોરદાર વરસાદ પડતો હતો તેનો પણ મને ખ્યાલ ન રહ્યો. આવા વરસાદમાં કોઇ પણ ગ્રાહક આવવાની શક્યતા ન્હોતી.

ત્યાં તો એ ધીમે ધીમે કાઉંટર તરફ આવ્યો અને કાર્ડ આપતા પૂછ્યું, ‘તમને લાગે છે કે આ યોગ્ય કાર્ડ છે?’

મારા અંતરમાં સળવળી ઉઠેલી સહાનુભૂતીને મેં રોકી અને વ્યાવસાઈક સ્વરે કહ્યું, ‘ તમારે શું કહેવું છે તેના ઉપર અને છૂટા પડતી વખતે સંબંધો કેવા હતા એના ઉપર આધાર રાખેને!’

થોડી સેકંડની ખામોશી પછી, ઉપર સીલીંગ તરફ નજર કરી એ છૂટ્ટા મોંએ રડી પડ્યો.

‘થોડા દિવસથી જ જેલમાંથી છૂટ્યો છું’ રડવાને કાબૂમાં લેતાં લેતાં તે બોલ્યો, ‘અને મને ખબર નથી કે…’અને બહાર નીકળતાં એના શબ્દો એના લાગણીનાં પ્રવાહમાં તણાઈ ગયા. હું એને ચૂપચાપ સાંભળતી હતી, કરું તો ય શું કરું?

મનને મજબૂત કરી મેં પૂછ્યુ, ‘તમને એના સરનામાની ખબર નથી કે…?’

એક મોટો નિશ્વાસ નાંખી, દેવદાસ જેવું હસીને બોલ્યો, ‘ મારું સરનામુ હવે એનું થઈ ગયું છે, હું સરનામા વગરનો છું!’ બહાર ધોધમાર પડતાં વરસાદની જેમ તેના આત્માની ઉદાસી એના આખા વ્યક્તિત્વમાંથી ટપકતી હતી.

મેં એને પાણીની બોટલ આપી, બે ઘૂંટડા પી થોડો સ્વસ્થ થયો લાગ્યો. ત્યાં તો એકલ દોકલ ગ્રાહકો આવ્યા અને કાંઇ પણ લીધા વગર જતા રહ્યાં. એને સ્વસ્થ થવાનો સમય મળ્યો એટલે એક ‘ઈંગ્લીશમેન’ની સભ્યતાએ એને ખ્યાલ આપાવ્યો હશે કે એ સાવ એક અણજાણ વ્યક્તિ સામે અંગત જીવનની લોહી નીગળતી વાતો કરવા બેઠો હતો!

‘સોરી, મેં તમને ખોટાં ડીસ્ટર્બ કર્યા.’ કહી કાર્ડનો જે ભાવ હતો તે મુજબ ચેઈંજ ગણવા માંડ્યો.

મારા અંતરની કરૂણાને આટલી છંછેડ્યા પછી આમ જતો રહે તે કેમ ચાલે?

‘ડોન્ટ વરી, તમારે જે કહેવું હોય તે કહી શકો છો.’ પછી રોકી રાખેલી સહાનુભૂતીને છૂટી મૂકતા મેં કહ્યું, ‘મને કહેવાથી જો તમારું મન હળવું થતું હોય તો….’ અને મેં જાણી જોઈને વાક્યને અધૂરું રાખ્યું.

થોડીવાર એ કાર્ડના લખાણને વાંચતો હોય તેમ તાકી રહ્યો.

‘ મેં મારા દિલનાં ઊંડાણથી એને ચાહી છે-ઈન્ફેક્ટ, ચાહું છું, નહી તો મારી સાથે કેટલું છળ કર્યું તો ય આ આંખો હજુ પણ એને માટે કેમ ચૂઈ પડે? મારે એને મારા સમગ્ર અસ્તીત્વથી ધિક્કારવી છે પણ હું એને ધિક્કારી જ શકતો નથી! જેમ જેમ એને ધિક્કારવાનો પ્રયત્ન કરુ છું તેમ તેમ અમારા પ્રેમ પાંગર્યાના પ્રસંગો, દિવસો, વણ બોલાયેલી લાગણીઓ જ્યાં ને ત્યાં ફૂટી નીકળે છે.’

મેં હિંમત કરી પૂછ્યું, ‘ તમને વાંધો ન હોય તો એક વાત પૂછું?’ અને જવાબની અપેક્ષાએ એના તરફ તાકી રહી.

અજાણ્યાપણાની દિવાલની ઈંટ ખરી પડતી અમે અનુભવી!

‘ઓફકોર્સ યુ કેન’ સંમતી આપતાં એના થોડા ન ખોલેલા મનનાં દરવાજાને સાવ જ ખોલી નાંખ્યા.

‘શું એ કોઇ બીજાને…’

એણે હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો, ‘મારી પાસેથી એને જે કાંઈ ન મળ્યું તે મેળવવા ફાંફાં મારતી હશે તો જ કોઈ બીજા તરફ એ આકર્ષાઈ હશેને? એમાં કદાચ એનો વાંક ન હોય એમ બનેને?’

એણે છૂટું મૂકેલું પ્રશ્નાર્થ દુકાનમાં ફરી વળ્યું!

જેણે એને બેઘર કર્યો, મને ખબર નથી કે ક્યા કારણસર એ સ્ત્રીએ એને જેલમાં મોક્લાવ્યો, જેણે એની લાગણીઓને લોહીલુહાણ કરી મૂકી એને એ સ્ત્રીનો વાંક નથી વસતો!

પછી કંઈ તાળો મેળવતો હોય તેમ બોલ્યો, ‘અમારા બન્નેની પ્રકૃતિ તદ્દન અલગ-એને જે ગમે તે મને ન ગમે અને મને ગમે તે એને ન જચે! અને તોય અમે અઢળક આનંદ માણ્યો છે, અને અમને જે પણ સહિયારું ગમ્યું તેનો અમે સાચ્ચે જ ગુલાલ કર્યો છે.

હવે આગળની વાત કરવી કે નહી તેની થોડી વિમાસણમાં પડ્યો હોય તેમ ચૂપ ચાપ બહાર વરસતા વરસાદને જોયા કર્યો પછી વેચવા મૂકેલા કેલેન્ડરોમાં એક સુંદર હસતાં બાળકના ફોટા તરફ જોઈ બોલ્યો, ‘મને બાળકો અતિશય વ્હાલા અને એને બાળકો દીઠ્ઠા ન ગમે!’

શોપમાં રાખેલા ટેડીબેરોથી માંડી, કાર્ડસ, રેપીંગ પેપર્સ અરે શોપમાં હતું તે બધું જ સાંભળવા માટે કાન માંડીને બેઠું હોય તેમ મને લાગ્યું. ત્યાં, હત્ત તેરી, કોઈ એક સ્ત્રી બાળકને પ્રામમાં લઈને આવી. એની છત્રી બહાર ઝાટકતી હતી ત્યારે મારી નજર અનાયાસે પેલા તરફ ગઈ. એ મોં ફેરવીને ઉભો રહી ગયો હતો. મને કાંઇ સમજણ પડે તે પહેલા પેલી સ્ત્રી જેવી થોડી અંદર ગઈ ત્યાં તો કાર્ડ પણ લીધા વગર એકદમ ઝડપથી શોપ બહાર જતો રહ્યો. પેલી સ્ત્રીને કાંઈ ઓળખાણ પડી હોય તેમ પાછળ જોયું. પછી મને પૂછ્યું, ‘એ બર્ટ હતો?’

‘સૉરી, મને એનું નામ નથી ખબર.’ પછી અચકાતાં અચકાતાં મેં કહ્યું, ‘જસ્ટ નવો આવેલો કોઈ હોમલેસ છે. આજે જ મારી શોપમાં આવ્યો મને એનું નામ નથી ખબર.’

‘હં’ કહી એક કાર્ડ લીધું અને પૈસા આપતાં આપતાં કહ્યું, ‘ અમારા ટઉનમાં એક ચિલ્ડ્રન એન્ટર્ટેઈનર હતો-બર્ટ-બિલકુલ એના જેવો જ લાગ્યો. મારા મોટા છોકરાની બર્થડે પાર્ટીમાં એણે છોકરાંઓને ખુબ મનોરંજન કરાવ્યું હતું. વેલ, હી વોઝ અ જેન્ટલમેન.’

‘હવે તમારા ટાઉનમાં નથી રહેતો?’

શોપમાં કોઈ ન્હોતું તો ય એણે આજુબાજુ નજર કરી ધીરા અવાજે કહ્યું, ‘ એની વાઈફને કોઈ બીજા સાથે અફેર હતું. બર્ટની ગેરહાજરીમાં એનો બોયફ્રેંડ એકવાર એના જ ઘરમાં હતો અને અચાનક કોઈ કારણસર બર્ટ ઘરે આવી ચઢ્યો. બર્ટે એ લોકોને સાથે જોયા પછી તો કહે છે કે ખુબ મારા મારી થઈ અને શું થયું તે ખબર નથી પણ બર્ટ્ને પોલીસ એરેસ્ટ કરી ગઈ પછી ક્યારેય કોઈએ એને જોયો નથી.’

પૈસા આપતાં આપતાં સ્વગત બોલતી હોય તેમ બોલી, ‘એક્ઝેક્ટ બર્ટ જેવો જ લાગતો હતો. એની વે હી યુઝ ટુ લવ ચિલ્ડ્રન વેરી મચ.’ અને મને ‘થેંક્સ, સી યુ.’ કહીને ગઈ.

મને ખાત્રી થઈ ગઈ કે એ ‘બર્ટ’ જ હતો પણ પછી સાંજ સુધી એ દેખાયો જ નહી.

શોપ લોક કરવા જતી હતીને એ આવ્યો.

મેં, એણે લીધેલું કાર્ડ બાજુ પર રાખ્યું હતું. તેને બ્રાઉન બેગમાં મુકીને એને આપી કહ્યું, ‘ લો, બર્ટ’

થોડું મ્લાન હસીને કહ્યું, ‘ગુડ, મારી સ્ટોરીનો અંત લીન્ડાને મોઢે તમે સાંભળ્યોને!’

‘સોરી, બર્ટ, હજુ અંત નથી આવ્યો, તમને વાંધો નહી હોય તો એક વાત પૂછવી છે!’ કહી હવામાં પશ્નને તરતો જ રહેવા દીધો અને એના સામે જોયું!

ડોકું હલાવી એણે સંમતી આપી.

‘તમે ભણેલા લાગો છો…..તમારી ભાષા…..’

‘હું ભણેલો હોઉં કે નહી શું ફેર પડે છે? હું જેલ ભોગવી આવેલો અસંસ્કારી માણસ છું જેણે એની પત્નીને સમજવાની જગ્યાએ એના બૉયફ્રેંડને મરણતોલ માર માર્યો!

પછી શૂન્યમાં જોતો હોય તેમ બોલ્યો, ‘યસ, યુ આર રાઈટ, હું માનસશાત્રનો લેક્ચરર હતો! પછી જ્યારે જાણ્યું કે મારી પત્ની પાસેથી મને મારૂં બાળક મળવાની કોઈ શક્યતા જ નથી એટલે બાળકોનો એન્ટરટેઈનર બની ગયો!’

હવે મારાથી ન રહેવાયું, ‘બર્ટ, વિશ્વાસ અને પ્રેમ ઉપર તો દુનિયાના સંબંધો ઊભા છે અને સ્વાભાવિક છે કે એ હચમચી જાય ત્યારે માણસથી ન કરવાનું થઈ જાય-જેમ તેં એના બૉયફ્રેંડને માર્યો.’

માત્ર ‘હં’ કહીને એણે કાર્ડ લીધો અને પૈસા આપવા ગજવામાં હાથ નાંખ્યો. મેં કહ્યું, ‘ડોન્ટ વરી, ધીસ ઈઝ ફ્રોમ  મી. એ પૈસામાંથી ખાવાનું ખરીદજે.’

થોડીવાર માટે બારી બહાર જોઈ રહ્યો પછી કાર્ડ લીધા વિના બારણા તરફ પગ માંડ્યા, પછી અટકીને બોલ્યો, ‘એની વે, હવેથી એને કાર્ડ મોકલવો નથી.’

મેં ખૂબ જ આશ્ચર્ય અને આઘાતભરી નજરે એના સામે જોયું.

‘યુ નો વાઈ? હમાણા થોડીવાર માટે હું બહાર ગયો હતો ત્યારે આ બાજુમાં આવેલા બાય પાસનાં પુલ નીચે ખૂણામાં હું બેઠો હતો. તમારી સાથે ભૂતકાળ ઉખેળ્યા પછી મારૂં સમગ્ર અસ્તીત્વ એને ઝંખતું હતું, મારે એની એકવાર માફી માંગવી છે એમ વિચારતો હતો…….ત્યાં મેં પરિચિત હસવાનો અવાજ સાંભળ્યો, મેં ઊંચુ જોયું. હું બેઠો હતો ત્યાં અંધારું હતું.’

કહી એ અટક્યો.

વાતની પરાકાષ્ઠા પર જ એ અટક્યો એટલે વિવેક ભૂલી મેં પૂછ્યું, ‘પછી?’

‘એ કોઈ બીજાજ પુરુષના હાથમાં હાથ નાંખી મારી પાસેથી પસાર થઈ-એના જે બૉયફ્રેંડને મેં માર્યો હતો તે ન્હોતો!……..ખબર નહી એ શું શોધે છે? કે પછી રોજ જેમ ડ્રેસ બદલે છે તેમ પાર્ટનરો બદલવાનો શોખ હશે?

…..વિચારું છું કે એને મારા એકતરફી પ્રેમની કોઈ કિંમત તો હશે જ નહીં તો પછી દર વર્ષે બર્થડે કાર્ડ મોકલાવી વર્ષમાં એકવાર પણ શા માટે મારા અસ્તીત્વને અભડાવું? એની વે, ભગવાન એને સદ્‍બુધ્ધિ આપે.’

મનમાં ગણગણતો હોય તેમ ‘ગોડ બ્લેસ હર!’ કહી, ધીમે ધીમે એ બારણું ખોલી જતો રહ્યો.

મેં કાર્ડ ફાડીને ફેંકી દીધું!

