પીળા આંસુની પોટલી

pilaano jpg photo

ઉમાબેન પરસેવો થવાથી એકદમ જાગી ગયાં. પીરીયડ્સ ગયાં પણ ખબર નહીં આ રાત્રે પરસેવો થાય છે તે કેમેય કર્યું બંધ થતું નથી!

એક સેકંડ માટે રૂમમાં જોયું અને સાવ અજાણી જગ્યા જોઈને ગભરાઈ ગયાં-ક્યાં આવી ચઢી?

આદત મુજબ કાંડાઘડિયાળમાં જોયું, મોડું ઉઠવું ગુન્હો હોય તેમ ‘ઓ મા, સાડા દસ થઈ ગયા!’ બોલી, બાવરાં બની બેઠાં થઈ ગયા.

પછી બાજુમાં નસ્કોરાં બોલાવતાં પતિ મહેશ તરફ નજર ગઈ.

યાદશક્તિને ખાલી ચઢી ગઈ હતી!

ઊં…ડો શ્વાસ લીધો.

આંખ ખુલ્યા પછી હજુ હમણા યાદશક્તિ ઉઠી.

હવે યાદ આવ્યું, હજુ ગઈકાલે જ તો એમના દીકરાને ત્યાં પહેલી વખત યુ.કે આવ્યા!

ખૂણામાં ટમટમતાં નાઈટ લેમ્પનાં ઝાંખા અજવાળામાં બધું સ્પષ્ટ થતું ગયું.

લંડનનો સમય ઈન્ડીયાથી સાડા ચાર કલાક પાછળ અને પ્રવાસનો થાક હતો એટલે ગઈકાલે વ્હેલા સૂઈ ગયા હતા તે યાદ આવ્યું.

અહીં કેટલા વાગ્યા હશે? વિચારી ઝાંખા અજવાળામાં ચારેબાજુ ભીંત પર નજર ફેરવી-ક્યાંય ઘડિયાળ દેખાઈ નહીં.

રાત્રે દ્વીજે કાંડાઘડિયાળમાં ટાઈમ બદલવાનું કહ્યું ત્યારે જ બદલી નાંખ્યો હોત તો સારું.

પરંતુ ત્યારે એટલો જલ્દી ઈન્ડિયાનો ટાઈમ બદલવાનું મન ન થયું!

આસ્તેથી ઉઠી પડદાનો ખૂણો ખસેડી બારી બહાર નજર નાંખી. મકાનોનાં ઓળાઓ અને ઊંચા ઊંચા ઝાડોની પાછળ સંતાઈને બળતી સ્ટ્રીટ લાઈટ્સનાં અજવાળામાં દરેક ઘરો આગળ નિષ્પ્રાણ ઊભેલી ગાડીઓ સિવાય સૂનકાર હતો.

ન કૂતરાંઓનો ભસવાનો અવાજ, ન તો રાત-દિવસ જોયા વગર જ સતત વાગતાં રહેતાં વાહનોનાં હોર્નનો ત્રાસદાયક શોરબકોર કે ન તો ટી.વી.થી માંડી મોટે મોટેથી પૂજા કરતાં, આરતી ઉતારતાં કે વાતો કરતાં,-ઝગડતાં પડોશીઓનો અવાજ! નકરી સ્તબ્ધતા!

ત્યાં તો મહેશભાઈની આંખો પણ ઉઘડી ગઈ. રોજની ટેવ પ્રમાણે બાજુનાં ટેબલ પર રાખેલાં ચશ્મા લેવા હાથ લંબાવ્યો અને ચશ્મા હાથ આવે તે પહેલાં તો એલાર્મ સાથે હાથ અફળાયો. ઉમાબેન એ પકડી લે તે પહેલાં ‘ધમ્મમ..’ અવાજ સાથે એલાર્મ નીચે પડ્યો. એ ઉઠાવતાં ઉઠાવતાં એમની નજર ઘડિયાળ પર ગઈ ત્યારે ખબર પડી કે સવારે છ થવાની તૈયારી છે.

બન્ને પતિ-પત્નીની નજર મળી, ધીમે સ્વરે ‘જેશ્રીકૃષ્ણ’ કહ્યું અને એલાર્મ પડવાથી કોઈ જાગી તો ગયું નથી ને એ શંકાએ બારણા તરફ જોયું.

મહેશભાઈ પણ આળસ મરડી પથારીમાં બેઠાં થયાં.

ઉમાબેનને તો પેલો બહારનો સૂનકાર આભડી ગયો ન હોય તેમ, પ્રાર્થના કરવાનું ભૂલીને ગૂમસૂમ બની ખાટલામાં બેસી રહ્યાં!

મહેશભાઇ પણ ઉઠ્યા અને બારીનો પડદો હટાવી બહાર જોયું.

એમને ય પેલી સ્તબ્ધતા સ્પર્શી ગઈ હોય તેમ પાછા આવી ઉમાબેન પાસે ખાટલામાં બેસી રહ્યાં, પછી મનમાં કાંઈ સંચાર થયો હોય તેમ બોલ્યા, ‘છ થયાં તો ય બહાર કેટલું અંધારું છે!’

બહાર ઉભરાતી નિઃશબ્દતાએ બન્ને પતિ-પત્નીની અંદરની દુનિયાને ઢંઢોળી મુકી-

ઈન્ડીયામાં આ સમયે તો ઉમાબેનનું પ્રાતઃકર્મ પતી ગયું હોય, રાતનાં સુધારી રાખેલું શાક વઘાર્યા પછી મહેશભાઈને ઉઠાડે, ચ્હાનું પાણી મુકે સાથે સાથે કુકર મુકે. આખું ઘર ચ્હાની સુગંધથી મ્હેંકી ઉઠે. ન્હાતાં ન્હાતાં શિવમહીમ્નસ્તોત્ર ગાતાં મહેશભાઈ સાથે ઉમાબેન ગણગણતાં જાય, ક્યારેક એ ગણગણવામાં કૂકરની વ્હીસલ ગણવામાં ગોટાળા થાય અને પછી….પછી….ક્ષણવારમાં તો બન્ને જણે ભારતમાં આવેલાં તેમનાં ઘરની સવાર જીવી લીધી.

