સન્નાટો

‘ચાલ મોઢું ખોલ માર્ટિન’….

‘અં……..હ’…..’

‘કમ ઑન, તારે સાજા થવું છે ને?’

‘પણ તને કોણે કહ્યું કે હું માંદો છું?’

‘જો તું માંદો નથી તો આ વોર્ડમાં કેમ આવ્યો?’

‘હું જાતે નથી આવ્યો….મને….પરાણે…..મને કોણે અહીં ધકેલ્યો છે તને ખબર છે નર્સ?’

‘ધેર યુ આર, તારે યાદ કરવું છે ને કે તને કોણે અહીં મોકલ્યો?’

‘યા.. યા.’

‘ઓ.કે. તો ડાહ્યો થઈને આ દવા પી લે. આ દવા તને એ યાદ કરવામાં મદદ કરશે.’ કહી જીનાએ દવાની ગોળીઓ માર્ટિનને આપી. આંખમાં શંકા સાથે માર્ટિને દવા ગળી ગયો.

‘જો હવે ત્યાં કોમનરૂમમાં જઈને બધા સાથે બેસ. ઓ.કે.’ કહી જીના બીજા વોર્ડમાં ચાલી ગઈ.

મેન્ટલહેલ્થના વોર્ડમાં દર્દીઓ માટે જીના ‘ફ્લોરેન્સ નાઈટિંગેઈલ’.

બીજા વોર્ડના પેલા ઈન્ડિયન દર્દી-ધીરુ પાસે ગઈ એટલે ધીરુએ ગુજરાતીમાં બોલવા માંડ્યું. એમાં ધીરુનો વાંક નથી ઈટાલીયન પિતા અને અંગ્રેજ માને પેટે જન્મેલી જીના ખબર નહી પણ તડકામાં તપી ગયેલી ધોળી ચામડી, ડાર્ક બ્રાઉન વાળ અને એવી જ કથ્થઈ આંખોની કીકીને લીધે ઈન્ડિયન જેવી જ લાગે.

એટલે હમણા જ નવા નવા આવેલા ધીરુને ખાત્રી જ હતી કે એ ઈન્ડિયન છે.

‘સ્ટોપ’નો ઈશારો કરી જીનાએ રમણને જેને બધા ‘રે’ કહે છે એને બોલાવ્યો. એનું કામ પડતું મૂકી આવ્યો.

મોઢા પર અણગમો લીંપી એ આવ્યો, ‘યસ, જીના. હવી આજે શું કર્યું આણે?’ કહી ધીરુ સામે થોડા તિરસ્કારથી જોયું.

ધીરુ ભીંત તરફ મોં ફેરવી સૂઈ ગયો.

જીના નાના બાળકને સમજાવતી હોય તેમ, ‘જો ધીરુ, તારે જે કહેવું હોય તે હવે આ રેને કહે, ઓ.કે?’

ધીરુ ચૂપચાપ ભીંત તરફ મોંઢુ કરી સૂઈ રહ્યો.

જીના અંગ્રેજીમાં પૂછતી ગઈ અને રે એનું જેવું આવડે એવું ગુજરાતી કરતો ગયો,

‘તને અહીં રહેવાનું નથી ગમતુંને, ધીરુ?’

મોં ભીંત તરફ જ રાખી એણી માથું હલાવી ‘ના’ કહી.

‘ઓ.કે તો હવે જલ્દી જવું હોય તો દવાની અસર કેટલી થાય છે તે જોવું પડેને?’

‘જે કે’વું એ કે, પન લોહી ટો ઉં ની જ લેવા દેઉં.’ રે એ કહ્યું કે એ બ્લડ ચેક કરાવવાની ના પાડે છે.

‘તને વાંધો શું છે, ધીરુ?’

એકદમ ગુસ્સામાં મોં જીના તરફ ફેરવી ધીરુ હાથ બતાવતાં ઘાંટો પાડી બોલ્યો, ‘રાતના રોજ પેલો આવીને લોઈ પી જાય છે. મારામાં એણે લોઈ જ કાં રે’વા દીઢું છે?’

રે એ ફરી અનુવાદ કર્યો.

ભારોભાર કરુણાથી ધીરુ સામે જીના જોઈ રહી. વળગાડ, ભૂત-ડાક્ણ જેવા અંધશ્રધ્ધાની દુનિયામાંથી આવેલા ધીરુને લાગે છે કે કોઈ ખરાબ માણસ આવીને અનું લોહી રાત્રે પી જાય છે.