************************************

Posted in વાર્તા | 4 ટિપ્પણીઓ

ડૂસકાંની દિવાલ

ડૂસકાંની દિવાલ – નયના પટેલ

dooskaani

ડૂસકાંની દિવાલ – નયના પટેલ

August 29th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નયના પટેલ |

[ ‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રીમતી નયનાબેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આજે આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નયનાબેનને ખૂબ ખૂબ અભિનંદન. લેસ્ટર (યુ.કે.)માં રહેતા નયનાબેન હાલ નિવૃત્તિમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ત્યાંના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થઈ રહી છે. 1984માં ‘ગુજરાતી અકાદમી’ આયોજિત વાર્તા-સ્પર્ધામાં ‘અંત કે આરંભ’ નામની તેમની વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારથી તેઓ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યા છે. લેસ્ટરમાં ‘ભગિની’ નામની સંસ્થા સ્થાપવાનું, દુભાષિયા તથા અનુવાદક તરીકે કામ કરવાનું અને ‘ગુજરાત સમાચાર’માં રિપોર્ટર તરીકે ફરજ બજાવવાનું પણ સેવાકાર્ય તેમણે સ્વીકાર્યું હતું. આપ તેમનો આ નંબર પર +44 116 2202372 અથવા આ સરનામે ninapatel47@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

શાંત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની જીભ ન ઉપડી. નવ મહિનાનાં રોશનને છાતીએ લગાડી એણે અબુને ખુદા-હાફીઝ કહ્યું તો ખરું પરંતુ અંતર ફફડતું જ રહ્યું….. ફફડતું જ રહ્યું !

અને અબુના ગયાને ચાર દિવસ પણ નહોતા થયા અને એક રાત્રે અબુ સાથે હજ કરવા ગયેલા એના ભત્રીજા રહેમાનનો ફોન આવ્યો. નવ મહિનાનાં રોશનને છાતીનું અમૃત પીવડાવતી ગુલશનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. એનાં દૂધ સાથે એ ચૂકેલી ધડકન હંમેશ માટે રોશનના માસૂમ હૃદયનાં એક ખૂણામાં સૂમસામ જગ્યા બનાવી ચૂપચાપ પડી રહી છે. અને એણે એને દુનિયાથી અલિપ્ત બનાવી દીધો છે. હજની ભીડમાં અબુને અસ્થમાનો ભયંકર હુમલો આવ્યો અને… અને શ્વાસ લેવા તડપતાં અબુનો પંપ શોધીને એને રહેમાન આપે તે પહેલા તો એ બેભાન થઈ ગયો… અને પછી બીજી મદદ મળે ત્યાં સુધીમાં તો….. ખેલ ખલાસ થઈ ગયો. રહેમાને એ ખબર ગુલશનને આપ્યા. એ સમાચાર એના કાનના પડદા સુધી જ પહોંચ્યા. સમજની સીડી ચઢીને દિલ સુધી જતાં તો એને મહિનાઓ લાગ્યા !

એક દિવસ પવનના તોફાનમાં પાછળના ગાર્ડનની ફેન્સ તૂટી ગઈ. મનમાં થયું, ‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે…..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી હોય તેમ અબુનું અવસાન ખાબક્યું ! રોશનને છાતીએ લગાવી એ છાતીફાટ રડી. ગાર્ડનની ફેન્સની જેમ એના દિમાગની દીવાલ તૂટી અને દિલને ખાત્રી થઈ… સાચ્ચે જ અબુ હવે નથી ! અબુના ગયા પછી ચાર મહિને તેને નિરાધારતાનો અહેસાસ થયો ! ગાર્ડનની ફેન્સ તો ફરી ઊભી થઈ ગઈ પરંતુ એની અંદરની ધસી પડેલી દિવાલ અને ખંડેર બની ગયેલી યુવાની રોજ એક એક તસુ વધારે ને વધારે જર્જરિત અને બિહામણી થતી રહી ! અબૂ તો અધૂરો ખેલ છોડી ગયો પરંતુ એણે તો એના પ્યારા રોશન માટે ખેલ ચાલુ જ રાખવો પડ્યો ! અંદર ખડકાતા જતાં ખંડેરને સંતાડીને મોઢા ઉપર ખુમારી પાથરીને આંખના રતન માટે મા અને અબ્બા બન્ને બનવા માટે કટીબદ્ધ બનવું પડ્યું. એ તો સારું છે કે યુ.કે.માં રહે છે એટલે કોઈની સામે નથી હાથ લંબાવવો પડ્યો કે નથી કોઈનું અહેસાન ઉઠાવવું પડ્યું !
અબુનાં ગયા પછી તરત જ થોડા દિવસમાં દેશમાં રહેતા એનાં બધા સગાં-સંબંધીઓ તરફથી અબુના નાના ભાઈ ફર્દીન સાથે નિકાહ પઢી લેવા માટે દબાણ વધવા માંડ્યું. એ મક્કમ રહી. ન તો માના કસમ એને ચળાવી શક્યા કે ન તો એના સાસુ-સસરાનાં ‘ઈમોશનલ બ્લેકમેઈલ’ પીગળાવી શક્યા ! એને ખબર હતી કે કૉલેજમાં ફર્દીન સાથે જ ભણતી હિંદુ છોકરી કામિની સાથે એને પ્રેમ છે છતાં પણ મોટાભાઈના અચાનક મૃત્યુએ ફર્દીનને પણ ચળાવી દીધો હતો અને એટલે જ ગુલશન સાથે લગ્ન કરવા તે રાજી થઈ ગયો હતો. લગ્ન ન કરવાની બાબતે તે ચટ્ટાનથી ય વધારે મક્કમ રહી અને ઉલ્ટું સાસુ-સસરાને ફર્દીનને જેની સાથે પ્રેમ છે તેની સાથે લગ્ન કરાવી આપવા માટે વિનવ્યા હતાં ! પરંતુ પરિણામ શું આવ્યું ? કામિનીને ધર્મપરિવર્તન કરાવવાની જીદ લઈ બેઠેલા સાસુ-સસરાને કોઈ સમજાવી ન શક્યું. કામિનીના મમ્મી-પપ્પા પણ મુસ્લિમ સાથે દીકરીનાં લગ્ન કરાવવા તૈયાર ન થયા અને એક દિવસ કામિનીને તેના મમ્મી-પપ્પાએ કોઈ એન.આર.આઈ. સાથે લગ્ન કરાવી પરદેશની કોઈ અંધારી ગુફામાં ધકેલી દીધી. ફર્દીને પણ એની ફોઈની દીકરી સાથે અનિચ્છાએ લગ્ન કરી લીધા ને આજે એ વાતને 18-18 વર્ષના વ્હાણા વાયા !

આજે એનો દીકરો રોશન એના શહેરથી દૂર આવેલી યુનિવર્સિટીમાં જવાનો હતો ! ખબર નહીં કેમ પરંતુ આજે આટલે વર્ષે ફરી ગુલશનનાં દિલનાં કોઈક ખૂણે સંતાયેલો પેલો અબુ જવાનો હતો તે પહેલાંનો ફફડાટ નાગની જેમ ફેણ માંડીને ફૂંફાડો મારવા માંડ્યો છે ! પોતાનાં પ્યારાઓથી છૂટાં પડવાનો એ ભય હતો કે પછી ફરી કોઈ ભયંકર…. વિચારોને ખંખેરવા જોરથી માથું ધૂણાવ્યું પણ એ વિચારો તો ગૂંદાના બિયાં જેવા ચીકણા નીકળ્યાં – જેમ જેમ એને કાઢવાનો પ્રયત્ન એ કરતી રહી તેમ તેમ એ વધારે ને વધારે વળગતાં ગયાં. 18-18 વર્ષ સુધી ક્યારેય પોતાનાથી જેને છૂટો નહોતો કર્યો એ એનો રોશન આજે એને કેટલાય મહિનાઓ માટે એકલી મૂકીને જતો રહેશે ! પતિ વગરનો ખાલિપો તો દીકરાના પ્યારે જીરવી લીધો. હવે આ ખાલિપો કેમ કરી વેંઢારાશે ? દિલની ધમકીઓને લીધે આંસુને પાંપણને કિનારે આવી આવીને પાછા વળી જવું પડ્યું હતું. બાળપણથી ગંભીર અને અલિપ્ત રહેતાં રોશનને અંતરમાં અકળાતી લાગણીને વહાવતાં નથી આવડ્યું. માના મૂંગા આંસુઓનો એ સાક્ષી છે પરંતુ કાંઈ કેટલીય વાર ઈચ્છવા છતાં ય ક્યારેય તે માને બાથ ભરી આશ્વાસી શક્યો નથી ! આજે પણ એ જ મથામણ ! ગુલશનની અબુનાં મૃત્યુના સમાચાર વખતે ચૂકી ગયેલી ધડકન જાણે રોશનની અંદર અવ્યક્ત ડૂસકું બનીને થીજી ગઈ છે !

અને રોશન ગયો ! એક દિવસ…. બે દિવસ… ધીમે ધીમે સરકતાં સમયે ગુલશનને થાબડી થાબડીને શાંત કરવા માડી. રોશનને રોજ સાંજે ફોન કરવાનો પ્યારભર્યો હૂકમ હવે નિયમ બની ગયો છે. હવે ગુલશન દરેક સાંજની રાહ જુએ છે ! રોશનનો ફોન આવે પછી જ ખાવાનું એને ગળે ઊતરે છે. રોશનને પણ એનો અહેસાસ છે. એટલે છ વાગ્યે કે એ અચૂક ફોન કરે. આમ તો શાંત અને ઓછાબોલા દીકરાની રોજની પ્રવૃત્તિ વિશે પૂછીને, શું ખાવાનો છે તે જાણવા ગુલશન સવાલ પૂછે તેનો ટૂંકો જવાબ મેળવીને એ ખુશ થાય છે. પછી કાંઈ ખાસ વાત કરવાની રહેતી નથી.

પછી તો યુનિવર્સિટીની ત્રણ નાની-મોટી રજાઓમાં રોશન ઘરે આવ્યો. ગુલશને ચૂપચાપ એનામાં થયેલા ફેરફારો નોંધ્યા. પહેલા કરતાં થોડો – માત્ર થોડો – પણ ખૂલ્યો છે. સ્કૂલ-કૉલેજમાં હતો ત્યારે કોઈ પણ મિત્ર ન ધરાવતો રોશન ઘણીવાર હવે એના યુનિવર્સિટીનાં મિત્રોને ફોન કરે છે. એ લોકોનાં ફોન આવે છે. ગુલશનને ખૂબ સારું લાગ્યું. એની ગંભીરતા ઓછી થતાં હવે ક્યારેક એવી કોઈ વાત નીકળે ત્યારે મા સામે ધીમું ધીમું મલકે છે. હાશ…! ગુલશનને ખબર છે કે રોશન સમજણો થયો ત્યારથી અબ્બાને શોધતો રહ્યો છે. એ બારેક વર્ષનો થયો ત્યારે ગુલશને એને એક દિવસ પાસે બેસાડી એના અબ્બાનાં મૃત્યુની વાત કહેલી. ચૂપચાપ જાણે કોઈ વાર્તા સાંભળતો હોય તેમ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર અંગૂઠાના નખથી કાર્પેટ પર કોઈ ચિત્ર દોરતો હોય તેમ ફેરવતો રહ્યો. પછી તો ગુલશને નોંધ્યું કે એ વધારે ગંભીર થઈ ગયો હતો. એને કોઈ પણ દિવસ ખીજાવું પડે જ નહીં ! ઘણીવાર ગુલશન ઈચ્છતી કે બાળ સહજ તોફાન કરે, જીદ કરે, કામના-નકામના સવાલો પૂછી એનું માથું ખાય…. પણ એવું ક્યારેય બન્યું નહીં. પરંતુ હવે રહી રહીને દીકરાની અંદર થતાં આ ફેરફારથી ગુલશન ખૂબ ખુશ છે. રોશન ભણવામાં હોંશિયાર હતો જ પરંતુ હવે એને એનો મનપસંદ વિષય પોલિટિક્સ અને હિસ્ટ્રી મળતાં સોળે કળાએ ખીલવા માંડ્યો છે. ઈંગ્લેન્ડનું રાજકારણ ભણતાં ભણતાં ભારત અને પાકિસ્તાનના રાજકારણનો અભ્યાસ પણ વખત મળ્યે કરે છે.

થોડા સમયથી ગુલશનને રોશન થોડો મુરઝાયેલો કે કોઈ વિચારમાં ખોવાયેલો લાગ્યા કરે છે. એક રજામાં આવેલા રોશનને ગુલશને બને એટલું સહજ રહી પૂછી જ લીધું : ‘બેટા, ઑલરાઈટ છે ને ?’ ‘અં….હા, કેમ એમ પૂછે છે, મા ?’ ‘હમણાંથી કેમ થોડો થાકેલો અને વિચારોમાં હોય તેવું મને લાગ્યા કરે છે ?’ થોડીવાર ચૂપ રહી તે ઊઠીને ઉપર એના રૂમમાં ગયો. એક ફોટો લઈને પાછો આવ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર ગુલશન સામે ધરી દીધો. કોઈ બોલકી આંખોવાળી છોકરીનો ફોટો હતો. ગુલશને આશ્ચર્ય, ઉત્કંઠા, આનંદ, ચિંતાની ભેળસેળ લાગણીભરી આંખોથી રોશન સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું ! ‘આ ઈશા છે મા. મારી સાથે ભણે છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ !’ ગુલશન સાચે જ ખુશ થઈ ઊઠી અને એ વાતને આગળ લંબાવવા પૂછ્યું, ‘અને…..?’ થોડીવાર શાંત રહી, વિચારોને ગોઠવીને એણે કહ્યું : ‘મા, મને ખબર છે કે તું હંમેશની જેમ મારી બધી જ ઈચ્છા, લાગણીઓને બે હાથે આવકારીશ જ.’ ‘તને મારામાં આટલો વિશ્વાસ છે તો પછી તમારી ગાડી ક્યાં અટકી ?’ છત તરફ તાકીને આંતરિક સંઘર્ષને કઈ રીતે વાચા આપવી તે મનમાં ગોઠવી બોલ્યો, ‘મા, ઈશા ધર્મપરિવર્તન કરાવવા તૈયાર નથી !’ ગુલશન 20 વર્ષ પાછળ જતી રહી….. ફરી ફર્દીનની કહાણી દોહરાવાની કે શું ?

‘જો બેટા, મને વાંધો નથી. ભલે ને એ એનો મઝહબ પાળે !’ રોશન થોડીવાર કંઈ બોલ્યો નહીં પછી કહ્યું, ‘મા, આવી વાતમાં ઉતાવળ કરવા હું નથી માગતો. આ તો તેં મને પૂછ્યું એટલે ખુલાસો કર્યો.’ કહી કોઈ કામ અંગે બહાર જતો રહ્યો. રોજનાં કામ કરતાં કરતાં ગુલશનના હાથ અટકી જતા હતાં. આંખો મીંચીને અલ્લાહને કોઈ સાચો રસ્તો કાઢવા વિનવતી રહી. પછી તો તે યુનિવર્સિટીમાં ગયો ત્યાં સુધી એ કંઈ બોલ્યો નહીં અને ગુલશને પણ કંઈ પૂછ્યું નહીં. એને ખાત્રી છે કે એનો દીકરો જે કાંઈ કરશે તે યોગ્ય જ કરશે એટલે એ વાત કરે નહીં ત્યાં સુધી ચૂપ રહેવા જ ધાર્યું.