નવો દેશ, નવું વાતાવરણ, ન સમજાતી ભાષા, અજાણ વહુ અને પાંચ વર્ષમાં એકલો રહીને પીઢ થઈ ગયેલો તેમેનો લાડકો પુત્ર દ્વીજ-કેમ ગોઠશેની મૂંઝવણ.

હજુ તો કાલે જ આવ્યા છે, અહીંની ઘટમાળમાં આજથી ગોઠવાવું પડશે!

દ્વિધાનું એક વાદળ જાણે રુમમાં છવાઈ ગયું.

દિવસે સાડીની દુકાનમાં સેલ્સમેનનું કામ કરી અને રોજ રાત્રે નામું લખી લખી મહેશભાઈએ અને હાથ લાગ્યા તેવાં ઘર બેઠાં કરી શકાય તેવાં બધાં જ કામો કરી કરીને ઉમાબેને મોંઘવારીના જમાનામાં ત્રણે સંતાનોને ગ્રેજ્યુએટ કર્યાં. એટલું જ નહીં  બન્ને દીકરીઓને પરણાવી, દ્વીજને વધુ અભ્યાસ માટે યુ.કે. પણ મોકલાવ્યો. હવે છેલ્લા બે વર્ષથી બન્ને જણ ઘરે એકલા પડ્યા છે.  ‘અલો’ અને ‘અલી’ની સ્વતંત્રતા કોઠે પડવા માંડી છે અને ત્યાં તો દ્વીજથી ભારત આવી શકાય તેમ ન્હોતું એટલે મમ્મી-પપ્પાને યુ.કે બોલાવ્યા.

પાંચ વર્ષથી દૂર રહેતા દીકરા અને તેની પત્નીની ઘટમાળમાં આજથી એ રીતે ભળવાનું છે કે જેથી એ લોકોને કોઈ મુશ્કેલી ન પડે-દીકરાને મળવાના આનંદ અને પુત્રવધૂને જોવાની ઉત્સુક્તાની અંદર જાણે મુંઝવણનું એક બિંદુ મોટુંને મોટું થવા માંડ્યું!

થોડી સ્વસ્થતા મેળવી મહેશભાઈએ આસ્તેથી રુમનું બારણું ખોલ્યું અને ટૉયલેટ તરફ જતા જ હતાં ત્યાં તો દ્વીજ પણ એના રુમમાંથી નાઈટગાઉનનો બેલ્ટ બાંધતા બાંધતા નીકળ્યો.

બગાસું ખાતાં ખાતાં ‘જેશ્રીકૃષ્ણ ડેડ, ઊંઘ આવી હતીને બરાબર’ બોલી મહેશભાઈ પાસે ગયો પછી માફી માંગતા સ્વરે કહ્યું, ‘સોરી હં પપ્પા, રીયાનાં ‘ડેડ’ને…..

‘કાંઈ વાંધો નહી બેટા,’ કહી ઘરમાં એક જ બાથરુમ હોવાથી હવે બાથરુમમાં જવું કે નહી તેની દ્વિધામાં ઊભા રહી ગયા.

બાથરુમ તરફ હાથ કરી દ્વીજે મહેશભાઈને જવા કહ્યું અને ઉમેર્યું, ‘પપ્પા, જરાક ઉતાવળ કરશો? મારે અને રીયાને જોબ ઉપર જવા માટે પોણા આઠે ઘરેથી નીકળી જવું પડે છે.’ કહી ઉમાબેન સૂતા હતાં તે રુમ તરફ જવા પગ ઉપાડ્યાં.

મહેશભાઈથી થઈ એટલી ઉતાવળ કરી બાથરુમની બહાર આવ્યા અને તેમના બેડરુમમાં જતાં જતાં બોલ્યા, ‘જા દ્વીજુ, તારે જવું હોય તો’. રુમમાં જઈ જોયું તો દ્વીજ એની મમ્મીનાં ખોળામાં માથું મુકી આડો પડ્યો હતો અને ઉમાબેન પ્રેમથી એને માથે હાથ ફેરવતાં હતાં.

ત્રણેય જણની નજર મળી અને એક ક્ષણમાં તો રુમ બની ગયો અમદાવાદનાં તેમના નાનકડાં મકાનની અગાસી! રોજ સાંજે પરવારીને સૌનો સાથે ફરવા જવાનો અને બરફના ગોળા ખાઈને ઘરે આવી ધાબે જઈને નિરાંતે બેસવાનો કાર્યક્રમ એકદમ ફીક્સ. ઉમાબેનને શાક સુધારવું હોય તો પણ થોડીવાર માટે તો એ લોકોને તેમના ખોળામાં માથું રાખીને સુવા દેવું જ પડે. મમ્મીનાં ખોળામાં કોણ બે જણ પહેલા માથું રાખે તેની હરિફાઈ થતી. દ્વીજ તો ઉમાબેન બેસે ન બેસે ને ખોળામાં માથું મુકી દેતો પછી સુરીલી કે પૃથાનો વારો આવતો. રોજ એને માટે થતાં મીઠા ઝગડાં યાદ આવતાં જ ત્રણે ય જણનાં મોં મલકી ઉઠ્યાં! જેને મમ્મીનાં ખોળામાં જગ્યા ન મળે તેને માટે પછી પપ્પાનો ખોળો તો હોય જ! બાળકો પાસેથી મળેલાં એ નિસ્વાર્થ પ્રેમ અને વિતેલાં દિવસનું સુખ મહેશભાઈની આંખોમાં આંસુનું બુંદ બનીને ચમકી ઉઠ્યું.