એને અપાતી દવાની માત્રા નક્કી કરવા માટે બ્લડ ચેક કરવું ખૂબ જ જરુરી હતું પણ આને કેમ કરી સમજાવવું એ જીનાને પણ સમજાયું નહી.

ત્યાં તો બહાર એકદમ બુમરાણ સાંભળી. આમ તો આ વોર્ડમાં એ કાંઈ નવી વાત નથી.

છતાં જીનાએ કોરીડોરમાં ડોકિયું કર્યું.

કોઈ આફ્રિકન-કેરેબિયન યુવાનને એડમિટ કરવા માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ અને અમ્બ્યુલન્સવાળા લોકો એને માંડ માંડ પકડી રાખતા હતા. પડછંદ દેખાતા એ યુવાનને હવે ગમે-તેમ બળજબરી કરીને ઈંજેક્શન દ્વારા દવા આપવી પડશે. આ પ્રોસીજર કરવા માટે સોશીયલ વર્કર, ટ્રોમા યુનટનાં સીનીયર્સ વિગેરે સૌ હાજર હતાં.

આવું જોઈને હમેશની જેમ આવતા આંસુને ખાળી જીના માંડ માંડ સ્વસ્થ થઈ અને એના કામે વળગી.

વોર્ડનું કામ પતાવી એ ઓફિસમાં આવી અને રિપોર્ટ્સ લખવા બેઠી.

મનને સ્વસ્થ રાખવાનો ધરખમ પ્રયત્ન કરતી જીનાને એક નર્સ ઉતાવળે ઉતાવળે બોલાવવા આવી, ‘માઈ ગૉડ, જીના, કમ ઑન, જલ્દી ચાલ.’

જીનાને થયું કે કોઈ દર્દી માનતો નહી હશે એટલે, ‘આટલું લખવાનું પતાવી….’ બોલવા જતી હતી પરંતુ પેલી નર્સે વાક્ય પૂરું પણ કરવા ન દીધું અને એને લગભગ ઘસડીને બહાર લઈ ગઈ.

શું છે? શું છે?-જીના પૂછતી રહી પણ એ નર્સ પણ એટલી અવાચક હતી કે શું કહેવું તે એને ખબર નહોતી પડતી અને ત્યાં તો એડમિશન રુમ આવી ગયો.

જીનાને જોઈને ત્યાં ઊભેલા સોશ્યલ વર્કર, મેટ્રન, કન્સલ્ટંટ પણ પેલી નર્સની જેમ આશ્ચર્યચકિત બની એને તાકી રહ્યાં.

આ બધાના મોંઢા પરના ભાવો જોઈને એ મૂંઝાઈ ગઈ. અને બીજી સેકંડે એની નજર દર્દી પર પડી અને… અને એ પણ….!

સામે સૂતેલો દર્દી શૂન્યમાં જોતો હોય તેમ બારણા તરફ કોરી ધકોડ આંખે જોતો હતો.

આંખમાં સન્નાટો!

આજુબાજુ શું બને છે તેનાથી બે-ખબર સૂતેલો એ દર્દી નખશીખ ઈન્ડિયન હતો, વાળ કાબરચિતરાં હતાં, તે સિવાય આબેહૂબ જીનાનો જ ચહેરો! અરે, જમણા જડબા પર એવો જ મોટો તલ અને એ પણ એ જ જગ્યાએ!

પણ એ બને જ કેમ એના પિતા તો ઈટાલિયન છે!

જીના દોડીને ખાટલા પાસે ગઈ પણ દર્દી તો ગૂમસૂમ ખૂલ્લી આંખે સૂતો હતો.

જીના એ ત્યાં ઉભેલા સૌની સામે જોયું.

બધાએ ખભા ઉલાળ્યા.

આવા અણજાણ્યા મળેલા આઘાતથી શૂન્યમનસ્ક જીના રુમ બહાર નીકળી ગઈ.

કળ વળી પછી થયું, હશે, કો-ઈન્સીડન્ટ.

ઘણીવાર બે જણના ચહેરામાં સમાનતા હોય….પણ મોંનો શેઈપ, નાકનો આકાર, અરે, આંખોના પોપચાં પણ જીના જેવાં જ ભારે!

ચાલો બીજું બધું તો બરાબર પણ તલ એ પણ જડબા પર અને વળી જમણા જડબા પર અને એક્ઝેક્ટ એકસરખી જ જગ્યાએ!!!!