એક દિવસ એ નમાજ પઢીને હજુ ઊભી જ થઈ ત્યાં ફોનની રીંગ વાગી. એની જાનપહેચાનમાં ખૂબ જ ઓછી વ્યક્તિઓ છે જેનાં ફોન આવે. ફોનની સ્ક્રીન ઉપર અજાણ્યાનો નંબર જોઈને નવાઈ સાથે ફોન ઉપાડ્યો. સામે છેડેથી કોઈનો મીઠો અવાજ આવ્યો, ‘હલ્લો, આપ રોશનના મમ છો ?’ ‘હા બેટા, આપ કોણ ?’ ‘હું…. હું ઈશા… રોશનની ફ્રેન્ડ.’ ‘હા, રોશને આ વખતે અહીં આવ્યો ત્યારે વાત કરી હતી. બોલ બેટા…..’ ‘એક મિનિટ, હું તમને શું કહીને બોલાવું ? માસી કે…..’ ‘તારે મોઢે જે કાંઈ સાંભળીશ તે મને ગમશે.’ ‘ઓ.કે. તો માસી, અમે જો લગ્ન કરીએ તો મારે શું ફરજિયાત ધર્મપરિવર્તન કરવું જ પડે ?’ ‘રોશને તને શું કહ્યું ?’ ‘રોશન કહે છે કે એ એના મઝહબ વિરુદ્ધ જવા નથી માગતો.’ ‘તારા મમ્મી-પપ્પા શું માને છે, બેટા ?’ ‘ઓફકોર્સ માસી, તેમને ધર્મપરિવર્તન ન જ ગમે એ સ્વાભાવિક છે.’ ‘મને લાગે છે કે આપણે સૌએ સાથે મળીને આ વાત પર વિચાર કરવો જોઈએ, તને શું લાગે છે ?’ થોડા અચકાટ સાથે તે બોલી, ‘માસી, સાચું કહું તો મારા પપ્પાએ તો મુસ્લિમ સાથે લગ્નનો વિચાર કરવાની જ ના પાડી દીધી છે. મારી મમ કાંઈ બોલી નથી પરંતુ એ વાત મેં ઘરમાં કરી ત્યારથી ખૂબ ઉદાસ રહે છે. અને એટલે જ મને એને સામે મોઢે પૂછવાની હિંમત નથી થતી.’ ‘હં બેટા, તારી મમ સાથે હું વાત કરી જોઉં તો કેમ ?’ ‘માસી, અજાણતા પણ તમારું કોઈ અપમાન કરી નાંખે તે મને ન જ ગમે અને મારી મમની ઉદાસી જોઈ એવું થવાનો મને ડર છે ! મને સાચે જ ખબર નથી પડતી, માસી !’

થોડીવાર બન્ને છેડે ચૂપકીદી. પછી ગુલશને કહ્યું, ‘બેટા, તને મારામાં વિશ્વાસ છે ને !’ ‘માસી એટલે તો રોશન પાસેથી ફોન લઈ મેં તમને ફોન જોડ્યો…. મને પૂરેપૂરો વિશ્વાસ છે.’ ‘તો પછી મને તારી મમનું નામ કહે અને ફોન નંબર આપ. હું વિચારીને એમની સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે એક મા બીજી માની વેદના સમજશે અને સ્ત્રી તરીકે પણ અમે એકબીજાને કદાચ સારી રીતે સમજી શકીશું એની મને ખાત્રી છે.’ ‘ઓ.કે. માસી. મારો ફોન નંબર આ…. છે… અને મારી મમનું નામ કામિની છે.’ ગુલશનનાં હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો ! ‘તમે ભરૂચ તરફના…’ પૂછવા માટે ઉપડેલી જીભને માંડ માંડ રોકીને, ‘ભલે, આવજે…’ કહી ફોન મૂક્યો. ગુલશનને યાદ આવ્યું. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તેનું નામ પણ કામિની હતું અને એ પણ લગ્ન કરીને પરદેશ જતી રહી હતી ! આખો દિવસ એને થયા કર્યું કે એ જ તો ન હોય કદાચ ! વળી ઈશાએ કહ્યું હતું કે જ્યારથી એણે ઘરમાં વાત કરી છે ત્યારથી એની મમ ઉદાસ રહે છે… – હાય, શું ઈતિહાસ પાછો દોહરાશે ? આખો દિવસ એના મનમાં ઘમસાણ ચાલતું રહ્યું. ફર્દીનના કેસમાં એના હાથ બહારની વાત હતી, છતાંય એણે એના સાસુ-સસરાને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું ! પરંતુ હવે તો આ વાતમાં પોતાનો અભિપ્રાય પણ મહત્વ ધરાવે છે ! શું કરું… શું ન કરું…ની મથામણ પછી એણે નિર્ણય કર્યો કે પહેલા રોશન સાથે વાત કરી એના વિચારો જાણી લઉં ! જ્યારે ઈશાએ કહ્યું કે રોશન એના મઝહબથી વિરુદ્ધ જવા માગતો નથી ત્યારે એક ક્ષણ પૂરતી એને નવાઈ લાગી હતી ! રોશન ઈસ્લામ ધર્મ પાળતો જરૂર હતો પરંતુ એ વિશે આટલા મજબૂત વિચારો ધરાવતો હશે તે ઈશાની વાત પરથી ખબર પડી. ખેર, જે હોય તે વિચારીને ગુલશને સાંજે જ્યારે રોશનનો ફોન આવ્યો ત્યારે ઈશા સાથે થયેલી વાત ટૂંકમાં કહી. એ વિશે એના વિચારો પૂછ્યા.

‘મા, મેં આની પર ખૂબ વિચાર કર્યો અને અહીં યુનિવર્સિટીમાં ઈસ્લામિક ગૃપ છે તેમના વિચારો પણ જાણ્યા. ટૂંકમાં મને લાગે છે કે આપણા મઝહબ મુજબ ઈશાએ જો મારી સાથે લગ્ન કરવા હોય તો ધર્મપરિવર્તન કરવું જ રહ્યું.’ ગુલશન રોશનના આ વિચારો સાંભળી ચોંકી ઊઠી ! ‘બેટા, જેમ આપણે આપણા મઝહબને ધ્યાનમાં રાખી નિર્ણય કરીએ તેમ ઈશાને પણ એના ધર્મ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર ખરો કે નહીં ?’ ‘મા, ઈશાએ એક જ વખત તારી સાથે વાત કરી અને તને એના પક્ષમાં લઈ લીધી ? તું એક પાક મુસ્લિમ થઈ આવું વિચારે છે ?’ ‘બેટા, હું એક માણસ તરીકે વિચારું છું અને એક સ્ત્રી તરીકે વિચારતાં મને જે યોગ્ય લાગ્યું તે મેં તને કહ્યું. લગ્ન એક પાક રિશ્તો છે. એમાં બળજબરી કે શરતો ન હોય, બેટા ! તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે ?’ ‘જો મા, એક વાત સમજી લેજે કે આ બાબતમાં હું કોઈ બાંધછોડ કરવા નથી માગતો.’ અને સામે છેડે ફોન મુકાઈ ગયો. ગુલશન થરથરી ગઈ ! રોશન યુનિવર્સિટીમાં ગયો તે વખતે ફરી ઉઠેલા પેલા ફડફડાટે આકાર લેવા માડ્યો છે તેનો એને ખ્યાલ આવી ગયો.

મનને મક્કમ કરી એણે ઈશાની મમને ફોન જોડ્યો. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તે કામિનીને એણે ક્યારેય જોઈ નહોતી. માત્ર નામ અને ફર્દિનની આંખમાં એના પ્રત્યેનો પ્રેમ જ વાંચ્યો હતો. એ જ વ્યક્તિ તો નહીં હોયના ધ્રાસકા સાથે કોઈ ફોન ઉપાડે તેની રાહ જોતી રહી. ફોન બંધ થવાની તૈયારીમાં હતો અને સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો. ‘હલ્લો, કોણ બોલો છો ?’ કોઈ સ્ત્રીનો જ અવાજ સાંભળી ગુલશનને થોડી શાંતિ વળી. ‘હલ્લો, આપ જ કામિનીબેન ?’ ‘હા, મેં તમને ન ઓળખ્યા !’ ‘હું તમારી દીકરી ઈશાનાં ફ્રેન્ડ રોશનની મા છું.’ ગુલશનનાં ત્રણ-ચાર વખતના હેલ્લો…હેલ્લો…. પછી કામિનીબેન બોલ્યા, ‘જુઓ બેન, આ વિષયમાં હું કાંઈ બોલી શકું તેમ નથી. મારા પતિએ નિર્ણય લઈ લીધો છે અને અમારા ઘરમાં એમનો નિર્ણય જ આખરી માનવા માટે અમે સૌ ટેવાઈ ગયા છીએ.’ ‘તમે મારી વાત શાંતિથી સાંભળો બેન. હું તમારો નિર્ણય બદલવાનું નથી કહેતી. હું માત્ર ઈચ્છું છું કે આ વિષે થોડી ચર્ચા-વિચારણા કરવી જોઈએ એમ તમને નથી લાગતું ? આ બે વ્યક્તિના જીવનનો સવાલ છે અને એ બન્ને આપણા બાળકો-આપણા હૃદયનાં ટૂકડાં છે !’ પછી હિંમત કરીને લાગલું જ ગુલશને પૂછી લીધું, ‘કામિનીબેન, તમે દેશમાં કઈ તરફનાં ?’ ‘મારું પિયર ભરૂચ તરફ અને સાસરું વડોદરા. અને તમે ?’ ‘અમે પણ ભરૂચના.’ મનના ધડકારને માંડ માંડ કાબુમાં રાખી ઉમેર્યું, ‘બેન, હું ફર્દીનની ભાભી થાઉં !’ સામે છેડેથી ફોન કપાઈ ગયો.

થોડા દિવસ ગુલશને કામિનીબેનનાં ફોનની રાહ જોયા કરી અને એક દિવસ સાચે જ એમનો ફોન આવ્યો. ઉદાસીભર્યા અવાજે એમણે ફર્દીનવાળી વાત ફરી ન ઉખેડવાની વિનંતી કરી અને તેમના બાળકો જે નિર્ણય લે તે તેમના પર છોડી દેવા કહ્યું. પરંતુ ગુલશનને લાગે છે કે એ લોકો એક જ દેશ, એક જ પ્રાંતમાંથી આવે છે. યુ.કે.માં પણ એક જ શહેરમાં રહે છે અને મઝહબ અને ખોરાક સિવાય ઘણી બધી વાતોમાં સામ્ય છે તો આટલો યુવાન થઈને પણ શા માટે ધર્મપરિવર્તનની જીદ રોશને રાખવી જોઈએ એ એને નથી સમજાતું ! બંને જણનું છેલ્લું વર્ષ હતું એટલે તત્કાળ એ વાતને અલ્પવિરામ મળ્યું. એ લોકોની પરીક્ષા પૂરી થઈ પછી ફરી ગુલશને રોશન સાથે એ વાત ઉખેળી. દેશમાં કેટલાય મુસ્લિમોનાં ઉદાહરણ આપ્યા જેઓએ લગ્ન પછી પણ પત્નીને તેનો જ ધર્મ પાળવા દીધો છે. કેટલાય વર્ષોથી એના મનમાં ઘોળાતી વાત પણ એણે કહી, ‘બેટા, મારી દષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર ફેરવિચારણા કરે તો….’ ‘મા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને ?’ ચર્ચાએ ચઢેલા રોશન પણ કમ્મર કસીને ચર્ચામાં ઝંપલાવ્યું. ‘જેમ દરેક નદીને તપાસવી હોય તો તેનાં મૂળમાં જવું જોઈએ, તે જ રીતે દરેક ધર્મ પર વિચાર કરવો હોય તો તે જ્યારે શરૂ થયો તે વખતના સંજોગો અને એ અત્યારના સંજોગો સાથે બંધ બેસે છે કે નહીં તે તપાસવું જરૂરી છે, દીકરા….’ દીકરાને સમજાવવામાં ગુલશને કાંઈ બાકી ન રાખ્યું. આટલી અસરકારક દલીલનો જવાબ ન મળતાં, ‘મા, તેં લૉ કર્યું હોત તો જરૂર બેરિસ્ટર બની હોત….’ કહી વાતને ત્યાં જ અટકાવવામાં આવી.

ભલે એણે વાતને ત્યાં અટકાવી દીધી પરંતુ દિલને તળિયેથી અંકુરિત થયેલા પ્રેમને કેમ કરી અટકાવવો તે એને નથી સમજાતું ! ખબર નહીં કેમ મનમાં ઉઠેલા સંઘર્ષના વમળમાં બુદ્ધિ જલ્દી ફસાતી નથી ! છતાં ય ક્યારેક મઝહબનાં એ નિયમને ફગાવી દેવાનું મન થઈ જાય છે અને ત્યારે દિલને એકદમ શાતા વળે છે પરંતુ એ પળ ઝાઝી ટકતી નથી ! એક મનમાંથી દલીલ ઉઠે ‘કોઈ ધર્મે પ્રેમ કરવાની ક્યાં ના પાડી છે ?’ તરત જ બીજું મન દલીલ કરે ‘પ્રેમ કરતાં મઝહબ વધારે મહત્વ ધરાવે છે અને આજે ઈસ્લામ ઉપર તોળાતા ભય સામે પ્રેમનું બલિદાન કાંઈ બહુ મોટી વાત નથી !’ ધર્મને ટકાવવાની અને ફેલાવવાની ભાવનાને એ સમજે છે પરંતુ હૃદય એ વાત નથી સમજતું ! ક્યારેક ઈશાની ધર્મ ન બદલવાની જીદ ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને ક્યારેક….. આખરે મનની આ સ્થિતિથી વાજ આવી…. એક દિવસ, જેણે આખી જિંદગી ક્યારેય જિદ નહોતી કરી, ક્યારેય જે માનો બોલ ઉથાપ્યો નહોતો તે દીકરો એક માસૂમ છોકરીના કૂણા દિલને ઠેસ મારી, પોતાના પ્યારનું ગળું દબોચી અને પ્યારી માની અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની ડૂસકાંની દિવાલ તોડીને, માના દૂધમાંથી એના અંતરમાં સંઘરાઈ રહેલી પેલી ચૂકેલી ધડકન જેણે એને દુનિયાથી અલિપ્ત કરી નાંખ્યો છે તેને સથવારે !