ઉઠતાં ઉઠતાં દ્વીજે ઉમાબેનને કપાળે ‘વ્હાલી’ કરી ‘લવ યુ મમ’ કહી બાથરુમમાં ગયો.

પાંચ પાંચ વર્ષ પછી મળેલા સુખને આખા અસ્તિત્વમાં ભરી લેતાં હોય તેમ ઉમાબેન હજુ ય આંખો બંધ કરીને બેઠાં હતાં એ જોઈને મહેશભાઈને -જ્યારે બાળકો સાવ નાના હતાં અને બે-ત્રણ વખત સ્તનપાન ન કર્યું હોય અને પછી જ્યારે તેમ કરે તે વખતની બાળક્નાં મોઢા પરની તૃપ્તિ અને ઉમાબેનનાં અસ્તિત્વમાંથી ટપકતો પરમ સંતોષ યાદ આવી ગયાં રુમ છોડીને ગયેલાં દ્વીજનાં મોઢા ઉપર એ તૃપ્તિ ફરી જોઈ અને હમણા આંખો મીંચીને બેઠેલાં ઉમાબેનનાં આખા અસ્તિત્વમાંથી એ જ સંતોષ નીતરતો હતો! પિતા અને માતાની સ્નેહની અભિવ્યક્તિમાં માતા કેમ શ્રેષ્ઠ તે એમને આજે સમજાયું. એક ક્ષણ માટે પુરુષ હોવાનો-પિતા થવાનો વસવસો થયો!

એ લોકોને યુ.કે આવ્યાને લગભગ મહિનો પુરો થવા આવ્યો.

આ એક મહિનામાં બન્ને જણને ભારતીયતાનો કાંઈ અવનવો અનુભવ થવા માંડ્યો. અહીં રહેતાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે પરંતુ બિલ્કુલ સુરતનાં ‘ઉંધિયા’ જેવું! સ્વાહિલિ(આફ્રિકાની ભાષા), ગુજરાતી અને અંગ્રેજીનું અદભૂત ‘મિશ્રણ’ તેના પર સૌરષ્ટ્રીયન, સુરતી, અમદાવાદી, વડોદરાનાં, મહેસાણાનાં, ચરોતરનાં, ભરુચ જીલ્લાનાં- એમ વિવિધ ઉચ્ચારોનો ‘વઘાર’! આ દેશમાં ઉછરેલા યુવાનો અને યુવતીઓ ઈંગ્લિશ બોલે તો એકદમ અંગ્રેજ જ લાગે પરંતુ જેવું ગુજરાતી બોલે કે તરત જ તેનાં માતા-પિતા ઉત્તર કે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે તેનો ખ્યાલ આવી જાય.

હજુ ય ‘રતલ’નાં માપમાં ખરીદતાં લોકો! સામાજીક વ્યવહારો અને રીત-રિવાજ જાળવવાનાં આગ્રહી અને અહીંની ઋતુ અનુસાર અને જોબની માન્યતા મુજબ પહેરવેશ પહેરતાં ગુજરાતીઓની જીવનશૈલી ભલે બદલાઈ ગઈ હતી પરંતુ ગુજરાતીપણું ભરપૂર જોયું.

ધીમે ધીમે બન્ને જણ અહીંના વાતાવરણથી પરિચિત થવા માંડ્યાં છે અને તેમાં અનુકૂળ થઈને જીવવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે.

સવારે દ્વીજ અને રીયા જોબ ઉપર જાય પછી સાફ-સફાઈ અને રાંધવાનાં રોજીંદા કામની સાથે સાથે નવરાશનાં સમયમાં નાસ્તા બનાવ્યા, મુખવાસ બનાવ્યો, કપડાંને ઈસ્ત્રી કરે-જે કોઈ કામ દેખાયું તે કર્યું પણ તો ય ઉમાબેનનો સમય કેમેય કર્યો ખૂટતો નથી. મહેશભાઈ પણ ઉમાબેનને બધાં જ કામોમાં મદદ કરે પણ હવે તો એમને ય કંટાળો આવવા માંડ્યો છે.

રીયાનાં મમ મધુબેન  અને ડેડ ઠાકોરભાઈ શોપીંગ કરવા જતા હોય, મંદિરે કે બપોરનાં સમયે વૃધ્ધો માટે ચલતી પ્રવૃત્તિઓમાં જતા હોય તો હંમેશા સાથે આવવા આગ્રહ કરે, લઈ જાય અને તો ય…….

દીકરાને મળી લીધું એટલે ઉમળકો ઓસરવા માંડ્યો કે, ભારતનો વિયોગ લાગવા માંડ્યો, કે અપરિચિત જગ્યાની મુંઝવણ હતી કે આવકાર ઠંડો લાગ્યો કે ઘરથી ક્યારેય દૂર ન્હોતાં ગયા તેથી અજંપો હતો કે….કે….કાંઈ ખબર ન્હોતી પડતી પરંતુ દરેક પળે મન ઘર તરફ તસુ તસુ ખેંચાતુ જતું હતું.

ઈન્ડિયા હતો ત્યારે ઘર બહાર બનતી બ..ધ્ધી જ વાત મમ્મીને વિસ્તારથી કરતો દ્વીજ પુખ્ત બની ગયો છે-તેમને લાગ્યું કે જાણે પાંચ વર્ષ પહેલાના તેમના દ્વીજની નિખાલસતા, વાચાળતા અને ચંચળતા યુ.કે.ની ઠંડીમાં ઠરી ગયા છે કે ક્યાં તો પાંચ વર્ષની એકલતાએ  શોષી લીધા છે.

સાંજે વહુ-દીકરો જોબ ઉપરથી આવે ત્યારે વાક્યોની નહીં પરંતુ માંડ માંડ શબ્દોની આપ-લે જ થતી હોય અને પછી ચાર-ચાર વ્યક્તિઓ ઘરમાં હોવા છતાં ટી.વી.નાં અવાજ સિવાય બધું જ ખામોશ!