સ્વસ્થ રહેવાનો દેખાવ કરતી જીના પેનને હાથમાં રમાડતાં રમાડતાં સ્વસ્થ થવાના ધમપછાડા કરતી રહી પણ….

સોશ્યલ વર્કરે કહ્યું તે મુજબ દર્દીનું નામ અવિનાશ. પરંતુ બધાએને ‘એવી’ કહેતાં. છેલ્લા ૨૫ વર્ષથી એને સીવિયર ડિપ્રેશન છે..

ઈઅન એવીનો નિમાયેલો સોશ્યલ વર્કર છે. સામાન્ય રીતે એવી શાંત, ધીર-ગંભીર. જરુર પૂરતી જ વાત. ઈઅનને એટલી ખબર હતી કે એવીની ગર્લ ફ્રેંડ એને મૂકીને ભાગી ગઈ હતી ત્યારથી એનું ડિપ્રેશન શરું થયું હતું. સ્યુસાયડલ (આત્મઘાતી) દર્દી તરીકે ઈઅને એનું ખાસ ધ્યાન રાખવું પડતું.

આ વખતે પણ એવીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ફરીથી દવા લેવાનું બંધ કર્યું હતું તે જ હતું.

પેલા દર્દીને ફરી જોવાની અદમ્ય ઈચ્છા રોકી એ સૂનમૂન બેસી રહી.

બીજા સ્ટાફની જેમ જીના ક્યારે ય શીફ્ટ ક્યારે પૂરી થશેની રાહ ન જોતી. પરંતુ આજે તો મનમાં ઉલ્કાપાત મચ્યો હતો. એ અધીરી થઈ ગઈ હતી. એને ઘરે જઈને પાપાને આજના આ કો-ઈન્સીડન્ટની વાત કરવી હતી.

શીફ્ટ પૂરી થઈ અને પેલા દર્દીને જે વોર્ડમાં રાખ્યો હતો ત્યાં ડૉકિયું કરવાની પ્રબળ ઈચ્છાને યુનિફોર્મની સાથે એના લોકરમાં ટીંગાડી એ ઘર તરફ ભાગી.

પ્રેમાળ અને આનંદી પાપાનો એ પ્રાણ છે. જીનાની ઉદાસી ડીનોથી એક ક્ષણ માટે પણ સહન ન થઈ શકે.  મા અને બાપ બન્નેની બેવડી જ્વાબદારીઓ અને સાથે નાનકડુ રેસ્ટોરંટ બસ ડીનોની આ જ દુનિયા. જીના માટે પણ પાપા અને હોસ્પીટલ આ બેજ દુનિયા.

આજે એનું મન એટલું બધું અસ્વસ્થ હતું કે કંઈજ કરવાનું સૂઝ્યું નહી. બસ ઘરે જઈને અન્યમનસ્ક બેસી રહી.

પછી પાપાને ફોન કરવા જ ગઈ ત્યાં ડીનોનો જ ફોન આવ્યો, ‘કેમ છે મારી પ્રીંસેસ?’થી રોજની જેમ એણે શરુ કર્યું. જીનાએ મહામહેનતે અવાજને સ્વસ્થ  રાખવાનો પ્રયત્ન કરીને કહ્યું, ‘હું મઝામાં છું, પાપા’ અને આગળ કંઈ બોલે તે પહેલા જ એના અવાજ પાછળ છૂપાયેલી અકળામણ ડીનો કળી ગયો હોય તેમ, ‘શું થયું ડારલિંગ? તારા અવાજ પરથી નથી લાગતું મઝામાં છે. હું અહીંથી કંઈ ખાવાનું લેતો આવું છું રાંધવાની માથાકૂટ ન કરતી, હવે ખુશને મારી દીકરી?’ અને જીના સાચે જ ખુશ થઈ ગઈ, મનમાં થયું , ચાલ આજે જે વાત જાણવી છે તે પૂછવાનો હવે ટાઈમ મળશે.

ડીનોએ આવીને જીનાને કપાળે ચુંબન કરી એના મોઢા પર રોજની જેમ પ્રેમથી હાથ ફેરવ્યો.

ને…ને..જીનાની આંખમાંથી અચાનક શ્રાવણ-ભાદરવો ઊમટી પડ્યો.

ડીનો ઘડીભર તો અવાચક બની ગયો. જીના શાંત છે પણ ક્યારેય આવી ઉદાસ તો હતી જ નહીં!