************************************************

Leave a Reply Cancel reply

Enter your comment here…Enter your comment here…

Name (required)

Website

Gravatar

NAYNA PATEL: You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Notify me of new comments via email.

Posted in વાર્તા | Leave a comment

પીળા આંસુની પોટલી

પીળા આંસુની પોટલી

ઉમાબેન પરસેવો થવાથી એકદમ જાગી ગયાં. પીરીયડ્સ ગયાં પણ ખબર નહીં આ રાત્રે પરસેવો થાય છે તે કેમેય કર્યું બંધ થતું નથી!

એક સેકંડ માટે રૂમમાં જોયું અને સાવ અજાણી જગ્યા જોઈને ગભરાઈ ગયાં-ક્યાં આવી ચઢી?

આદત મુજબ કાંડાઘડિયાળમાં જોયું, મોડું ઉઠવું ગુન્હો હોય તેમ ‘ઓ મા, સાડા દસ થઈ ગયા!’ બોલી, બાવરાં બની બેઠાં થઈ ગયા.

પછી બાજુમાં નસ્કોરાં બોલાવતાં પતિ મહેશ તરફ નજર ગઈ.

યાદશક્તિને ખાલી ચઢી ગઈ હતી!

ઊં…ડો શ્વાસ લીધો.

આંખ ખુલ્યા પછી હજુ હમણા યાદશક્તિ ઉઠી.

હવે યાદ આવ્યું, હજુ ગઈકાલે જ તો એમના દીકરાને ત્યાં પહેલી વખત યુ.કે આવ્યા!

ખૂણામાં ટમટમતાં નાઈટ લેમ્પનાં ઝાંખા અજવાળામાં બધું સ્પષ્ટ થતું ગયું.

લંડનનો સમય ઈન્ડીયાથી સાડા ચાર કલાક પાછળ અને પ્રવાસનો થાક હતો એટલે ગઈકાલે વ્હેલા સૂઈ ગયા હતા તે યાદ આવ્યું.

અહીં કેટલા વાગ્યા હશે? વિચારી ઝાંખા અજવાળામાં ચારેબાજુ ભીંત પર નજર ફેરવી-ક્યાંય ઘડિયાળ દેખાઈ નહીં.

રાત્રે દ્વીજે કાંડાઘડિયાળમાં ટાઈમ બદલવાનું કહ્યું ત્યારે જ બદલી નાંખ્યો હોત તો સારું.

પરંતુ ત્યારે એટલો જલ્દી ઈન્ડિયાનો ટાઈમ બદલવાનું મન ન થયું!

આસ્તેથી ઉઠી પડદાનો ખૂણો ખસેડી બારી બહાર નજર નાંખી. મકાનોનાં ઓળાઓ અને ઊંચા ઊંચા ઝાડોની પાછળ સંતાઈને બળતી સ્ટ્રીટ લાઈટ્સનાં અજવાળામાં દરેક ઘરો આગળ નિષ્પ્રાણ ઊભેલી ગાડીઓ સિવાય સૂનકાર હતો.

ન કૂતરાંઓનો ભસવાનો અવાજ, ન તો રાત-દિવસ જોયા વગર જ સતત વાગતાં રહેતાં વાહનોનાં હોર્નનો ત્રાસદાયક શોરબકોર કે ન તો ટી.વી.થી માંડી મોટે મોટેથી પૂજા કરતાં, આરતી ઉતારતાં કે વાતો કરતાં,-ઝગડતાં પડોશીઓનો અવાજ! નકરી સ્તબ્ધતા!

ત્યાં તો મહેશભાઈની આંખો પણ ઉઘડી ગઈ. રોજની ટેવ પ્રમાણે બાજુનાં ટેબલ પર રાખેલાં ચશ્મા લેવા હાથ લંબાવ્યો અને ચશ્મા હાથ આવે તે પહેલાં તો એલાર્મ સાથે હાથ અફળાયો. ઉમાબેન એ પકડી લે તે પહેલાં ‘ધમ્મમ..’ અવાજ સાથે એલાર્મ નીચે પડ્યો. એ ઉઠાવતાં ઉઠાવતાં એમની નજર ઘડિયાળ પર ગઈ ત્યારે ખબર પડી કે સવારે છ થવાની તૈયારી છે.

બન્ને પતિ-પત્નીની નજર મળી, ધીમે સ્વરે ‘જેશ્રીકૃષ્ણ’ કહ્યું અને એલાર્મ પડવાથી કોઈ જાગી તો ગયું નથી ને એ શંકાએ બારણા તરફ જોયું.

મહેશભાઈ પણ આળસ મરડી પથારીમાં બેઠાં થયાં.

ઉમાબેનને તો પેલો બહારનો સૂનકાર આભડી ગયો ન હોય તેમ, પ્રાર્થના કરવાનું ભૂલીને ગૂમસૂમ બની ખાટલામાં બેસી રહ્યાં!

મહેશભાઇ પણ ઉઠ્યા અને બારીનો પડદો હટાવી બહાર જોયું.

એમને ય પેલી સ્તબ્ધતા સ્પર્શી ગઈ હોય તેમ પાછા આવી ઉમાબેન પાસે ખાટલામાં બેસી રહ્યાં, પછી મનમાં કાંઈ સંચાર થયો હોય તેમ બોલ્યા, ‘છ થયાં તો ય બહાર કેટલું અંધારું છે!’

બહાર ઉભરાતી નિઃશબ્દતાએ બન્ને પતિ-પત્નીની અંદરની દુનિયાને ઢંઢોળી મુકી-

ઈન્ડીયામાં આ સમયે તો ઉમાબેનનું પ્રાતઃકર્મ પતી ગયું હોય, રાતનાં સુધારી રાખેલું શાક વઘાર્યા પછી મહેશભાઈને ઉઠાડે, ચ્હાનું પાણી મુકે સાથે સાથે કુકર મુકે. આખું ઘર ચ્હાની સુગંધથી મ્હેંકી ઉઠે. ન્હાતાં ન્હાતાં શિવમહીમ્નસ્તોત્ર ગાતાં મહેશભાઈ સાથે ઉમાબેન ગણગણતાં જાય, ક્યારેક એ ગણગણવામાં કૂકરની વ્હીસલ ગણવામાં ગોટાળા થાય અને પછી….પછી….ક્ષણવારમાં તો બન્ને જણે ભારતમાં આવેલાં તેમનાં ઘરની સવાર જીવી લીધી.

નવો દેશ, નવું વાતાવરણ, ન સમજાતી ભાષા, અજાણ વહુ અને પાંચ વર્ષમાં એકલો રહીને પીઢ થઈ ગયેલો તેમેનો લાડકો પુત્ર દ્વીજ-કેમ ગોઠશેની મૂંઝવણ.

હજુ તો કાલે જ આવ્યા છે, અહીંની ઘટમાળમાં આજથી ગોઠવાવું પડશે!

દ્વિધાનું એક વાદળ જાણે રુમમાં છવાઈ ગયું.

દિવસે સાડીની દુકાનમાં સેલ્સમેનનું કામ કરી અને રોજ રાત્રે નામું લખી લખી મહેશભાઈએ અને હાથ લાગ્યા તેવાં ઘર બેઠાં કરી શકાય તેવાં બધાં જ કામો કરી કરીને ઉમાબેને મોંઘવારીના જમાનામાં ત્રણે સંતાનોને ગ્રેજ્યુએટ કર્યાં. એટલું જ નહીં  બન્ને દીકરીઓને પરણાવી, દ્વીજને વધુ અભ્યાસ માટે યુ.કે. પણ મોકલાવ્યો. હવે છેલ્લા બે વર્ષથી બન્ને જણ ઘરે એકલા પડ્યા છે.  ‘અલો’ અને ‘અલી’ની સ્વતંત્રતા કોઠે પડવા માંડી છે અને ત્યાં તો દ્વીજથી ભારત આવી શકાય તેમ ન્હોતું એટલે મમ્મી-પપ્પાને યુ.કે બોલાવ્યા.

પાંચ વર્ષથી દૂર રહેતા દીકરા અને તેની પત્નીની ઘટમાળમાં આજથી એ રીતે ભળવાનું છે કે જેથી એ લોકોને કોઈ મુશ્કેલી ન પડે-દીકરાને મળવાના આનંદ અને પુત્રવધૂને જોવાની ઉત્સુક્તાની અંદર જાણે મુંઝવણનું એક બિંદુ મોટુંને મોટું થવા માંડ્યું!

થોડી સ્વસ્થતા મેળવી મહેશભાઈએ આસ્તેથી રુમનું બારણું ખોલ્યું અને ટૉયલેટ તરફ જતા જ હતાં ત્યાં તો દ્વીજ પણ એના રુમમાંથી નાઈટગાઉનનો બેલ્ટ બાંધતા બાંધતા નીકળ્યો.

બગાસું ખાતાં ખાતાં ‘જેશ્રીકૃષ્ણ ડેડ, ઊંઘ આવી હતીને બરાબર’ બોલી મહેશભાઈ પાસે ગયો પછી માફી માંગતા સ્વરે કહ્યું, ‘સોરી હં પપ્પા, રીયાનાં ‘ડેડ’ને…..

‘કાંઈ વાંધો નહી બેટા,’ કહી ઘરમાં એક જ બાથરુમ હોવાથી હવે બાથરુમમાં જવું કે નહી તેની દ્વિધામાં ઊભા રહી ગયા.

બાથરુમ તરફ હાથ કરી દ્વીજે મહેશભાઈને જવા કહ્યું અને ઉમેર્યું, ‘પપ્પા, જરાક ઉતાવળ કરશો? મારે અને રીયાને જોબ ઉપર જવા માટે પોણા આઠે ઘરેથી નીકળી જવું પડે છે.’ કહી ઉમાબેન સૂતા હતાં તે રુમ તરફ જવા પગ ઉપાડ્યાં.

મહેશભાઈથી થઈ એટલી ઉતાવળ કરી બાથરુમની બહાર આવ્યા અને તેમના બેડરુમમાં જતાં જતાં બોલ્યા, ‘જા દ્વીજુ, તારે જવું હોય તો’. રુમમાં જઈ જોયું તો દ્વીજ એની મમ્મીનાં ખોળામાં માથું મુકી આડો પડ્યો હતો અને ઉમાબેન પ્રેમથી એને માથે હાથ ફેરવતાં હતાં.

ત્રણેય જણની નજર મળી અને એક ક્ષણમાં તો રુમ બની ગયો અમદાવાદનાં તેમના નાનકડાં મકાનની અગાસી! રોજ સાંજે પરવારીને સૌનો સાથે ફરવા જવાનો અને બરફના ગોળા ખાઈને ઘરે આવી ધાબે જઈને નિરાંતે બેસવાનો કાર્યક્રમ એકદમ ફીક્સ. ઉમાબેનને શાક સુધારવું હોય તો પણ થોડીવાર માટે તો એ લોકોને તેમના ખોળામાં માથું રાખીને સુવા દેવું જ પડે. મમ્મીનાં ખોળામાં કોણ બે જણ પહેલા માથું રાખે તેની હરિફાઈ થતી. દ્વીજ તો ઉમાબેન બેસે ન બેસે ને ખોળામાં માથું મુકી દેતો પછી સુરીલી કે પૃથાનો વારો આવતો. રોજ એને માટે થતાં મીઠા ઝગડાં યાદ આવતાં જ ત્રણે ય જણનાં મોં મલકી ઉઠ્યાં! જેને મમ્મીનાં ખોળામાં જગ્યા ન મળે તેને માટે પછી પપ્પાનો ખોળો તો હોય જ! બાળકો પાસેથી મળેલાં એ નિસ્વાર્થ પ્રેમ અને વિતેલાં દિવસનું સુખ મહેશભાઈની આંખોમાં આંસુનું બુંદ બનીને ચમકી ઉઠ્યું.

ઉઠતાં ઉઠતાં દ્વીજે ઉમાબેનને કપાળે ‘વ્હાલી’ કરી ‘લવ યુ મમ’ કહી બાથરુમમાં ગયો.

પાંચ પાંચ વર્ષ પછી મળેલા સુખને આખા અસ્તિત્વમાં ભરી લેતાં હોય તેમ ઉમાબેન હજુ ય આંખો બંધ કરીને બેઠાં હતાં એ જોઈને મહેશભાઈને -જ્યારે બાળકો સાવ નાના હતાં અને બે-ત્રણ વખત સ્તનપાન ન કર્યું હોય અને પછી જ્યારે તેમ કરે તે વખતની બાળક્નાં મોઢા પરની તૃપ્તિ અને ઉમાબેનનાં અસ્તિત્વમાંથી ટપકતો પરમ સંતોષ યાદ આવી ગયાં રુમ છોડીને ગયેલાં દ્વીજનાં મોઢા ઉપર એ તૃપ્તિ ફરી જોઈ અને હમણા આંખો મીંચીને બેઠેલાં ઉમાબેનનાં આખા અસ્તિત્વમાંથી એ જ સંતોષ નીતરતો હતો! પિતા અને માતાની સ્નેહની અભિવ્યક્તિમાં માતા કેમ શ્રેષ્ઠ તે એમને આજે સમજાયું. એક ક્ષણ માટે પુરુષ હોવાનો-પિતા થવાનો વસવસો થયો!

એ લોકોને યુ.કે આવ્યાને લગભગ મહિનો પુરો થવા આવ્યો.

આ એક મહિનામાં બન્ને જણને ભારતીયતાનો કાંઈ અવનવો અનુભવ થવા માંડ્યો. અહીં રહેતાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે પરંતુ બિલ્કુલ સુરતનાં ‘ઉંધિયા’ જેવું! સ્વાહિલિ(આફ્રિકાની ભાષા), ગુજરાતી અને અંગ્રેજીનું અદભૂત ‘મિશ્રણ’ તેના પર સૌરષ્ટ્રીયન, સુરતી, અમદાવાદી, વડોદરાનાં, મહેસાણાનાં, ચરોતરનાં, ભરુચ જીલ્લાનાં- એમ વિવિધ ઉચ્ચારોનો ‘વઘાર’! આ દેશમાં ઉછરેલા યુવાનો અને યુવતીઓ ઈંગ્લિશ બોલે તો એકદમ અંગ્રેજ જ લાગે પરંતુ જેવું ગુજરાતી બોલે કે તરત જ તેનાં માતા-પિતા ઉત્તર કે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે તેનો ખ્યાલ આવી જાય.

હજુ ય ‘રતલ’નાં માપમાં ખરીદતાં લોકો! સામાજીક વ્યવહારો અને રીત-રિવાજ જાળવવાનાં આગ્રહી અને અહીંની ઋતુ અનુસાર અને જોબની માન્યતા મુજબ પહેરવેશ પહેરતાં ગુજરાતીઓની જીવનશૈલી ભલે બદલાઈ ગઈ હતી પરંતુ ગુજરાતીપણું ભરપૂર જોયું.