એ લોકો અને ખાસ કરીને રીયા થાકી હશે એટલે વાતો ઓછી કરે છે એમ મનને મનાવ્યા કરે છે. છતાં- રીયા અભિમાની છે કે શાંત-એ નક્કી ન કરી શકવાની ગડમથલ છે-એક અણગમતો વિચાર પણ આવે છે-કે…કે એ લોકો અહીં આવ્યા એ એને ગમ્યું નહીં હોય!

કાંઈ સમજ પડતી નથી.

પૂછે તો ય કોને પૂછે?

દ્વીજ અને રીયા અંદર અંદર વાતો મોટેભાગે ઈંગ્લિશમાં જ કરે, પરંતુ દ્વીજને ખ્યાલ આવે એટલે તરત ગુજરાતીમાં બોલે પણ રીયાને એ ફાવતું જ નથી. એ લોકોએ એ પણ નોંધ્યુ કે દ્વીજ સાથે જ્યારે ગુજરાતીમાં વાત થતી હોય ત્યારે વાતમાં રસ લેવાની જગ્યાએ ગુપચૂપ તેનું કામ કરતી રહે અથવા એ ભલું અને એનું લેપટોપ ભલું!

અને આ વતાવરણમાં ચૂપચાપ રહેવાથી અજાણપણે જ એક ‘ઓશિયાળાપણા’નો ઓળો એ લોકો પર મંડરાવા માંડ્યો છે. કેટલું વિચિત્ર છે કે જે સામાન્ય રીતે એક વહુ એનાં સાસરે અનુભવે એ લાગણી આજે સાસુ-સસરા અનુભવે છે!

અને એકવાર રીયાને એનાં જોબ ઉપરથી બીજા શહેરમાં બે દિવસની કોન્ફરન્સ એટેન્ડ કરવા જવાનું થયું અને ત્યારે યુ.કે.આવ્યા પછી પહેલીવાર દ્વીજ સાથે એકલા રહેવાનું બન્યુ.

શનીવારે જોબ ઉપર જવાનું ન્હોતું એટલે મોડા ઉઠેલા દ્વીજનાં દીલો-દિમાગને કોઈ પરિચિત સુગંધે તરબતર કરી દીધો!

નીચે આવીને જોયું તો એની મનપસંદ મસાલાપુરી, છુંદો અને આદુ, એલચી નાંખીને ઉકળતી મસાલાવાળી ચ્હા!

દ્વીજનું ‘વાઉવ’ સાંભળીને ઉમાબેનને અહીં આવવાનું સાર્થક થઈ ગયું લાગ્યું!

રીયાની ગેરહાજરીએ ઉમાબેનનાં અસ્તિત્વને જાગ્રત કરી નાંખ્યું.

ઉમાબેન અને મહેશભાઈને ખબર નહીં કેમ પણ રીયા વગરનો દ્વીજ પોતાનો લાગ્યો.

અત્યાર સુધી દીકરાને ત્યાં નહી પરંતુ ‘વહુને’ ત્યાં રહેવા આવ્યા હોય તેવું જ લાગતું હતું. આજે પ્રથમવાર દીકરાને ત્યાં આવ્યાનો ઉમંગ ઉમટ્યો.

એ લોકોને વ્હેમ પડ્યો કે ખબર નહીં સાચ્ચે જ રીયા વગરનો દ્વીજ પણ એ લોકોને એકદમ રીલેક્સ લાગ્યો!

આમ તો યુ.કે.માં મોટેભાગે જોબ ઉપર જતાં સૌ સાંજે એકવાર જ જમતાં હોય એટલે હવે ઉમાબેન અને મહેશભાઈએ પણ બપોરનાં નાસ્તા જેવું કાંઈ કરી સાંજે જ જમવાની ટેવ પાડવા માંડી હતી તેને આજે તિલાંજલી આપી અને ઉમાબેને બપોરના જમવાની તૈયારી કરવા માંડી.

દ્વીજ ન્હાવા ગયો. બ્રેકફાસ્ટનાં વાસણો ડીશવૉશરમાં મુકતાં ઉમાબેનની અને તેમાં મદદ કરતાં મહેશભાઈની નજર મળી અને ઘણે દિવસે એક સંતોષનું સ્મિત બન્નેનાં મોં પર પથરાઈ ગયું.

પાંચ વર્ષની કાંઈ કેટ………….લીય વાતો કરવાની બાકી હતી!

આજે દ્વીજને ભાવતી ગળી રોટલી, કઢી અને બટેટાનું કોરું શાક બનાવતાં બનાવતાં ઉમાબેન અને એ બનાવવામાં મદદ કરતાં બાપ-દીકરાને જે યાદ આવી તે વાતો કરતાં ગયાં…વાતમાંથી વાત ફૂટતી રહી અને એ કરતાં કરતાં ત્રણેય જણનાં મોઢા પર આનંદની વેલ પાંગરતી રહી!

દ્વીજ યુ.કે. આવી ગયો પછી બનેલી બધી જ ઘટનાઓ જીવતી બની ગઈ!

આડોશ-પાડોશથી માંડી, મહેશભાઈની નોકરીની વાતો અને મામા-મામી, કાકા-કાકી અને તેમનાં આખાય કુટુંબની વાતો, સુરીલી અને પૃથાનાં લગ્નની વાતો અને દ્વીજના દોસ્તોનાં લગ્નની…..વાતો અને વાતો અને…..વાતોમાંને વાતોમાં સાંજ પડી ગઈ.

‘પ્રશ્નાર્થચિન્હ’ જાણે ‘ઉદ્દગાર’ ચિન્હમાં  પરિવર્તન પામ્યું હોય તેમ ‘આમ કેમ’ની મુંઝવણ ‘હાશ!’ બની ગઈ!