એને બાથમાં સમાવી માથે હાથ ફેરવતો રહ્યો.

કેટલી વારે જીનાના ડૂસકાં સમ્યા.

‘બોલ તો, મારી દીકરીને કોણે દુભવી?’

આટલા પ્રેમાળ પિતાને કઈ રીતે જીના પૂછે કે ‘તું જ મારો પિતા છે? મારી મા કોણ છે, ક્યાં છે?’

જો કે નાની હતી ત્યારથી એના ‘મારી મમ્મી ક્યાં છે’ના નિર્દોષ પ્રશ્નના જવાબમાં ‘ તારી મમ્મી નથી’ જ સાંભળ્યું છે.

આજે એને સાંભળવું હતું સત્ય-કેવળ એના અસ્તિત્વનું સત્ય!

માથું હલાવી પહેલા તો, ‘સોરી પાપા’ કહી સ્વસ્થ થઈ.

હજુ અવઢવમાં છે. સત્યની પાછળથી ભોરીંગ નીકળશે તો?

આખા દિવસના થાકેલા આ મીડલએઈજ માણસ જેણે એને આપ્યું જ છે ક્યારે ય કંઈ જ એટલે કંઈ જ લીધું નથી-અરે અપેક્ષા સુધ્ધાં નથી રાખી તેને દુઃખી કરવાની જરા ય ઈચ્છા ન થઈ પરંતુ પેલા દર્દીનો ચહેરો પણ આંખ આગળથી હટતો નહોતો.

બન્ને જમી પરવાર્યા….

ડીનોએ ફરી એની બાજુમાં બેસીને, ‘ડારલિંગ, મારાથી આવી જીના નથી જોવાતી, બેટા! જે કહેવું હોય તે કહી દે.’

જીના આ મા-કમ –બાપ સામે જોઈ રહી.

એણે ગળું ખંખેર્યું, ‘ ઓ.કે. પાપા મારે જે પૂછવું છે એના થી આપણા પ્રેમમાં જરાકે ય ફેર પડવાનો નથી એની હું ખાત્રી આપું છું.’

ડીનોને વર્ષોથી જેનો ડર હતો તે ક્ષણ આવી પહોંચેલી જોઈ, ‘ પૂછ બેટા, આજે હું જે કહીશ તે સાચું જ કહીશ.’ કહી જીનાને માથે હાથ ફેરવ્યો.

પેલો આવનારી પળથી ડરતો-ધ્રૂજતો અવાજ એકદમ સ્વસ્થ ક્યારે થઈ ગયો જીનાને ખબર ન પડી, ‘પાપા, મને જન્મ આપીને જતી રહેલી સ્ત્રી કોણ હતી? મારે એ પણ નથી જાણવું કે એ જીવે છે કે મરી ગઈ.’

ડીનો પળ-બે પળ એની સામે જોઈ રહ્યો. કઈ રીતે શરુ કરવું તે હજુ તો મનમાં ગોઠવતો હતો અને જીનાએ ફરી બોલવાનું શરુ કર્યું, ‘પાપા, આજે કેમ અચાનક પુછ્યું એમ થાય છે ને તમને? તમે કાંઈ કહો તે પહેલા આજે શું બન્યું તે કહી દઉં,’ પછી ઊંડો શ્વાસ લીધો, ‘આજે એક દર્દી મારા વોર્ડમાં એડમીટ થયો, એનું નામ ‘એવી-અવિનાશ’ છે-ઈન્ડિયન છે, પાપા.’

આવા કોઈ સંજોગો ડીનોએ કલ્પ્યા જ નહોતા એટલે એ પણ આશ્ચર્યથી જીનાને તાકી રહ્યો.

‘પાપા, હું એકલી જ નહી મારા વોર્ડનો આખો સ્ટાફ એના ચહેરામાં અને મારા ચહેરામાં સામ્ય જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયો છે-એટલે સુધી કે આ તલ પણ’ કહી એના જમણા જડબા પરનો તલ બતાવ્યો.

ડીનો ભૂતકાળની એ દોઝખ જેવી ગર્તામાં ડૂબી ગયો.