ધીમે ધીમે બન્ને જણ અહીંના વાતાવરણથી પરિચિત થવા માંડ્યાં છે અને તેમાં અનુકૂળ થઈને જીવવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે.

સવારે દ્વીજ અને રીયા જોબ ઉપર જાય પછી સાફ-સફાઈ અને રાંધવાનાં રોજીંદા કામની સાથે સાથે નવરાશનાં સમયમાં નાસ્તા બનાવ્યા, મુખવાસ બનાવ્યો, કપડાંને ઈસ્ત્રી કરે-જે કોઈ કામ દેખાયું તે કર્યું પણ તો ય ઉમાબેનનો સમય કેમેય કર્યો ખૂટતો નથી. મહેશભાઈ પણ ઉમાબેનને બધાં જ કામોમાં મદદ કરે પણ હવે તો એમને ય કંટાળો આવવા માંડ્યો છે.

રીયાનાં મમ મધુબેન  અને ડેડ ઠાકોરભાઈ શોપીંગ કરવા જતા હોય, મંદિરે કે બપોરનાં સમયે વૃધ્ધો માટે ચલતી પ્રવૃત્તિઓમાં જતા હોય તો હંમેશા સાથે આવવા આગ્રહ કરે, લઈ જાય અને તો ય…….

દીકરાને મળી લીધું એટલે ઉમળકો ઓસરવા માંડ્યો કે, ભારતનો વિયોગ લાગવા માંડ્યો, કે અપરિચિત જગ્યાની મુંઝવણ હતી કે આવકાર ઠંડો લાગ્યો કે ઘરથી ક્યારેય દૂર ન્હોતાં ગયા તેથી અજંપો હતો કે….કે….કાંઈ ખબર ન્હોતી પડતી પરંતુ દરેક પળે મન ઘર તરફ તસુ તસુ ખેંચાતુ જતું હતું.

ઈન્ડિયા હતો ત્યારે ઘર બહાર બનતી બ..ધ્ધી જ વાત મમ્મીને વિસ્તારથી કરતો દ્વીજ પુખ્ત બની ગયો છે-તેમને લાગ્યું કે જાણે પાંચ વર્ષ પહેલાના તેમના દ્વીજની નિખાલસતા, વાચાળતા અને ચંચળતા યુ.કે.ની ઠંડીમાં ઠરી ગયા છે કે ક્યાં તો પાંચ વર્ષની એકલતાએ  શોષી લીધા છે.

સાંજે વહુ-દીકરો જોબ ઉપરથી આવે ત્યારે વાક્યોની નહીં પરંતુ માંડ માંડ શબ્દોની આપ-લે જ થતી હોય અને પછી ચાર-ચાર વ્યક્તિઓ ઘરમાં હોવા છતાં ટી.વી.નાં અવાજ સિવાય બધું જ ખામોશ!

એ લોકો અને ખાસ કરીને રીયા થાકી હશે એટલે વાતો ઓછી કરે છે એમ મનને મનાવ્યા કરે છે. છતાં- રીયા અભિમાની છે કે શાંત-એ નક્કી ન કરી શકવાની ગડમથલ છે-એક અણગમતો વિચાર પણ આવે છે-કે…કે એ લોકો અહીં આવ્યા એ એને ગમ્યું નહીં હોય!

કાંઈ સમજ પડતી નથી.

પૂછે તો ય કોને પૂછે?

દ્વીજ અને રીયા અંદર અંદર વાતો મોટેભાગે ઈંગ્લિશમાં જ કરે, પરંતુ દ્વીજને ખ્યાલ આવે એટલે તરત ગુજરાતીમાં બોલે પણ રીયાને એ ફાવતું જ નથી. એ લોકોએ એ પણ નોંધ્યુ કે દ્વીજ સાથે જ્યારે ગુજરાતીમાં વાત થતી હોય ત્યારે વાતમાં રસ લેવાની જગ્યાએ ગુપચૂપ તેનું કામ કરતી રહે અથવા એ ભલું અને એનું લેપટોપ ભલું!

અને આ વતાવરણમાં ચૂપચાપ રહેવાથી અજાણપણે જ એક ‘ઓશિયાળાપણા’નો ઓળો એ લોકો પર મંડરાવા માંડ્યો છે. કેટલું વિચિત્ર છે કે જે સામાન્ય રીતે એક વહુ એનાં સાસરે અનુભવે એ લાગણી આજે સાસુ-સસરા અનુભવે છે!

અને એકવાર રીયાને એનાં જોબ ઉપરથી બીજા શહેરમાં બે દિવસની કોન્ફરન્સ એટેન્ડ કરવા જવાનું થયું અને ત્યારે યુ.કે.આવ્યા પછી પહેલીવાર દ્વીજ સાથે એકલા રહેવાનું બન્યુ.

શનીવારે જોબ ઉપર જવાનું ન્હોતું એટલે મોડા ઉઠેલા દ્વીજનાં દીલો-દિમાગને કોઈ પરિચિત સુગંધે તરબતર કરી દીધો!

નીચે આવીને જોયું તો એની મનપસંદ મસાલાપુરી, છુંદો અને આદુ, એલચી નાંખીને ઉકળતી મસાલાવાળી ચ્હા!

દ્વીજનું ‘વાઉવ’ સાંભળીને ઉમાબેનને અહીં આવવાનું સાર્થક થઈ ગયું લાગ્યું!

રીયાની ગેરહાજરીએ ઉમાબેનનાં અસ્તિત્વને જાગ્રત કરી નાંખ્યું.

ઉમાબેન અને મહેશભાઈને ખબર નહીં કેમ પણ રીયા વગરનો દ્વીજ પોતાનો લાગ્યો.

અત્યાર સુધી દીકરાને ત્યાં નહી પરંતુ ‘વહુને’ ત્યાં રહેવા આવ્યા હોય તેવું જ લાગતું હતું. આજે પ્રથમવાર દીકરાને ત્યાં આવ્યાનો ઉમંગ ઉમટ્યો.

એ લોકોને વ્હેમ પડ્યો કે ખબર નહીં સાચ્ચે જ રીયા વગરનો દ્વીજ પણ એ લોકોને એકદમ રીલેક્સ લાગ્યો!

આમ તો યુ.કે.માં મોટેભાગે જોબ ઉપર જતાં સૌ સાંજે એકવાર જ જમતાં હોય એટલે હવે ઉમાબેન અને મહેશભાઈએ પણ બપોરનાં નાસ્તા જેવું કાંઈ કરી સાંજે જ જમવાની ટેવ પાડવા માંડી હતી તેને આજે તિલાંજલી આપી અને ઉમાબેને બપોરના જમવાની તૈયારી કરવા માંડી.

દ્વીજ ન્હાવા ગયો. બ્રેકફાસ્ટનાં વાસણો ડીશવૉશરમાં મુકતાં ઉમાબેનની અને તેમાં મદદ કરતાં મહેશભાઈની નજર મળી અને ઘણે દિવસે એક સંતોષનું સ્મિત બન્નેનાં મોં પર પથરાઈ ગયું.

પાંચ વર્ષની કાંઈ કેટ………….લીય વાતો કરવાની બાકી હતી!

આજે દ્વીજને ભાવતી ગળી રોટલી, કઢી અને બટેટાનું કોરું શાક બનાવતાં બનાવતાં ઉમાબેન અને એ બનાવવામાં મદદ કરતાં બાપ-દીકરાને જે યાદ આવી તે વાતો કરતાં ગયાં…વાતમાંથી વાત ફૂટતી રહી અને એ કરતાં કરતાં ત્રણેય જણનાં મોઢા પર આનંદની વેલ પાંગરતી રહી!

દ્વીજ યુ.કે. આવી ગયો પછી બનેલી બધી જ ઘટનાઓ જીવતી બની ગઈ!

આડોશ-પાડોશથી માંડી, મહેશભાઈની નોકરીની વાતો અને મામા-મામી, કાકા-કાકી અને તેમનાં આખાય કુટુંબની વાતો, સુરીલી અને પૃથાનાં લગ્નની વાતો અને દ્વીજના દોસ્તોનાં લગ્નની…..વાતો અને વાતો અને…..વાતોમાંને વાતોમાં સાંજ પડી ગઈ.

‘પ્રશ્નાર્થચિન્હ’ જાણે ‘ઉદ્દગાર’ ચિન્હમાં  પરિવર્તન પામ્યું હોય તેમ ‘આમ કેમ’ની મુંઝવણ ‘હાશ!’ બની ગઈ!

ટી.વી., રેડિયો અને સી.ડી.પ્લેયરને પણ આજે મૂંગા થઈ જવું પડ્યું.

સાંજે દ્વીજે પીત્ઝા મંગાવી લીધા તેને ન્યાય આપી સૌએ સોફા પર જમાવ્યું.

ત્યાં તો રીયાનો ફોન આવ્યો. દ્વીજ ફોન લઈને બાજુનાં રુમમાં ગયો. પતિ-પત્નીએ એકબીજા તરફ જોયું. હોટઍર બલુનમાંથી હવા નીકળી જાય તેવું કંઈક થયું. અત્યાર સુધી મુક્ત બની ગયેલું વતાવરણ ખામોશીનો આંચળો ઓઢવા તૈયાર થઈ બેઠું.

દ્વીજે પાછા આવી અટકેલી વાતનો દોર સાધ્યો, ‘હં મમ્મી, ઈટીઝ ઇન્ટ્રેસ્ટીંગ, પછી રીતેશે શું કર્યું?’

અચાનક ભારે થઈ ગયેલા વાતાવરણને હળવું કરવા મહેશભાઈએ પૂછ્યું, ‘બધું બરાબર છે ને? રીયાને મઝા આવે છે કે નહીં?

દ્વીજને હજુ પેલા બદલાયેલા વાતાવરણની અસર પહોંચી ન્હોતી લાગતી, ‘યા, શી ઈઝ એન્જોયીંગ.’ પછી જાણે એ વતાવરણનો પડછાયો જોયો હોય તેમ કંઈક ક્ષોભ સાથે કહ્યું, ‘એ તો મેં ઘરની સાફ-સફાઈ કરી કે નહીં તે પૂછતી હતી.’

શાંત થઈ ગયેલી મમ્મીની સામે જોઈ ઉમેર્યું, ‘મમ, અમે બન્ને જોબ ઉપર જઈયે ને એટલે શનીવારે સાથે મળી હુવર, લોન્ડ્રી અને સાફ-સફાઈ કરી નાંખીયે’

જોકે આમ તો અહીં આવીને એ લોકોએ દર શનીવારે એ જોયું જ હતું ને? એ કાંઈ હવે નવું ન્હોતું એમને માટે છતાં થોડીવાર પહેલાનાં વતાવરણને ફરીને પ્રસ્થાપિત કરવાનાં દ્વીજના પ્રયત્નને તેઓ જોઈ શક્યા.

‘લે ઈન્ડીયા હતો ત્યારે મને તો તેં ક્યારે ય મદદ નથી કરી’ ઉમાબેનની ફરિયાદ વ્યાજબી હતી!

‘એ તારો વાંક ઉમા, રીયાએ માંડ માંડ એને સુધાર્યો છે જો જે એને પાછી બગાડતી!’ મહેશભાઈની મજાકે પેલા ભારે થતાં વાતાવરણને એક ધક્કો માર્યો.

વાત રીયાની નીકળી જ છે એટલે ઉમાબેને હસતાં હસતાં સહજ પૂછી જ લીધું, ‘દ્વીજુ, રીયા હંમેશા આટલી શાંત છે કે પછી અમે આવ્યા એટલે……..’

‘મને થતું જ હતું કે તમને રીયા કેમ વધુ બોલતી નથી એ પ્રશ્ન સતાવતો જ હશે. પણ મમ એ આમે ય શાંત સ્વભાવની છે અને તેમાંય…….’

બોલતાં બોલતાં અટકી ગયેલા દ્વીજ સામે બન્ને જણે જોયા કર્યું પછી ઉમાબેને વાક્યને ઝીલીને આગળ વધાર્યું, ‘બોલ બેટા, તેમાંય….શું?’

‘તેમાં ય મમ, અહીં ઉછરેલી એની બીજી ફ્રેંડ્સનાં મોઢે સાસુ-સસરાનાં જુદા જુદા અનુભવો સાંભળી થોડી મુંઝાયેલી રહે છે. ને તેમાં પપ્પા, એને ગુજરાતી સરખું બોલતા ન ફાવે એટલે વાત કરતાં ક્ષોભ અનુભવે છે. ડોન્ટ ટેઈક હર રોંગ મમ, એને થોડો સમય આપો જેમ જેમ તમને ઓળખતી થશેને તેમ તેમ એનો સંકોચ દૂર થશે.’

હવે જાણે ઉમાબેનનો રીયાની વાત કરવાનો ક્ષોભ ઓછો થયો હોય તેમ કહ્યું, ‘અને બેટા, બીજું સત્ય એ છે કે જેમ તમે બન્ને તેમ હું અને તારાં પપ્પા પણ છેલ્લા બે વર્ષથી સ્વતંત્ર રહેવા માટે ટેવાઇ ગયા છીએ એટલે સાવ અપરિચિત વ્યક્તિઓ સાથે રહેવાનું મુંઝવે તો ખરું જ ને?’ ઉમાબેનની આ નિખાલસતા દ્વીજને ગમી.

‘ધેટ્સ ટ્રુ’ કહી દ્વીજે વાતનો વિષય બદલ્યો, ‘ અરે હા, હજુ તો મેં તમને અમારા લગ્નનાં ફોટા ય બતાવ્યા નથી.’ કહી ઉમળકાભેર માળ ઉપર આલ્બમ લેવા ગયો.

હોંશે હોંશે લાવેલા આલ્બમમાં હજુ તો ફોટા જોવાં શરુ જ કર્યા અને ઉમાબેનની આંખો છલકાઈ ઉઠી.

ભણવાનાં વિઝા લઈને આવેલા દ્વીજને સાથે ભણતી રીયા ગમી અને બ્રિટનમાં જ જન્મેલી અને ઉછરેલી રીયાને પણ નિખાલસ, વાચાળ અને આનંદી દ્વીજ ગમી ગયો! યુ.કે.ના ઈમીગ્રેશનનાં કાયદા મુજબ લગ્ન કરી એક વર્ષ બન્ને પતિ-પત્નીએ સાથે રહી એ લગ્ન સગવડીયા નથી તે બતાવી લગ્નની ગંભીરતાને સાબિત કરવી પડે. એટલે  દ્વીજનાં ભણવાનાં વિઝા પુરા થાય તે પહેલાં એ લોકોને લગ્ન કરી લેવા પડ્યાં.