ટી.વી., રેડિયો અને સી.ડી.પ્લેયરને પણ આજે મૂંગા થઈ જવું પડ્યું.

સાંજે દ્વીજે પીત્ઝા મંગાવી લીધા તેને ન્યાય આપી સૌએ સોફા પર જમાવ્યું.

ત્યાં તો રીયાનો ફોન આવ્યો. દ્વીજ ફોન લઈને બાજુનાં રુમમાં ગયો. પતિ-પત્નીએ એકબીજા તરફ જોયું. હોટઍર બલુનમાંથી હવા નીકળી જાય તેવું કંઈક થયું. અત્યાર સુધી મુક્ત બની ગયેલું વતાવરણ ખામોશીનો આંચળો ઓઢવા તૈયાર થઈ બેઠું.

દ્વીજે પાછા આવી અટકેલી વાતનો દોર સાધ્યો, ‘હં મમ્મી, ઈટીઝ ઇન્ટ્રેસ્ટીંગ, પછી રીતેશે શું કર્યું?’

અચાનક ભારે થઈ ગયેલા વાતાવરણને હળવું કરવા મહેશભાઈએ પૂછ્યું, ‘બધું બરાબર છે ને? રીયાને મઝા આવે છે કે નહીં?

દ્વીજને હજુ પેલા બદલાયેલા વાતાવરણની અસર પહોંચી ન્હોતી લાગતી, ‘યા, શી ઈઝ એન્જોયીંગ.’ પછી જાણે એ વતાવરણનો પડછાયો જોયો હોય તેમ કંઈક ક્ષોભ સાથે કહ્યું, ‘એ તો મેં ઘરની સાફ-સફાઈ કરી કે નહીં તે પૂછતી હતી.’

શાંત થઈ ગયેલી મમ્મીની સામે જોઈ ઉમેર્યું, ‘મમ, અમે બન્ને જોબ ઉપર જઈયે ને એટલે શનીવારે સાથે મળી હુવર, લોન્ડ્રી અને સાફ-સફાઈ કરી નાંખીયે’

જોકે આમ તો અહીં આવીને એ લોકોએ દર શનીવારે એ જોયું જ હતું ને? એ કાંઈ હવે નવું ન્હોતું એમને માટે છતાં થોડીવાર પહેલાનાં વતાવરણને ફરીને પ્રસ્થાપિત કરવાનાં દ્વીજના પ્રયત્નને તેઓ જોઈ શક્યા.

‘લે ઈન્ડીયા હતો ત્યારે મને તો તેં ક્યારે ય મદદ નથી કરી’ ઉમાબેનની ફરિયાદ વ્યાજબી હતી!

‘એ તારો વાંક ઉમા, રીયાએ માંડ માંડ એને સુધાર્યો છે જો જે એને પાછી બગાડતી!’ મહેશભાઈની મજાકે પેલા ભારે થતાં વાતાવરણને એક ધક્કો માર્યો.

વાત રીયાની નીકળી જ છે એટલે ઉમાબેને હસતાં હસતાં સહજ પૂછી જ લીધું, ‘દ્વીજુ, રીયા હંમેશા આટલી શાંત છે કે પછી અમે આવ્યા એટલે……..’

‘મને થતું જ હતું કે તમને રીયા કેમ વધુ બોલતી નથી એ પ્રશ્ન સતાવતો જ હશે. પણ મમ એ આમે ય શાંત સ્વભાવની છે અને તેમાંય…….’

બોલતાં બોલતાં અટકી ગયેલા દ્વીજ સામે બન્ને જણે જોયા કર્યું પછી ઉમાબેને વાક્યને ઝીલીને આગળ વધાર્યું, ‘બોલ બેટા, તેમાંય….શું?’

‘તેમાં ય મમ, અહીં ઉછરેલી એની બીજી ફ્રેંડ્સનાં મોઢે સાસુ-સસરાનાં જુદા જુદા અનુભવો સાંભળી થોડી મુંઝાયેલી રહે છે. ને તેમાં પપ્પા, એને ગુજરાતી સરખું બોલતા ન ફાવે એટલે વાત કરતાં ક્ષોભ અનુભવે છે. ડોન્ટ ટેઈક હર રોંગ મમ, એને થોડો સમય આપો જેમ જેમ તમને ઓળખતી થશેને તેમ તેમ એનો સંકોચ દૂર થશે.’

હવે જાણે ઉમાબેનનો રીયાની વાત કરવાનો ક્ષોભ ઓછો થયો હોય તેમ કહ્યું, ‘અને બેટા, બીજું સત્ય એ છે કે જેમ તમે બન્ને તેમ હું અને તારાં પપ્પા પણ છેલ્લા બે વર્ષથી સ્વતંત્ર રહેવા માટે ટેવાઇ ગયા છીએ એટલે સાવ અપરિચિત વ્યક્તિઓ સાથે રહેવાનું મુંઝવે તો ખરું જ ને?’ ઉમાબેનની આ નિખાલસતા દ્વીજને ગમી.

‘ધેટ્સ ટ્રુ’ કહી દ્વીજે વાતનો વિષય બદલ્યો, ‘ અરે હા, હજુ તો મેં તમને અમારા લગ્નનાં ફોટા ય બતાવ્યા નથી.’ કહી ઉમળકાભેર માળ ઉપર આલ્બમ લેવા ગયો.

હોંશે હોંશે લાવેલા આલ્બમમાં હજુ તો ફોટા જોવાં શરુ જ કર્યા અને ઉમાબેનની આંખો છલકાઈ ઉઠી.