જીના પણ કંઈ જ બોલી નહી, એને ખબર છે કે આ પ્રેમાળ પિતાએ ભૂતકાળનો કોઈ ખૂબ મોટો ઘા મનમાં ધરબી રાખ્યો છે. એને ફરી ખોતરવા એ બેઠી હતી. મલમ લગાડવાની જગ્યાએ એના પ્રેમના બદલામાં એના દૂઝતા ઘા પર નિમક છાંટવા બેઠી હતી! પણ એ પણ મજબૂર છે.

એને થયું કે પેલો કમનસીબ માણસ જો વોર્ડમાં ન એડમીટ થયો હોત તો આ રીતે દુનિયાના સૌથી પ્રેમાળ પાપાને આમ પીડતે નહી, પણ હવે એમના જવાબ પર કરોળિયાની જેમ ટિંગાતી જીનાએ ડીનોનો હાથ પોતાના હાથમાં લીધો.

એ સ્પર્શમાં માફી, પ્રેમ, ઋણ અને કંઈ કેટલું ય હતું.

જીના સામે ડીનો જોતો રહ્યો પછી ભૂતકાળ ખંખેરતો હોય તેમ જોરથી ડાબે-જમણે માથું હલાવ્યું, ‘બેટા, એ વાત સાંભળવી જ છે?

જીનાએ આંખોથી હા કહી.

મોઢું નીચું રાખી થોથરાતા અવાજે કહ્યું, ‘તારા પ્રશ્નનો જવાબ એ છે કે હું જ્યારે એને મળ્યો ત્યારે…..એ ….રેડલાઈટ એરીયામાં રહેતી હતી’.  રેડલાઈટ એરીયામાં જનાર વ્યક્તિને કદાચ શરમ ન આવે પણ એક બાપને એની દીકરીને કહેતાં શું થયું હશે એ ડીનો જ જાણે!

‘ઓ, એટલે કે એ વેશ્યા હતી?’ ડીનો ચૂપચાપ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની તૈયારી સાથે ફ્લોરને જોતો રહ્યો.

આખા રૂમમાં એક સેકંડ માટે રેડ લાઈટ ઝબકી…. જીના એના પિતાને જોતી રહી પછી ભારો ભાર સહાનુભૂતિ સાથે બોલી, ‘પાપા તમે ઈટલીથી ત્યારે નવા નવા જ આવ્યા હતાં ને?’

ડીનોએ નીચુ માથું રાખી ધીમે ધીમે માથું હલાવી ‘હા’ કહી.

‘પાપા. તમે એકદમ યુવાન હતાં અને એકદમ હેન્ડસમ હતાં..’ પછી જીભ કચરી બોલી, ‘અરે હજુ પણ છો જ’…

‘બસ બેટા, મને કહેવા દે એ મારા પતનની વાત. એકલો હતો, કામ કરવા જ આવ્યો હતો પરંતુ યુવાનીને ઉંબરે પગ દીધો હતો અને શરીર….’

‘બસ પાપા, હું સમજી શકું એટલી યુવાન છું, છુંને?

જીના વાતાવરણને હળવું કરવા મથામણ કરતી હતી, ડીનો મ્લાન હસ્યો.

‘તને ખબર છે છોકરી, મને ઊંડી ગર્તામાં જતો તેં બચાવી લીધો હતો?’

‘એ કેવી રીતે, પાપા?’

‘કોઈ પણ સ્ત્રી પાસેથી મળતાં છીછરાં આનંદ કરતાં મને મારી દીકરીનાં વ્હાલની કિંમત સમજાઈ. અને પછી ક્યારેય એ તરફ ફરીને જોયું નથી.’

ભૂતકાળનો પોપડો ઉખડ્યો, અસહ્ય પીડાને દબાવી એ બોલ્યો,

‘જ્યારે હું એને પહેલીવાર મળ્યો ત્યારે એણે મને કહ્યું કે એને જુદી જુદી નેશનાલિટિના લોકો અંગ્રેજ લોકો કરતાં વધારે ગમે છે. હું ઈટાલિયન હતો એટલે એને મારામાં રસ પડ્યો એમ કહ્યું એટલે મેં માન્યુ કે એ મારા પ્રેમમાં પડી છે. થોડા દિવસ રોજ મળ્યા અને એક દિવસ બિસ્ત્રા-પોટલા સાથે મારા ઘરના ઉંબરે આવી ઉભી. મને તો પાછળથી ખબર પડી હતી કે ભાડું નહોતું ચૂકવ્યું એટલે વગર પૈસે મારા છાપરા નીચે આશ્રય લેવા જ આવી હતી પણ મેં મૂર્ખાએ માન્યું એ મને પ્રેમ કરે છે એટલે સાથે રહેવા આવી.’