ધામધૂમથી વ્હાલા દીકરાનાં લગ્ન કરવાનાં ઉમાબેન અને મહેશભાઈનાં ઉમળકાનું સંજોગોએ ગળું ટૂંપી દીધું હતું તેથી મનને ખૂણે ધરબાયેલી વેદના આ રીતે વરસી પડી.

બન્ને દીકરીઓનાં લગ્નપ્રસંગોએ દ્વીજેને પળ પળ યાદ કર્યો હતો! અરે, ઘરનો કોઈ પ્રસંગ એવો ન્હોતો ગયો કે જેમાં ઘરનાં સૌને દ્વીજની ખોટ ન સાલી હોય! પ્રસંગની વાત જવા દઈયે તો પણ દ્વીજને ભાવતી વાનગી બનાવતાં બનાવતાં, ઘર માટે ફર્નીચર ખરીદતાં….અને એવી તો કાંઈ કેટલી ય વખત, રોજ જ એ યાદ આવ્યો છે!

ફોન પર વાત કરીને મન મનાવાનાં ‘પ્રયત્નો’ હતાં-એ દ્વીજની ખોટ તો ન જ પૂરે ને?

આજે, આ આલ્બમે, મનનાં અગોચર ખૂણે મોંએ હાથ દઈ બેઠેલી પાંચ પાંચ વર્ષ સુધી વેંઢારેલી પુત્રવિરહની વેદનાનું મોં અચાનક ખોલી નાંખ્યું!

કોઈ પણ શબ્દોની આપ-લે વિના ત્રણે ત્રણ જણનાં વહેતાં આંસુઓએ, આખો દિવસ બેબાકળી બની વહેતી પાંચ પાંચ વર્ષોની સંચિત વાતોને શાંત કરી દીધી.

સોફામાં વચ્ચે દ્વીજ બેઠો હતો અને આજુબાજુ ઉમાબેન અને મહેશભાઈ.

આંસુઓ લુછી મહેશભાઈએ આલ્બમને રસપૂર્વક જોવાનો પ્રયત્ન આરંભવા દ્વીજના ખોળામાં રાખેલા આલ્બમનું પાનું ફેરવ્યું.

દ્વીજ-રીયાનો એકબીજાને હાર પહેરાવતો ફોટો ખુબ સુંદર હતો.

બેગ્રાઉંડમાં ફક્ત રીયાનાં સગા-સંબંધીઓ!

દ્વીજ એમના જીગરનો ટૂકડો એમના જીવનનો એક અગત્યનો ભાગ અને એનાં લગ્નમાં એ લોકોનું નમો-નિશાન નહીં!!!!

શું બોલવું તેની દ્વિધામાં દ્વીજે ફોટામાં ઊભેલા સૌની ઓળખાણ આપવા માંડી….’આ રીયાનાં મામા-મામી, આ એનાં કાકા-કાકી….’

ઓળખાણ આગળ ચાલતી હતી. દ્વીજે ઉમાબેનને શૂન્યમનસ્ક બેઠેલા જોયાં પરંતુ તેમને ઢંઢોળવાની હિંમત એ ન કરી શક્યો.

હવે આવ્યા રીયાનાં લગ્ન પહેલાંની વિધિઓનાં ફોટા.

એક સેકંડ માટે ઉમાબેનને આલ્બમ બંધ કરી દેવાની ઈચ્છા થઈ આવી.

મહેશભાઈ અને દ્વીજ બન્નેને ઉમાબેનની મનોસ્થિતીની ખબર હતી તેની સરખામણીમાં મહેશભાઈએ ખુબ જલ્દી સ્વસ્થતા મેળવી લીધી હતી.

પોતાનાં જ દીકરાનાં લગ્ન પારકાં બનીને જોવાનો આ તે કેવો અજંપો?

ત્યાં તો ફેરવાતાં જતાં આલ્બમનાં એક પાના પર દ્વીજ અટકી ગયો.

ત્રણે જણની નજર થોડા આનંદના આવેશમાં સ્થિર થઈ ગઈ.

કોઈ સાવ જ અપરિચિત લોકોની વચ્ચે બેઠેલાં દ્વીજને પીઠી લગાવવાની વિધિનો ફોટો હતો.

ત્યાં તો દ્વીજ ઉઠ્યો અને ‘હમણાં આવું છું’ કહીને ઉપર ગયો અને વળતી જ ક્ષણે એક સફેદ કપડાંમાં બાંધેલી પોટલી લઈને આવ્યો.

ઉમાબેનનાં પગ પાસે નીચે બેસી ગયો.

એક નજર મમ્મી-પપ્પા પર નાંખી આસ્તેથી પોટલી છોડી.

પેલા સ્થિર થઈ ગયેલા આલ્બમના પાના પર દેખાતાં સૂકાઈ ગયેલી પીઠીવાળા કપડાં એમાં હતાં.

દ્વીજ એ કપડાં સામે અનિમેષ નજરે જોઈ રહ્યો. પછી નીચું જોઈને જ એક ઊંડો શ્વાસ લઈ બોલ્યો, ‘ મમ, ડેડ, આ કપડાં મેં સાચવી રાખ્યા છે કેમ ખબર છે?

જવાબની અપેક્ષાએ બન્ને જણે એની સામે જોયું. પરંતુ પોટલીની ઉકલેલી ગાંઠો સાથે દ્વીજનાં મનઃચક્ષુમાં એ દિવસ ખુલી ગયો.

લગ્નનું એટલું તો જલ્દી ગોઠવવું પડ્યું કે લગ્નના બે દિવસ જ બાકી રહ્યાં ત્યાં સુધી એને ‘પોતાનાં સ્વજનો વિના શું કરશે’ તેનો વિચાર કરવાનો પણ ચાન્સ ન્હોતો મળ્યો.

જરુરી બધી જ ગોઠવણો રીયાના ડેડી અને ભાઈએ કરી લાધી હતી.

કંકોત્રી લખવાનો તો સવાલ જ ન્હોતો એટલે રીયાના સગાં-સબંધીઓને ફોનથી જ આમંત્રણો આપી દેવાયા હતાં.

રીયાની વ્યવહારકુશળ મમ મધુબેને ફોન કરીને ઉમાબેન અને મહેશભાઈને પણ વ્યવહાર મુજબ લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

બન્ને દીકરીઓનાં લગ્નનાં ખર્ચા માટે લીધેલી બેન્ક લોન હજુ તો ભરાતી હતી ત્યાં આમ ઓચિંતા દીકરાનાં ઘડીયા લગ્ન લેવાયા તેમાં જવું ઉમાબેન અને મહેશભાઈ માટે અસંભવ હતું. મહેશભાઈની નોકરી ચાલુ હતી એટલે તો લોન મળી! બન્ને દીકરીઓનાં લગ્નમાં રજાઓ પણ ખર્ચાઈ ગઈ હતી.

ટૂંકમાં લગ્નમાં જવાની ઈચ્છા અને ઉત્સાહને ચૂપ જ રહેવું પડ્યું!

લગ્ન પહેલા અને પછીના કામોની કોને કઈ જવાબદારી આપવી તે નક્કી કરવા ભેગા થયેલા રીયાનાં એક સગાંએ હસતાં હસતાં દ્વીજને એના કોઈ સગાં-સંબંધી યુ.કે.માં રહે છે કે નહી તે પૂછ્યું.

‘ના’ કહેતાં દ્વીજને થયું કે એનાથી હમણા રડી પડાશે.

યુનિ.ની ટર્મ પૂરી થઈ ગઈ હતી એટલે રેસીડેન્સિયલ ફ્લેટ દ્વીજે આપી દઈને ટેમ્પરરી બીજે રહેવાની ગોઠવણ આમે ય કરવાની જ હતી એટલે અને લગ્નની તૈયારીઓ કરવાની હતી એટલે ભાવિ સસરા અને સાસુમાના અગ્રહને માન આપી દ્વીજ એ લોકોને ત્યાં રહેવા માટે આવી ગયો હતો.

પ્રશ્ન એ ઉભો થયો કે લગ્ન પહેલાં વર-વધૂએ એક બીજાનું મોં ન જોવાનો રિવાજ છે તો હવે દ્વીજ માટે ‘કોઈ’ને ત્યાં રહેવાની ગોઠવણ કરવી પડશે!

ક્ષોભ અને સંકોચથી એ કોકડું વળી જતો હતો.

સ્વજનો અને ખાસ કરીને મમ્મી અને પપ્પાનું અસ્તિત્વ જ પૂરતું નથી તેમનું અહીં હોવું જરુરી હતું!

ઓશિયાળાપણાનો દ્વીજે અનુભવેલો આ પહેલો પ્રસંગ!

ઠાકોરભાઈનાં મિત્રે એ જવાબદારી હોંશભેર ઉપાડી લીધી અને તે જ સાંજે તેઓ દ્વીજને પોતાને ઘરે લઈ આવ્યા.

તે રાત્રે ખુલ્લી આંખે સુતાં દ્વીજે, સંસારનાં ઘણા બધા સમાજની સ્ત્રીઓને થતો આ ‘ઓશિયાળાપણા’નો અનુભવ કદાચ પહેલીવાર એક પુરુષ તરીકે અનુભવ્યો અને મનોમન સ્વીકાર્યો. મનમાં ઉગી રહેલાં સ્ત્રીઓ તરફનાં આદરથી કે મમ્મી-પપ્પા અને બહેનોની ગેરહાજરીથી ઉદભવેલા શૂન્યાવકાશથી એની આંખો આખી રાત ભીંજાતી રહી.

બે દિવસ રહીને લગ્ન હતાં. સૌ સૌનાં કામમાં વ્યસ્ત હતાં માત્ર કોઈ કામ ન્હોતું તે રીયા અને દ્વીજને!

આ આખા ય પ્રસંગમાં જો કોઈને પોતાનું ગણી શકાઈ એમ હોય તો તે માત્ર રીયા હતી જેને મળવાનો પ્રતિબંધ હતો. દિવસમાં કાંઈ કેટલીય વખત બન્ને એકબીજાને મોબાઈલ પર ફોન કરતાં રહ્યાં. પરંતુ બન્નેનાં આવેગોમાં ફેર હતો-એકને સંસાર માડવાનો ઉમંગ હતો અને એકને કોઈ પોતાનું થશેનો સધિયારો હતો!

જેમને ઘરે દ્વીજ રહ્યો હતો તે આન્ટીએ રાત્રે એને એક જોડ ઝભ્ભો-લેંઘો આપી ગ્રહશાંતિ અને પીઠીની વિધિમાં એ પહેરવાની સૂચના આપી અને સવારનાં સાત વાગ્યે તૈયાર થઈ જવા કહ્યું.

રુમમાં આવી મમ્મી-પપ્પાને ફોન કરવાનો જોરદાર વિચાર દ્વીજને આવ્યો તેવો જ સમી ગયો-રડી પડાશે તો એ લોકો પણ ઢીલા થઈ જશેને ડરે ચૂપચાપ છત પર નજર ઠેરવી પડી રહ્યો. ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો સવારે ૬ વાગ્યે મોબાઈલનો એલાર્મ વાગ્યો ત્યારે આંખો ખુલી.

ઉપરનો પ્રસંગ વર્ણવતાં દ્વીજ સાથે ઉમાબેન ને મહેશભાઈ જાણે કોઈ ફીલ્મ જોતાં હોય તેમ એક ધ્યાને સાંભળતા હતાં એમ કહેવા કરતાં કહેવું જોઈએ કે એ લોકો પણ દીકરાની એ ક્ષણોને જીરવતા હતાં!

અરુણાઆન્ટી અને શીવુઅંકલે દ્વીજનાં મા-બાપ બની ગ્રહશાંતિની વિધી કરી. એ આત્મિયતાથી દ્વીજ સાચ્ચે જ ખુબ લાગણીવશ બની ગયો હતો પરંતુ એને વ્યક્ત કેમ કરવી તે ય સમજાતું ન્હોતું.

એક દ્વીજ સિવાય, દ્વીજનાં માતા-પિતા બનેલા દંપત્તિ અને તેમનાં નજીકનાં સગા-સંબંધીની આવેલી સૌ સ્ત્રીઓ હસી-મજાક કરતાં કરતાં ગ્રહશાંતિની વિધિને માણતા હતાં.

વિડિયોવાળો વિડિયો ઉતારતો હતો, બ્રાહ્મણ વિધિ કરાવતા હતાં અને બાકીનાં ઘરનાં સૌ લોકો એટલા તો આનંદમાં હતાં કે કોઈને દ્વીજની ગંભીરતા દેખાઈ નહીં.

પછી આવી પીઠીની વિધી!

‘કોણ દ્વીજની ‘ટેમ્પરરી’ ભાભી, કાકી, બહેન બનીને પીઠી લગાવશે’ની ચાલતી ચર્ચાએ દ્વીજનાં કુટુંબની ભાભીઓ, કાકીઓ અને સગ્ગી બહેનો, મમ્મી-પપ્પાની યાદને ઢંઢોળી.

આંસુ ટપકી ન પડે તે માટે દ્વીજે તેનાં મન અને પ્રાણની સઘળી શક્તિ લગાવી દીધી.

પહેલી સ્ત્રીએ આવીને દ્વીજને કપાળે કંકુ-અક્ષત લગાવ્યા ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું અને ખબર નહી કેમ જેવી પીઠી લગાવી ઓવારણા લીધાં ત્યાં તો બેશરમ આંસુઓ રોક્યા રોકાયા જ નહીં અને સ્થળ કે પ્રસંગની શરમ રાખ્યા વગર ટપકી જ પડ્યાં!

હસતું વતાવરણ એકદમ ભારેખમ બની ગયું!

‘બિચારાને મમ્મી-ડેડીની યાદ આવી હશે!’

‘આવે જ ને, આમ લગ્ન કરવા કોને ગમે?’

‘ચાલ બેટા, આવા શુભ પ્રસંગે ન રડાય. શાંત થઈ જા.’

‘લે, પાણી પી લે. એમ રડે તો કેમ ચાલશે? આ તો પરદેશનો મામલો રહ્યો….અમે તો પરણીને આફ્રિકાનાં જંગલમાં….’

આવેલી સ્ત્રીઓની સહાનુભૂતિ તો ઉલ્ટું એની સંવેદનાને વધારેને વધારે સંકોર્યા.

પુરુષોમાં ત્યાં ફક્ત શીવુઅંકલ, બ્રાહ્મણ અને વિડિયોવાળા ભાઈ જ હતાં. એ લોકોને દ્વીજને કઈ રીતે આશ્વાસન આપવું તે સમજાયું નહીં. એટલે આખરે પૂજા કરાવતાં બ્રાહ્મણે એમની રીતે આશ્વાસન આપવા બોલ્યા, ‘અરે ભઈ, પુરુષ થઈને તે રડવાનું હોય! આ પ્રસંગ તો છોકરીને રડવાનો હોય.’ કહી પોતાની જૉક પર હસી લીધું.