ભણવાનાં વિઝા લઈને આવેલા દ્વીજને સાથે ભણતી રીયા ગમી અને બ્રિટનમાં જ જન્મેલી અને ઉછરેલી રીયાને પણ નિખાલસ, વાચાળ અને આનંદી દ્વીજ ગમી ગયો! યુ.કે.ના ઈમીગ્રેશનનાં કાયદા મુજબ લગ્ન કરી એક વર્ષ બન્ને પતિ-પત્નીએ સાથે રહી એ લગ્ન સગવડીયા નથી તે બતાવી લગ્નની ગંભીરતાને સાબિત કરવી પડે. એટલે  દ્વીજનાં ભણવાનાં વિઝા પુરા થાય તે પહેલાં એ લોકોને લગ્ન કરી લેવા પડ્યાં.

ધામધૂમથી વ્હાલા દીકરાનાં લગ્ન કરવાનાં ઉમાબેન અને મહેશભાઈનાં ઉમળકાનું સંજોગોએ ગળું ટૂંપી દીધું હતું તેથી મનને ખૂણે ધરબાયેલી વેદના આ રીતે વરસી પડી.

બન્ને દીકરીઓનાં લગ્નપ્રસંગોએ દ્વીજેને પળ પળ યાદ કર્યો હતો! અરે, ઘરનો કોઈ પ્રસંગ એવો ન્હોતો ગયો કે જેમાં ઘરનાં સૌને દ્વીજની ખોટ ન સાલી હોય! પ્રસંગની વાત જવા દઈયે તો પણ દ્વીજને ભાવતી વાનગી બનાવતાં બનાવતાં, ઘર માટે ફર્નીચર ખરીદતાં….અને એવી તો કાંઈ કેટલી ય વખત, રોજ જ એ યાદ આવ્યો છે!

ફોન પર વાત કરીને મન મનાવાનાં ‘પ્રયત્નો’ હતાં-એ દ્વીજની ખોટ તો ન જ પૂરે ને?

આજે, આ આલ્બમે, મનનાં અગોચર ખૂણે મોંએ હાથ દઈ બેઠેલી પાંચ પાંચ વર્ષ સુધી વેંઢારેલી પુત્રવિરહની વેદનાનું મોં અચાનક ખોલી નાંખ્યું!

કોઈ પણ શબ્દોની આપ-લે વિના ત્રણે ત્રણ જણનાં વહેતાં આંસુઓએ, આખો દિવસ બેબાકળી બની વહેતી પાંચ પાંચ વર્ષોની સંચિત વાતોને શાંત કરી દીધી.

સોફામાં વચ્ચે દ્વીજ બેઠો હતો અને આજુબાજુ ઉમાબેન અને મહેશભાઈ.

આંસુઓ લુછી મહેશભાઈએ આલ્બમને રસપૂર્વક જોવાનો પ્રયત્ન આરંભવા દ્વીજના ખોળામાં રાખેલા આલ્બમનું પાનું ફેરવ્યું.

દ્વીજ-રીયાનો એકબીજાને હાર પહેરાવતો ફોટો ખુબ સુંદર હતો.

બેગ્રાઉંડમાં ફક્ત રીયાનાં સગા-સંબંધીઓ!

દ્વીજ એમના જીગરનો ટૂકડો એમના જીવનનો એક અગત્યનો ભાગ અને એનાં લગ્નમાં એ લોકોનું નમો-નિશાન નહીં!!!!

શું બોલવું તેની દ્વિધામાં દ્વીજે ફોટામાં ઊભેલા સૌની ઓળખાણ આપવા માંડી….’આ રીયાનાં મામા-મામી, આ એનાં કાકા-કાકી….’

ઓળખાણ આગળ ચાલતી હતી. દ્વીજે ઉમાબેનને શૂન્યમનસ્ક બેઠેલા જોયાં પરંતુ તેમને ઢંઢોળવાની હિંમત એ ન કરી શક્યો.

હવે આવ્યા રીયાનાં લગ્ન પહેલાંની વિધિઓનાં ફોટા.

એક સેકંડ માટે ઉમાબેનને આલ્બમ બંધ કરી દેવાની ઈચ્છા થઈ આવી.

મહેશભાઈ અને દ્વીજ બન્નેને ઉમાબેનની મનોસ્થિતીની ખબર હતી તેની સરખામણીમાં મહેશભાઈએ ખુબ જલ્દી સ્વસ્થતા મેળવી લીધી હતી.

પોતાનાં જ દીકરાનાં લગ્ન પારકાં બનીને જોવાનો આ તે કેવો અજંપો?

ત્યાં તો ફેરવાતાં જતાં આલ્બમનાં એક પાના પર દ્વીજ અટકી ગયો.

ત્રણે જણની નજર થોડા આનંદના આવેશમાં સ્થિર થઈ ગઈ.

કોઈ સાવ જ અપરિચિત લોકોની વચ્ચે બેઠેલાં દ્વીજને પીઠી લગાવવાની વિધિનો ફોટો હતો.

ત્યાં તો દ્વીજ ઉઠ્યો અને ‘હમણાં આવું છું’ કહીને ઉપર ગયો અને વળતી જ ક્ષણે એક સફેદ કપડાંમાં બાંધેલી પોટલી લઈને આવ્યો.

ઉમાબેનનાં પગ પાસે નીચે બેસી ગયો.

એક નજર મમ્મી-પપ્પા પર નાંખી આસ્તેથી પોટલી છોડી.

પેલા સ્થિર થઈ ગયેલા આલ્બમના પાના પર દેખાતાં સૂકાઈ ગયેલી પીઠીવાળા કપડાં એમાં હતાં.

દ્વીજ એ કપડાં સામે અનિમેષ નજરે જોઈ રહ્યો. પછી નીચું જોઈને જ એક ઊંડો શ્વાસ લઈ બોલ્યો, ‘ મમ, ડેડ, આ કપડાં મેં સાચવી રાખ્યા છે કેમ ખબર છે?

જવાબની અપેક્ષાએ બન્ને જણે એની સામે જોયું. પરંતુ પોટલીની ઉકલેલી ગાંઠો સાથે દ્વીજનાં મનઃચક્ષુમાં એ દિવસ ખુલી ગયો.