બોલીને એણે જીના સામે જોયું. જીના કરૂણાથી વાત સાંભળતી હતી.

‘એ ઉંમર અને એકલતાએ મને ભોળવ્યો હતો….. હું એનો વાંક નથી કાઢતો’.

પછીની કડવી વખ જેવી વાત કરતાં ડીનોને ખૂબ જહેમત પડતી હોય તેમ ધીરે ધીરે વાત આગળ વધારી, ‘થોડા દિવસ તો ખૂબ જ આનંદમાં પસાર થયાં. પછી એને મોર્નીંગ સીકનેસ શરુ થઈ. એ બહાવરી બની ગઈ.’

ડીનોને હવે આગળની વાત કરવા માટે સહારો જોઈતો હોય તેમ જીનાનો હાથ પકડી રાખ્યો, ‘એ જ સવારે જઈને એ પ્રેગ્નનસી ટેસ્ટ્નું કીટ લઈ આવી.

ટોયલેટ્માંથી મોટેથી ગાળ સાંભળી. મને ખ્યાલ આવી ગયો એ પ્રેગ્નન્ટ હતી.’

હું ખૂશ થઈ ગયો પરંતુ એણે તો બહાર નીકળી ડોક્ટરની ઈમર્જન્સી એપોંઈટમેન્ટ લીધી. એને ચોથો મહિનો પુરો થવામાં હતો. કોઈ મેડિકલ કારણ વગર એબોર્સન આમ તો ઈંગ્લેંડમાં મોટેભાગે ન કરે અને હું તો એબોર્સનનો પાક્કો વિરોધી’

તે દિવસે હું ચૂપ રહ્યો….’ ડીનોને હવેની વાત કહેતા તકલિફ પડતી હતી પરંતુ હવે ભૂતકાળને ખોદ્યો જ છે તો ભૂતાવળથી કેટલું બીવાનું?

‘હું તો એને મળ્યો હતો માત્ર બે મહિના પહેલા જ…હું કાંઈ ન બોલ્યો એટલે એણે માની લીધું કે હું મૂર્ખ છું.

તને જ્યારે તાજી જ જન્મેલી જોઈને ત્યારે સાચું કહું બેટા, મને બાપ કરતાં ય અદકેરું વ્હાલ છૂટ્યું’

બીજે દિવસે ઘરે આવ્યા. મને થયું કાંઈ નહી હવે તારો જન્મ થયો છે એટલે કદાચ એનો ધંધો છોડી દેશે. પણ…. એ તને છોડીને ત્રીજે જ દિવસે જતી રહી.’

‘અવિનશ’ની આંખમાં હતો એ જ સન્નાટો જીનાની પાછળ પાછળ છાનોમાનો આવીને રૂમમાં જ ધામા નાંખી બેસી ગયો.

 