દરેક જણનાં આશ્વાસને આંસુ રોકવાની જગ્યાએ વધારવાનું જ કામ કર્યે રાખ્યું!

વાત પૂરી કરી, પોટલી સામે જોતો દ્વીજ હજુ ય એનાં મનો જગતમાં હતો એટલે ચૂપચાપ ચોધાર આંસુએ રડતાં મમ્મી-પપ્પા તરફ જોયા વગર એ સ્વગત બોલ્યો, ‘મમ, મારા આટલા મહત્વનાં પ્રસંગે તમે સૌ હાજર ન્હોતાં એ પીડા અસહ્ય હતી જ પરંતુ- એક પુરુષે અનુભવેલી વેદનાનાં આંસુઓમાં, સંસારની કાંઈ કેટલી ય સ્ત્રીઓની મનોવેદનાનું એક આંસુ પણ હતું! જેમના શરીરનાં અંશ હોય તેમને છોડીને જે સાવ પરાયા હોય તેને પોતાના માનીને ભવિષ્યની અજાણ કેડીએ પગ માંડતી દરેક દીકરીઓની વ્યથાનો એકાદ અંશે તે દિવસે મારામાં સળવળ્યો હતો અને એટલે જ મારા સ્વાર્થનાં આંસુઓમાં ભળી ગયેલા પેલા આંસુને કેટલાય પ્રયત્નો પછી પણ છૂટું પાડતા મને ન આવડ્યું! એ આંસુમાં મમ- તારા,સુરીલી અને પૃથાનાં આંસુનાં અંશ પણ હશે જ- એટલે મેં પીઠીથી ખરડાયેલા આંસુની આખી પોટલી જ સંચકી રાખી છે!’

*********************************

Nayna Patel

29 Lindisfarne Road,

Syston,

Leicester

LE7 1QJ

U.K

Ninapatel47@hotmail.com

Posted in વાર્તા | 2 ટિપ્પણીઓ

કોણ સજા કરશે અને કોને!

Posted in વાર્તા | 1 ટીકા

આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?

આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?

Published in ‘Web Gurjari’-June 15, 2014

નયના પટેલ

ભરયુવાનીમાં અજય, સાથે ભણતી રીતુને પૂછી બેઠો હતો, ‘વૃધ્ધાવસ્થામાં સાંજે મારી સાથે સૂર્યાસ્ત જોવાનું પસંદ કરો ખરાં ?’ અને તેનો પ્રતિભાવ હકારમાં મળવા છતાંય તેમ ન બની શક્યું.

વૃધ્ધાવસ્થાને આરે આવીને ઊભેલા અજયે લગભગ રોજ સાંજે પોતાની પ્રિય અગાશીમાં આરામખુરશીમાં બેસીને સૂર્યાસ્તને જોતાંજોતાં એને યાદ કરી છે અને સાથેસાથે પત્નીનો રોજનો ડાયલૉગ, “ખબર નહીં, એ જ સૂરજ ને એ જ આકાશ છતાં રોજ એને જોતાં ધરાતા જ નથી ! સૂરજ જોયા કરવાથી સંસાર નથી ચાલતો; ‘ઘરમાં કંઈ ધ્યાન આપો’. કહીકહીને મોં દુઃખી ગયું, પણ પથ્થર પર પાણી !”- પચાવ્યા કર્યો છે!

આંખ આડે કાન રાખે પણ કાન આડે શું રાખે ?

વિધવા માને ખુશ રાખવા મન તો માર્યું અને ન્યાતની જ એક છોકરી સાથે સગાઈ થવા દીધી, માએ આશ્વાસન આપ્યું, ‘તને ભણેલી જોઈતી હતી ને ! જો આ ક્રીશ્ના ભણેલીય છે અને વળી આપણી ન્યાતની તો છે – ભલેને થોડી શ્યામ છે ! આ તો બેટા, તું સમજે છે ને ! તારા બાપુય નથી ને લોક આપણને…’

એને ક્રીશ્નાનાં રંગ સામે કે દેખાવ સામે કોઈ વાંધો જ ક્યાં હતો ? પરંતુ એને જોઈતું હતું કે તેની પત્નીની અને એની બૌધ્ધિક કક્ષા સરખી હોય,; પ્રેમ થઈ જાય એવી કોઈ વાત તેનામાં હોય, જેમ કે રીતુમાં હતી!

જે હોય તે અજયે અસહાય બની સંજોગોને જીતવા દીધા ! પરંતુ સુરતમાં મળેલી લેક્ચરરની નોકરી ન સ્વીકારી, વડોદરા નોકરી લઈ લીધી; તો ક્રીશ્નાએ પણ બી.એડ. કરવા વડોદરા પસંદ કર્યું !

અજયની અલિપ્તતા ક્રીશ્ના ન સમજે એવી બુધ્ધુ નહોતી અને છતાં ન સમજ્યાનો ડોળ કરી અજય સાથે મનમેળ કરવા ક્યારેક ‘સુરસાગર’ પર મળવા બોલાવે, તો ક્યારેક તેની રૂમ પર જઈ ચઢી આશ્ચર્ય આપે, તો ક્યારેક એને પૂછ્યા વગર જ પિક્ચરની ટિકિટ લઈ આવે…જાણે પરિસ્થિતિને તાબે ન થવા કમ્મર કસી છે !

અજય ધીમેધીમે ક્રીશ્ના તરફ જોતો થયો અને માત્ર સહાનુભૂતિ બતાવવા એની આ બાલિશ રમતમાં અજાણ થઈને જોડાતો ગયો અને છતાં સુરસાગરને કિનારે સૂર્યાસ્ત જોઈને એ અચૂક ગમગીન બની જાય છે, તે ક્રીશ્નાએ નોંધ્યું છે.

ક્યારેક મા પણ વડોદરા રહેવા આવે છે અને ક્રીશ્નાને પસંદ કરીને ભૂલ નથી કરી એવું ગૌરવ લે છે.

અજય ધીમેધીમે ખુલતો ગયો. ક્યારેક પૉલિટિક્સની તો ક્યારેક બેમાંથી કોઈએ સારી ચોપડી વાંચી હોય તો તેની, તો ક્યારેક ભવિષ્યની વાતો કર્યા પછી એકલો પડેલો અજય સાચ્ચે જ એક બૌધ્ધિક સહચરી મળ્યાનો આનંદ અનુભવવા માંડ્યો….ને એક દિવસ ગામથી આવેલા એક સગાએ ‘દૂધપાકમાં ટીપું કેરોસિન’ નાંખવાનું કામ કર્યું !

‘મામી, જરા આ ક્રીશ્નાની ઉંમરની તપાસ કરાવો ને !’ એણે એક કડવી સચ્ચાઈને તપાસવા કહ્યું.

પહેલા તો એ વાતને ‘ન સાંભળી’કરી પણ પછી માથી ન રહેવાયું. સુરત જઈને એમના મોટાભાઈને વાત કરી અને ‘કુશળતા’થી એનું બર્થ સર્ટિફિકેટ મેળવાયું અને સાચે જ ક્રીશ્ના અજયથી ચાર વર્ષ મોટી હતી.

‘તો શું થયું, ઘણા કિસ્સામાં એવું બને છે અને એ લોકો સુખી છે, ચાલે એ તો !’ પહેલાં તો માએ મન મનાવ્યું, પણ પછી અજંપો ઓછો કરવા અને ભવિષ્યમાં અજયને એમ તો ન થાયને કે માને ખબર હતી તો ય કહ્યું નહીં; એટલે અજયને સુરત બોલાવીને માએ બીતાંબીતાં કોઈ પણ પૂર્વભૂમિકા બાંધ્યા વિના ક્રીશ્નાનું બર્થસર્ટિફિકેટ બતાવ્યું. અજય તો પહેલાં કાંઈ સમજ્યો નહીં.

‘આ બતાવવા મને કોલેજમાં એક દિવસ પાડીને છેક વડોદરાથી અહીં બોલાવ્યો ?’ આશ્ચર્ય અને ગુસ્સાથી બોલતાંબોલતાં સર્ટિફિકેટમાં લખેલી તારીખે જાણે એના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો !

‘ન હોય મા, કાંઈ ભૂલ થઈ લાગે છે.’

મા ચૂપચાપ બેસી રહી. શું કરવું તે બન્નેમાંથી કોઈને સૂઝ્યું નહીં.

સાંજ પડવા આવી હતી. હંમેશની જગ્યાએ જઈને બેઠો.

પાણીની પાઈપ ઉપર એ અને રીતુ જે જગ્યાએ હંમેશા બેસતાં તે જગ્યાએ જઈને બેઠો.

રૅશનલિસ્ટ છે, એટલે ‘ભગવાન’ સામાન્ય માણસો માટે એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત જ છે એમ એ પ્રામાણિકતાથી માને છે; અને એટલે આજે ઢળતા સૂર્યને પૂછી બેઠો, ‘મારી સાથે જ કેમ આમ થાય છે, કેમ ?’ અને જવાબ ન આપવો પડે એ બીકે સૂરજ પણ જલ્દીજલ્દી ક્ષિતિજે ઢળી ગયો.

રીતુ સાથે હંમેશાં ઢળતો સૂર્ય જોવાની એની કુંવારી લાગણીનું મોં દબાવીને, ગૂંગળાવીને મનના એક ખૂણે માંડ દફનાવી શક્યો છે અને હજુ ક્રીશ્ના સાથે મનમેળ સાધવા ધરખમ પ્રયત્ન કરે છે ત્યાં….

મોડેથી ઘરે આવ્યો અને જમ્યા વગર જ સૂઈ ગયો.

‘હવે ?-’ મોટું પ્રશ્નાર્થ બનીને ઘરમાં આખી રાત અટવાતુંઅટવાતું વમળ બની ગયું. વમળમાં એનો મૂંઝાતો જીવ ડૂબી ગયો અને સવારે માંડમાંડ આંખ ખોલી !

મનને મજબૂત કરી અજય વડોદરા પહોંચ્યો.

ક્રીશ્નાને કારેલીબાગની એમની નિર્ધારિત જગ્યાએ એ જ ઘડીએ મળવા બોલાવી.

‘પણ અજુ, કોલેજ પછી મળીયે તો !’ થોડી લજ્જા ઉમેરી બોલી, ‘એટલી અધિરાઈ…’

ત્યાં જ અજયે ફોન કાપી નાંખ્યો.

ફફડતે મને એ કારેલીબાગ પહોંચી.

અજય એ પહોંચે તે પહેલા પહોંચી ગયો હતો.

હજુ તો ક્રીશ્ના શ્વાસ લે, તે પહેલા તો બ્રીફકેસમાંથી એનું સર્ટિફિકેટ કાઢીને ધરી દીધું !

જેની એને બીક હતી તે જ થયું ! એનાં માબાપે તો એ વાત છૂપાવવા જ એને કહ્યું હતું, પણ અજયને મળ્યા પછી એને થયું કે થોડી નિક્ટતા થયા પછી હું જરૂર કહીશ…. હવે એ અજયને કહેશે કે ‘એ કહેવાની જ હતી’ તો ય એ માનવાનો નહોતો એની એને ખાત્રી થઈ ગઈ એટલે જમીન તરફ જોતી બેસી રહી.

સખત હારેલા યોધ્ધા જેવા સ્વરે અજય તરફડતા સ્વરે બોલ્યો, ‘દુખ એ વાતનું થયું, ક્રીશ્ના, કે આટલી મોટી વાત તમે લોકોએ છુપાવી. પ્રામાણિકતાથી કહી દીધું હોત તો…..’

પછી એક ઊંડો શ્વાસ કે નિશ્વાસ લઈ બોલ્યો, ‘હું ઉંમરના આટલા તફાવતમાં નથી માનતો પણ જે વ્યક્તિ પ્રથમ પગથિયે જ દગો દે તે આગળ જતાં….’

ન કહેવાનું નક્કી કર્યું હતું, છતાં એનાથી બોલાઈ જ ગયું…’હું કહેવાની જ હતી…’

અજયનું સાવ જ પડેલું મોં, તિરસ્કારથી ખરડાયેલો ચહેરો અને અલિપ્ત બનવા મથતી આંખો જોઈને એ ચૂપ થઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો, બધું ખલાસ થઈ ગયું !

એ ચૂપચાપ ઊઠી અને પાછળ જોવા મથતા મનને ઠપકારી, આશાના ઊગુંઊગું થતા કિરણને ભવિષ્યકાળના અંધકારમાં ઝબોળી દૂરદૂર નીકળી ગઈ !

એની શ્યામલ ત્વચા અને સાવ જ સામાન્ય દેખાવ, ગરીબ ઘર….કે નસીબ જે કહો તે ક્રીશ્ના્ લગ્નની ઉંમર વટાવવા માંડી હતી. એમ કરતાંકરતાં એ ત્રીસની થઈ ! હવે એ બત્રીસની થશે અને ચાળીસની થશે અને…..અને… ફરી એ આંખનાં આંસુને પી ગઈ.

અજયના નસીબે બબ્બેવાર એના માસૂમ મનને સાવ જ બેરહમીથી પીસી નાંખ્યું. ફરી એ ડૂબતા સૂરજને પૂછવા સૂરસાગર પર ગયો. એને ચીસો પાડીને રડવાનું મન થયું, સૂરસાગરમાં પડીને –છટ્‌ એ કાયર થોડો છે ?

સામે કિનારે એને ક્રીશ્ના જેવો જ કોઈનો પડછાયો દેખાયો કે ભ્રમ છે ?-વધુ ન વિચારતાં એ રૂમ ઉપર જતો રહ્યો.

આજે સૂર્યાસ્ત જોતાં અજયને એની પત્નીએ ફરી ટોક્યો અને અજયનો અત્યાર સુધી દબાવી રાખેલો –મા તરફનો, એના પ્રથમ પ્રેમ તરફનો અને ક્રીશ્ના તરફનો, જીવન તરફનો ક્રોધ મધ્યાહ્નનના સૂર્યની જેમ ફાટ્યો.

એ ભૂલી ગયો કે એ ભણેલોગણેલો પ્રોફેસર છે, એ ભૂલી ગયો કે હંમેશાં સ્ત્રીસન્માનની એ વાતો વિદ્યાર્થીઓને કરતો હતો, એ ભૂલી ગયો કે એ હવે બે પૌત્રોનો ‘દાદા’ છે, એ ભૂલી ગયો કે ઘરમાં પુત્રવધૂ પણ છે !