લગ્નનું એટલું તો જલ્દી ગોઠવવું પડ્યું કે લગ્નના બે દિવસ જ બાકી રહ્યાં ત્યાં સુધી એને ‘પોતાનાં સ્વજનો વિના શું કરશે’ તેનો વિચાર કરવાનો પણ ચાન્સ ન્હોતો મળ્યો.

જરુરી બધી જ ગોઠવણો રીયાના ડેડી અને ભાઈએ કરી લાધી હતી.

કંકોત્રી લખવાનો તો સવાલ જ ન્હોતો એટલે રીયાના સગાં-સબંધીઓને ફોનથી જ આમંત્રણો આપી દેવાયા હતાં.

રીયાની વ્યવહારકુશળ મમ મધુબેને ફોન કરીને ઉમાબેન અને મહેશભાઈને પણ વ્યવહાર મુજબ લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

બન્ને દીકરીઓનાં લગ્નનાં ખર્ચા માટે લીધેલી બેન્ક લોન હજુ તો ભરાતી હતી ત્યાં આમ ઓચિંતા દીકરાનાં ઘડીયા લગ્ન લેવાયા તેમાં જવું ઉમાબેન અને મહેશભાઈ માટે અસંભવ હતું. મહેશભાઈની નોકરી ચાલુ હતી એટલે તો લોન મળી! બન્ને દીકરીઓનાં લગ્નમાં રજાઓ પણ ખર્ચાઈ ગઈ હતી.

ટૂંકમાં લગ્નમાં જવાની ઈચ્છા અને ઉત્સાહને ચૂપ જ રહેવું પડ્યું!

લગ્ન પહેલા અને પછીના કામોની કોને કઈ જવાબદારી આપવી તે નક્કી કરવા ભેગા થયેલા રીયાનાં એક સગાંએ હસતાં હસતાં દ્વીજને એના કોઈ સગાં-સંબંધી યુ.કે.માં રહે છે કે નહી તે પૂછ્યું.

‘ના’ કહેતાં દ્વીજને થયું કે એનાથી હમણા રડી પડાશે.

યુનિ.ની ટર્મ પૂરી થઈ ગઈ હતી એટલે રેસીડેન્સિયલ ફ્લેટ દ્વીજે આપી દઈને ટેમ્પરરી બીજે રહેવાની ગોઠવણ આમે ય કરવાની જ હતી એટલે અને લગ્નની તૈયારીઓ કરવાની હતી એટલે ભાવિ સસરા અને સાસુમાના અગ્રહને માન આપી દ્વીજ એ લોકોને ત્યાં રહેવા માટે આવી ગયો હતો.

પ્રશ્ન એ ઉભો થયો કે લગ્ન પહેલાં વર-વધૂએ એક બીજાનું મોં ન જોવાનો રિવાજ છે તો હવે દ્વીજ માટે ‘કોઈ’ને ત્યાં રહેવાની ગોઠવણ કરવી પડશે!

ક્ષોભ અને સંકોચથી એ કોકડું વળી જતો હતો.

સ્વજનો અને ખાસ કરીને મમ્મી અને પપ્પાનું અસ્તિત્વ જ પૂરતું નથી તેમનું અહીં હોવું જરુરી હતું!

ઓશિયાળાપણાનો દ્વીજે અનુભવેલો આ પહેલો પ્રસંગ!

ઠાકોરભાઈનાં મિત્રે એ જવાબદારી હોંશભેર ઉપાડી લીધી અને તે જ સાંજે તેઓ દ્વીજને પોતાને ઘરે લઈ આવ્યા.

તે રાત્રે ખુલ્લી આંખે સુતાં દ્વીજે, સંસારનાં ઘણા બધા સમાજની સ્ત્રીઓને થતો આ ‘ઓશિયાળાપણા’નો અનુભવ કદાચ પહેલીવાર એક પુરુષ તરીકે અનુભવ્યો અને મનોમન સ્વીકાર્યો. મનમાં ઉગી રહેલાં સ્ત્રીઓ તરફનાં આદરથી કે મમ્મી-પપ્પા અને બહેનોની ગેરહાજરીથી ઉદભવેલા શૂન્યાવકાશથી એની આંખો આખી રાત ભીંજાતી રહી.

બે દિવસ રહીને લગ્ન હતાં. સૌ સૌનાં કામમાં વ્યસ્ત હતાં માત્ર કોઈ કામ ન્હોતું તે રીયા અને દ્વીજને!

આ આખા ય પ્રસંગમાં જો કોઈને પોતાનું ગણી શકાઈ એમ હોય તો તે માત્ર રીયા હતી જેને મળવાનો પ્રતિબંધ હતો. દિવસમાં કાંઈ કેટલીય વખત બન્ને એકબીજાને મોબાઈલ પર ફોન કરતાં રહ્યાં. પરંતુ બન્નેનાં આવેગોમાં ફેર હતો-એકને સંસાર માડવાનો ઉમંગ હતો અને એકને કોઈ પોતાનું થશેનો સધિયારો હતો!

જેમને ઘરે દ્વીજ રહ્યો હતો તે આન્ટીએ રાત્રે એને એક જોડ ઝભ્ભો-લેંઘો આપી ગ્રહશાંતિ અને પીઠીની વિધિમાં એ પહેરવાની સૂચના આપી અને સવારનાં સાત વાગ્યે તૈયાર થઈ જવા કહ્યું.

રુમમાં આવી મમ્મી-પપ્પાને ફોન કરવાનો જોરદાર વિચાર દ્વીજને આવ્યો તેવો જ સમી ગયો-રડી પડાશે તો એ લોકો પણ ઢીલા થઈ જશેને ડરે ચૂપચાપ છત પર નજર ઠેરવી પડી રહ્યો. ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો સવારે ૬ વાગ્યે મોબાઈલનો એલાર્મ વાગ્યો ત્યારે આંખો ખુલી.