****************

Advertisements
Posted in મારી ટૂંકી વાર્તાઓ, વાર્તા | Leave a comment

બિંદુ વગરનું ઉદ્‍ગારચિન્હ

બિંદુ વગરનું ઉદ્‍ગારચિન્હ

નેલસન કેરેબિયન ક્રુઝના રુમો ઝપાટાબંધ સાફ કરતો હતો. એને આજે અડધા દિવસની રજા મળવાની હતી એટલે દર વખતની જેમ હવે આવનારા ટાપુ પર એને રખડવા જવું હતું. વળી માંડ માંડ આ વખતે કેરેબિયન ક્રુઝમાં આવવા મળ્યું એટલે નેલી(નેલસનનું હૂલામણું નામ)ના આનંદની સીમા ન રહી.
એના મિત્ર રોહિતે કહ્યું હતું કે, નંદુ એના પતિ સાથે કેરેબિયનનાં જ કોઈ ટાપુ પર રહે છે. બસ, ત્યારથી એ એના સુપરવાઈઝરને કેરેબિયન ક્રુઝ પર ડ્યુટી આપવા આજીજી કરતો.
કેરેબિયન ટાપુના મોટા ભાગના ટાપુઓ ઉપર ઘણા સિંધીઓ, ગુજરાતીઓ અને પંજાબીઓ વેપાર કરતાં. દરેક ટાપુઓ પર વાઈફાઈ શોધવાને બહાને, ‘કદાચને નંદુ દેખાય- એવી આશાએ’, આંખોમાં પ્રાણ લાવીને મળી એટલી દુકાનોમાં આંટા મારી વળ્યો. આ છેલ્લો ટાપુ છે….એને ખબર છે નંદુ પરણેલી છે કદાચ બાળક પણ હશે. સુખી હશે કે નહી કોને ખબર? પરંતુ જ્યારે છેલ્લે મળ્યા ત્યારે જે વાત કરવા એણે હોઠ ખોલીને બંધ કરી દીધા હતાં, તે વાત ને ભલેને ૪ વર્ષ થઈ ગયા પરંતુ એ સાંભળ્યા વગર એને એક પ્રકારની ગુન્હાની લાગણી થતી રહી છે. ઓછા બોલી નંદુની પાસે મનનો ઊભરો કાઢવા માટે એક જ જગ્યા હતી અને તે નેલી.
છેલ્લી વખત મળ્યા કે જુદા થયાં!- ત્યારે બોલતાં બોલતાં અટકી ગયેલી નંદુનો ચહેરો, નેલી ભૂલી શકતો નથી. આખા દિવસની ઝીણામાં ઝીણી વાત પણ કહેતી નંદુની છૂટા પડતી વેળાની એક ક્ષણની એ મુંઝવણ, હવે રહી રહીને નેલીનો પીછો છોડતી નહોતી. એ એક ક્ષણ ચાર ચાર વર્ષ જેટલી લંબાતી રહી અને નેલીના મન-પ્રાણને સતાવતી રહી છે.
સ્માર્ટ, હેન્ડસમ, બુધ્ધિપ્રતિભાથી ચમકતા ચહેરાવાળો અને ચમકતી શ્યામ ચામડીવાળો નેલસન પહેલી નજરે જ ગમી જાય એવો એટલે ક્રુઝમાં નોકરી તરત જ મળી ગઈ.
નંદુને ખુશખબર આપતાં પહેલા લગ્ન કરવાનો જ છે-એની ખાત્રી આપવા લગ્ન પછીનું સુખ એણે તે દિવસે એને આપ્યું. નંદુની સુખને એ ક્ષણ, નેલીના જોબની ખબર સાંભળી અધમૂઈ થઈ ગઈ. ભૂલ કર્યાની લાગણીને ખંખેરી, પ્ર-સાદ મળ્યાનો સંતોષ લઈ, એ ધીમે પગલે જતી રહી.
નંદુ સિવાય સૌએ એને અભિનંદનથી વધાવી લીધો. ઉધાર પૈસા લઈને દોસ્તોને પાર્ટી આપી. એને નોકરી મળે તો પગે ચાલીને ‘લેડી ઓફ ધ માઉન્ટ’ના ચર્ચમાં બાધા ઉતારવા જવાની મમાએ લીધેલી હઠને પણ પૂરી કરી, પરંતુ નંદુને મનાવતાં મનાવતાં એનો શીપની ટ્રેઈનીંગમાં જવાનો દિવસ પણ આવી ગયો તો ય તે રિસાયેલી જ રહી.
આખરે શીપ પર જવાના સમયે રડેલી આંખોએ આવી અને માત્ર એટલું જ બોલી, ‘આ છેલ્લીવાર તને મળુ છું’,
‘પણ કેમ? હું હમણા છ-આંઠ મહિનામાં પાછો આવીશ અને તરત તારા બાપુ પાસે લગ્નની વાત કરીશ.’નેલીએ આછા સ્માઈલ સાથે કહ્યું હતું.
બીજો કોઈ પ્રસંગ હોત તો નંદુને એના આ ભોળા સ્મીત પર આખી દુનિયા ઓવારવાનું મન થઈ જતે, પરંતુ ભવિષ્યની ગુહાની ભયંકરતાના એંધાણ નંદુને આવી ગયા હતાં.