‘મારે તારી સાથે પરણવું જ નહોતું. મારી ડોસીને લીધે……ઘરમાં કોઈ કરવાવાળું નહોતું અટલે લાવવી પડી-જીવન બરબાદ કરી નાંખ્યું. બુધ્ધિનો છાંટોય નથી ! રોજ એ તારી-મારી, ટી.વીની અક્કલ વગરની સિરિયલો અને વણમાગ્યો ઉપદેશ દેવા સિવાય, છે શું તારી પાસે ? એક મિનિટ શાંતિથી નથી જીવતી, નથી જીવવા દેતી !’

આટલાં વર્ષો સુધી પતિનું જોયેલુ રૂપ આ તો નહોતું જ !

શું થઈ ગયું એમને ?

ધીમેધીમે અજયનો દરેક શબ્દ છૂટોછૂટો પડી એની સમજમાં ઊતરવા માંડ્યો….

રોજ કંકાસ કરતી પત્ની માત્ર ત્રણ જ વાક્યો બોલી, ‘ઘોડે ચઢીને તમે લેવા આવ્યા હતા મને.’

‘મને એ નહોતી ખબર કે વગર પૈસાની નોકરાણી જોઈતી હોય, ત્યારે પોતાને ખૂબ અક્કલવાળા કહેવાતા લોકો લગન નામનો ત્રાગડો રચે છે.’

‘અને રોજરોજ ડૂબતા સૂરજને જુઓ છો, એના કરતાં ઊગતા સૂરજનારાયણને પૂજ્યા હોત તો……!’

અજયનો ક્રોધ જોઈને કે પછી બાકીનું વાક્ય શું બોલવું તેની ગતાગમ ન પડવાથી એ પગ પછાડતી નીચે જતી રહી.

  • નયના પટેલ (યુ.કે.)

સંપર્ક : nayna47@hotmail.com

(યુ.કે.ના સમાચારપત્રમાં સાપ્તાહિક ધારાવાહી ’કેડી ઝંખે ચરણ’નાં લેખિકા નયનાબેન પટેલ હાલ લંડનમાં રહે છે. ૧૯૪૭માં ભારતમાં જન્મ અને ઉછેર પામી તથા ગુજરાતી વિષયમાં બી.એ. કરીને ૧૯૬૮માં પતિને પગલે ઇંગ્લૅન્ડ સ્થાયી થયાં. પરદેશમાં રહીને દેશના ઝુરાપાની પોટલીમાં પોતાના અને અન્યોના અગણિત અનુભવોને સમેટતાં રહ્યાં, જે પ્રતિબિંબિત કરવા માટે તેમણે કલમ ઉપાડી અને પ્રથમ વાર્તા આકાર પામી- ‘આરંભ કે અંત ?’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમની કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તાહરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨,  ‘ભીષ્મ થવું પડ્યું’- ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ?’.)

Posted in વાર્તા | 4 ટિપ્પણીઓ

ભીષ્મ બનવું પડ્યુ!

વાર્તા – નયના પટેલ

ભીષ્મ થવું પડયું!ભિષ્મ
Mar 12, 2013 20:11 Published in ‘Sandesh ardh saptaahik’

શિલ્પા યુ.કે. આવી ત્યારથી ક્યાં તો આખો દિવસ એવી ઝરમર થયા કરે કે જાણે વાદળ નથી વરસી શકતાં કે નથી વરસ્યા વગર રહી શકતાં. કં તો પછી અટકી અટકીને ધીમી ધીમી ધારે વરસ્યા કરે! પરંતુ બહાર ન વરસે મનમાં જ વરસે! જાણે સમ ખાધા હોય તેમ આંસુ પાંપણ સુધી આવતાં જ નથી!

શિલ્પાનાં બા-બાપુજી મણિભાઈ- રમાબહેન અને નાના ભાઈ ધીરુભાઈ-સુમનબહેનને એકબીજા પર અપાર સ્નેહ. લગ્ન કરીને આવ્યા પછી બે વર્ષ રહીને સુમનબહેન અને ધીરુભાઈને ત્યાં દીકરો જન્મ્યો! નામ રાખ્યું શિવ. શિલ્પા અને શિવ-બંને જણ સાથે જ ઉછર્યાં સગ્ગાં ભાઈ-બહેનની જેમ જ. એ જ એનો વ્હાલો ભાઈલો શિવ અને તેની પત્ની શ્રેયા પણ તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરતા રહે છે, પણ જેવી ડિવોર્સની વાત આવે એટલે એ ચૂપકીદી સાધી લે.

કુમારને આપેલા વચન મુજબ એણે કોઈને કાંઈ કહ્યું નહોતું, પરંતુ એને થયેલા ભયંકર અન્યાયના વિચારોના દ્વન્દ્વ યુદ્ધમાં એનાં ૧૫ વર્ષ સ્વાહા થઈ ગયાં!

ઘરનાં વડીલોને અવગણવાનું પરિણામ આટલું વસમું હશે તેનો વિચાર આવતાં જ એ સઘળું નસીબ ઉપર છોડીને ગૂમસૂમ બેસી રહે છે.

આફ્રિકામાં ધીરુભાઈ અને સુમનબહેન, ચંદુભાઈ જે નાનકડા ગામમાં રહેતાં તે જ ગામમાં થોડો વખત રહ્યાં હતાં. ત્યારે ચંદુભાઈની ચારિત્રહીનતાની ઊડતી ઊડતી વાતો સુમનબહેનને કાને આવી હતી. ચંદુભાઈની અણસારવાળાં આફ્રિકન બાળકોની વાતો પણ ગામમાં થતી! કુમારના જન્મ પછી ડાયાબિટીસ વધી જતાં વિદ્યાબહેનની આંખોએ દગો દીધો અને ભરયુવાનીમાં અંધાપો આવ્યો! પારકા દેશમાં એ સ્ત્રી

નિઃસહાય હતી અને તેમાં અકાળે આવેલો અંધાપો! નાનકડા કુમારને સાચવવા માટે રાખેલી આફ્રિકન આયા હતી એટલે ચંદુભાઈને વિદ્યાબહેનની જરૂર નહોતી!!

મોટા થતાં કુમારના કૂણા મગજમાં ઘણાં બધાં દૃશ્યો સમજ્યા વગર એક ખૂણે સચવાઈ રહ્યાં હતાં, પરંતુ કરે તોપણ ૧૪-૧૫ વર્ષનો દીકરો શું કરે? યુગાન્ડાથી ઇદી અમીને એશિયનોને ભગાડયા ત્યારે ધીરુભાઈ અને સુમનબહેન યુકે. આવ્યાં અને મણિભાઈ અને રમાબહેને ભારત આવી બાપ-દાદાના વખતની ખેતી સંભાળી લીધી.

એક વખત ધીરુભાઈ ન્યાતના પ્રીતિભોજનમાં એક ખૂણે શાંતિથી બેઠેલો એક ઠરેલ યુવાન તેમની નજરમાં વસી ગયો.

એ જ શહેરમાં રહેતાં મિત્ર પાસેથી જ્યારે જાણ્યું કે તે ચંદુભાઈનો એકનો એક પુત્ર કુમાર છે- તે સાંભળી ધીરુભાઈનું મન બે ડગલાં પાછું હટી ગયું!

નસીબ કોને કહેવાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ કોઈને જોવું હોય તો શિલ્પા અને કુમારનાં લગ્ન!

કુમારને પુરુષસહજ કુદરતી માગણીની સાથે બાને સમજે અને મદદરૂપ પણ થાય એવી જીવનસંગિનીની ઇચ્છા હતી અને… અને એ માટે ભારત આવેલા કુમારને પહેલી નજરે શિલ્પા ગમી અને શિલ્પાને કુમાર! શિલ્પાના વડીલોની ખાસ મરજી નહોતી, પરંતુ શિલ્પાના અફર નિર્ણય આગળ એ લોકોએ મન મનાવ્યું – જમાઈ સારા છે એ મહત્ત્વનું છે ને! હવે કદાચ વનમાં પ્રવેશેલા ચંદુભાઈ…! દીકરીને આડકતરી રીતે ચેતવી પણ હતી, ધીરુભાઈએ ન્યાતમાં અને ચંદુભાઈ જે શહેમાં રહેતા હતા ત્યાં તપાસ કરી. આમ તો બધું ‘ઓકે’ હતું, લગ્ન થઈ ગયાં અને શિલ્પા યુકે. પહોંચી ગઈ.

ઘરમાં ચોવીસે કલાક એક જુવાન સ્ત્રીના વસવાટે, સમય જતાં ધીમે ધીમે ચંદુભાઈની આંખોમાં સંતાયેલા સાપોલિયા સળવળવા માંડયાં અને એ સળવળાટ શિલ્પાની છઠ્ઠી ઇન્દ્રિયને ધ્રુજાવી ગયો!

બા-બાપુજી, કાકા-કાકીએ ચેતવી હતી!

નીનીના જન્મ પછી એક દિવસ પોતાના બેડરૂમમાં નીનીને બ્રેસ્ટફીડ કરાવતી શિલ્પાના રૂમમાં બારણુ ય ‘નોક’ કર્યા વગર કાંઈ લેવાને બહાને ઘૂસી આવેલા સસરાની નજર…!

એમ ને એમ ત્રણ વર્ષ નીકળી ગયાં. ચંદુભાઈની નજરથી શિલ્પા હંમેશાં દૂર રહેવાનો પ્રયત્ન કરતી રહી.

પરંતુ એક દિવસ સ્ટોરરૂમમાં કાંઈ લેવા ગયેલી શિલ્પાની પાછળ આવીને સાવ જ નજીક ઊભેલા ચંદુભાઈને અચાનક જોઈને છળી ઊઠેલી શિલ્પાની ચીસ ભૂલી ગયેલી બ્રીફકેસ લેવા પાછા આવેલા કુમારે સાંભળી!

તે દિવસે “આવા બાપના દીકરાને લગ્ન કરવાનો હક્ક નથી” કહી હંમેશ માટે ઇન્ડિયા જતા રહેવાનું વિનવતાં કુમારે રડતી શિલ્પાનાં પગ પકડીને માફી માંગી. એટલું જ નહીં, “હું તને હેરાન કરું છું” એવો જૂઠો આરોપ પોતાની ઉપર મૂકીને ડિવોર્સ લઈ લેવાનું બીજા લગ્ન કરી લેવાનું કહી ખૂબ ખૂબ રડયો. બીજે દિવસે ડૂસકાંને સમાવી કુમારે વિદ્યાબહેનને કહ્યું, “બા, શિલ્પા અને નીનીને લઈને હું થોડા સમય માટે ઇન્ડિયા જાઉં છું.”

લગ્ન કરવાની ભૂલ કરી બેઠેલા આ આધુનિક ભીષ્મના પશ્ચાત્તાપનો પાર નહોતો. પોતાની યુવાનીને પ્રતિજ્ઞાની અગ્નિમાં આહુતિ આપનાર મહાભારતના ભીષ્મની મા કદાચ આંધળી નહોતી કે એને કોઈ રક્ષકની પણ કદાચ જરૂર નહોતી.

એકે પિતૃપ્રેમથી વશ ‘ભીષ્મપ્રતિજ્ઞા’ લીધી, લગ્ન ન કર્યાં અને છતાંય મહાભારત સર્જાયું અને દુરાચારીને હાથે થતા રહેલા અન્યાયોના સાક્ષી બની રહેવું પડયું!

આજનો આ ભીષ્મ ‘માતૃપ્રેમ’ને વશ થઈ લગ્ન કર્યાં પછી ભૂલનાં પ્રાયશ્ચિતરૂપે આખી જિંદગી માટે પત્ની વગર રહેવા તૈયાર થયો અને વાંક વગરની પત્નીને અને દીકરીને ત્યાગવાનો નિર્ણય કરી બેઠો. જવાના આગલા દિવસે સાંજે વિદ્યાબહેને અંતરની વાત કુમારને કરી, “મને મારા નસીબ પર છોડી અને તું તારું ઘર વસાવી લે બેટા, જા! મારે માટે થઈને…”

ચૂપચાપ સીલિંગને તાકી રહેલા કુમારને વિદ્યાબહેને નીનીને ઇન્ડિયા ન મોકલવા વિનવ્યો! “કોના વિશ્વાસે એને રાખુ બા? એ પણ આખરે તો…” બાકીનું વાક્ય પૂરું કરવાની જરૂર નહોતી એને! એક દિવસ અચાનક ટૂંકી માંદગીમાં થયેલા ચંદુભાઈના મૃત્યુએ કુમારની ઈશ્વર પ્રત્યેની રહી સહી શ્રદ્ધા હચમચાવી મૂકી. મનને સાતમે પડદે કદાચ એણે ઇચ્છયું હતું કે એને એના પાપની સજા મળવી જ જોઈએ. રિબાઈ રિબાઈને મરવો જોઈતો હતો એ માણસ! પણ, એવું ન થયું. જોકે, રોજ ને રોજના તિરસ્કારમાંથી જીવતે જીવત ‘છૂટયા’નો ‘હાશકારો’ થયો!

ત્યારથી હજીયે ફરી લગ્ન ન કરનારી કે છૂટાછેડા ન લેનારી શિલ્પાને બોલાવી લેવા માટે એનું અંતર ઉપર તળે થતું હતું, પરંતુ બોલાવે તોપણ કયા મોઢે બોલાવે?

એક અક્ષર બોલ્યા વગર ઘરની ઈજ્જત સાચવીને અને કોઈને પણ વાત ન કરીને એની ખાનદાની સાબિત કરી આપી હતી. અને આજે જ્યારે ભાર હળવો કરવાનો સમય આવ્યો ત્યારે ગુનાહોનો બોજ વધવા માંડયો હતો. એને ખબર પડી કે શિલ્પાને એનાં કાકાએ ડિવોર્સ લેવા યુકે. બોલાવી છે ત્યારથી એના કાકાનો ફોન નંબર શોધીને રોજ ફોન હાથમાં પકડીને બેસી રહે છે. આ બાજુ “હવે તો બોલાવી લેશેની આશા” પર ટિંગાતી રહેલી શિલ્પા ન તો ફોન કરી શકી, ન તો કાકાને ડિવોર્સ પેપર મોકલવાની ના પાડી શકી.

કુમાર દરરોજ “આજે તો સાંજે ફોન કરીશ જ” નક્કી કરે અને સાંજ આખી ફોનની આજુબાજુ જીવવામાં જ વહી જવા માંડી! એક દિવસ કુમાર સવારની પોસ્ટ લઈને રૂમમાં આવ્યો અને એક જાડું પરબીડિયું ખોલ્યું. શિલ્પાની સહીવાળાં ડિવોર્સ પેપર્સ હતાં! ચૂપચાપ વાંચીને રોજની જેમ ઓફિસે જવા નીકળી ગયો.

Posted in વાર્તા | 3 ટિપ્પણીઓ