ઉપરનો પ્રસંગ વર્ણવતાં દ્વીજ સાથે ઉમાબેન ને મહેશભાઈ જાણે કોઈ ફીલ્મ જોતાં હોય તેમ એક ધ્યાને સાંભળતા હતાં એમ કહેવા કરતાં કહેવું જોઈએ કે એ લોકો પણ દીકરાની એ ક્ષણોને જીરવતા હતાં!

અરુણાઆન્ટી અને શીવુઅંકલે દ્વીજનાં મા-બાપ બની ગ્રહશાંતિની વિધી કરી. એ આત્મિયતાથી દ્વીજ સાચ્ચે જ ખુબ લાગણીવશ બની ગયો હતો પરંતુ એને વ્યક્ત કેમ કરવી તે ય સમજાતું ન્હોતું.

એક દ્વીજ સિવાય, દ્વીજનાં માતા-પિતા બનેલા દંપત્તિ અને તેમનાં નજીકનાં સગા-સંબંધીની આવેલી સૌ સ્ત્રીઓ હસી-મજાક કરતાં કરતાં ગ્રહશાંતિની વિધિને માણતા હતાં.

વિડિયોવાળો વિડિયો ઉતારતો હતો, બ્રાહ્મણ વિધિ કરાવતા હતાં અને બાકીનાં ઘરનાં સૌ લોકો એટલા તો આનંદમાં હતાં કે કોઈને દ્વીજની ગંભીરતા દેખાઈ નહીં.

પછી આવી પીઠીની વિધી!

‘કોણ દ્વીજની ‘ટેમ્પરરી’ ભાભી, કાકી, બહેન બનીને પીઠી લગાવશે’ની ચાલતી ચર્ચાએ દ્વીજનાં કુટુંબની ભાભીઓ, કાકીઓ અને સગ્ગી બહેનો, મમ્મી-પપ્પાની યાદને ઢંઢોળી.

આંસુ ટપકી ન પડે તે માટે દ્વીજે તેનાં મન અને પ્રાણની સઘળી શક્તિ લગાવી દીધી.

પહેલી સ્ત્રીએ આવીને દ્વીજને કપાળે કંકુ-અક્ષત લગાવ્યા ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું અને ખબર નહી કેમ જેવી પીઠી લગાવી ઓવારણા લીધાં ત્યાં તો બેશરમ આંસુઓ રોક્યા રોકાયા જ નહીં અને સ્થળ કે પ્રસંગની શરમ રાખ્યા વગર ટપકી જ પડ્યાં!

હસતું વતાવરણ એકદમ ભારેખમ બની ગયું!

‘બિચારાને મમ્મી-ડેડીની યાદ આવી હશે!’

‘આવે જ ને, આમ લગ્ન કરવા કોને ગમે?’

‘ચાલ બેટા, આવા શુભ પ્રસંગે ન રડાય. શાંત થઈ જા.’

‘લે, પાણી પી લે. એમ રડે તો કેમ ચાલશે? આ તો પરદેશનો મામલો રહ્યો….અમે તો પરણીને આફ્રિકાનાં જંગલમાં….’

આવેલી સ્ત્રીઓની સહાનુભૂતિ તો ઉલ્ટું એની સંવેદનાને વધારેને વધારે સંકોર્યા.

પુરુષોમાં ત્યાં ફક્ત શીવુઅંકલ, બ્રાહ્મણ અને વિડિયોવાળા ભાઈ જ હતાં. એ લોકોને દ્વીજને કઈ રીતે આશ્વાસન આપવું તે સમજાયું નહીં. એટલે આખરે પૂજા કરાવતાં બ્રાહ્મણે એમની રીતે આશ્વાસન આપવા બોલ્યા, ‘અરે ભઈ, પુરુષ થઈને તે રડવાનું હોય! આ પ્રસંગ તો છોકરીને રડવાનો હોય.’ કહી પોતાની જૉક પર હસી લીધું.

દરેક જણનાં આશ્વાસને આંસુ રોકવાની જગ્યાએ વધારવાનું જ કામ કર્યે રાખ્યું!

વાત પૂરી કરી, પોટલી સામે જોતો દ્વીજ હજુ ય એનાં મનો જગતમાં હતો એટલે ચૂપચાપ ચોધાર આંસુએ રડતાં મમ્મી-પપ્પા તરફ જોયા વગર એ સ્વગત બોલ્યો, ‘મમ, મારા આટલા મહત્વનાં પ્રસંગે તમે સૌ હાજર ન્હોતાં એ પીડા અસહ્ય હતી જ પરંતુ- એક પુરુષે અનુભવેલી વેદનાનાં આંસુઓમાં, સંસારની કાંઈ કેટલી ય સ્ત્રીઓની મનોવેદનાનું એક આંસુ પણ હતું! જેમના શરીરનાં અંશ હોય તેમને છોડીને જે સાવ પરાયા હોય તેને પોતાના માનીને ભવિષ્યની અજાણ કેડીએ પગ માંડતી દરેક દીકરીઓની વ્યથાનો એકાદ અંશે તે દિવસે મારામાં સળવળ્યો હતો અને એટલે જ મારા સ્વાર્થનાં આંસુઓમાં ભળી ગયેલા પેલા આંસુને કેટલાય પ્રયત્નો પછી પણ છૂટું પાડતા મને ન આવડ્યું! એ આંસુમાં મમ- તારા,સુરીલી અને પૃથાનાં આંસુનાં અંશ પણ હશે જ- એટલે મેં પીઠીથી ખરડાયેલા આંસુની આખી પોટલી જ સંચકી રાખી છે!’

*********************************

Nayna Patel

29 Lindisfarne Road,

Syston,

Leicester

LE7 1QJ

U.K

Ninapatel47@hotmail.com

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.