અને એટલે જ દુનિયાભરની નિરાશા તૂટી પડી હોય એવા સ્વરે બોલી હતી, ‘તને ખબર છે મારા બાપુનો વિરોધ’
‘તો તું જ કહે શું કરું? તું કહે તો ન જાઉં, બસ’ એણે એની બેગ રીક્ષામાંથી ઉતારવા પણ માંડી.
નંદુએ તેને તેમ કરતાં અટકાવ્યો, ‘તું જા, તારી મમા અને કુટુંબને તારી કમાણીની સખ્ખત જરુર છે, મને ખબર છે.’
પછી થોડું અટકીને સાવ ભાંગેલે સ્વરે, સ્વગત બોલતી હોય તેમ બોલી, ‘ મારા બાપુ તારી સાથે લગ્ન તો કરવા ન જ દેશે મને ખબર છે, મેં તને કહ્યું હતું ને કે થોડા વર્ષો પહેલાં મારી ફોઈને ક્રિશ્ચિયન સાથે લગ્ન કરવા હતાં… આખરે એણે આપઘાત કરી લીધો!’
એને આટલી ખબર હોવા છતાં નેલસન સાથે પ્રેમ થઈ ગયો. રોજ મન અને બુધ્ધિ વચ્ચે રમખાણ ચાલે અને દરેક વખતે ન મળવાનું નક્કી કરે પણ સાંજ પડેને બુધ્ધિ પરથી જાણે કાબૂ જ જતો રહે…..સાંજ પહેલા એની સાંજ પડી જાય અને….
‘પણ આમાં ધર્મની વાત ક્યાં આવી, નંદુ? મેં તને કીધું તે જ હું તારા બાપુને કહીશ-કે મારી સાથે લગ્ન કરીશ તો ય તારે ધર્મ બદલવાની જરૂર નથી, પછી…’
કોઈ પણ પ્રતિભાવો ન આપતાં નંદુની આંખમાં ધસી આવેલાં બે મોટાં અશ્રુબિંદુએ ‘એ શક્ય નથી જ’ની વાત કહી દીધી.
નંદુનાં હોઠ ઉઘડું ઉઘડું થઈને ફરી સખ્ખત બિડાય ગયા….નેલીને લાગ્યું હતું કે હજુ નંદુ કાંઈ કહેવા માંગે છે પરંતુ રીક્ષાવાળો ઉતાવળ કરવા લાગ્યો, હવે ગયા વગર છૂટકો નથી એની બન્નેને ખબર હતી એટલે આંસુના પડદાને વચ્ચે રાખી બન્ની અલગ અલગ દિશામાં જતા રહ્યા- હંમેશ માટે.
નેલસનને શીપ પર નોકરી મળી ગઈ તેથી જાણે ઘણે વર્ષે આનંદે એમના ઘરે ડ્ગ દીધાં.
નેલીના પાપા-જોસેફની શીપની નોકરી જ્યારથી છૂટી ત્યારે ધારેલું કે બીજી નોકરી મળી જશે પણ… મહિનાઓ ગયા, વર્ષો ગયા… નોકરી તો ન મળી પરંતુ માંદગી ઘર કરીને બેસી ગઈ. જોસેફને ટી.બી. થયો. એની સારવાર અને ઘર ખર્ચમાં નેન્સીની કમાણી વપરાય જતી. દારુ પીવાનાં જોસેફના ઉધામા અને પછી ઉધાર પૈસે દારુ પીતા જોસેફનું દેવું ભરવા, નેલસને મમાને મદદ કરવા ભણવાનું છોડી દેવાનું નક્કી કરી લીધું. એ સાંભળી નેન્સી પહેલા તો ગુસ્સે થઈ પછી રડી-કકળી, ભણવાનું ન છોડવા માટે કાકલૂદી કરી પણ નેલીએ એક્કેય વાત ન સાંભળી. થોડા દિવસ દરિયા કિનારે આવેલા બારમાં નોકરી કરી. એક દિવસ ગોવામાં આવેલા એક ટૂર ઓપરેટરે એને ક્રુઝની નોકરીની વાત કરી-છ થી આઠ મહિના શીપમાં નોકરી અને ૩ થી ૪ મહિનાની છૂટ્ટી.
બસ, એણે પેલા ટૂર ઓપરેટરને નોકરી માટે રેફરન્સ આપવા સમજાવી લીધો, પહેલા ટ્રેઈનીંગ અને પછી સીધી જ નોકરી અને તે પણ ટેક્ષ ભર્યા વગર!
ભવિષ્ય તરફની આ સફર નેલસનને ક્યાં લઈ જશે એને પણ ખબર નહોતી, પરંતુ દેશ વિદેશ ફરવાની એની દિલી ખ્વાહિશ આ રીતે પૂરી થશે એની એને ખબર ક્યાં હતી? એની મમાને મહેનત હવે ઓછી કરવી પડશે, પાપાનું દેવું ભરાઈ જશે અને ગામમાં મમા માથું ઉંચુ રાખી જીવી શકશે એ બધી લાલચો આગળ નંદુને શું લાગશે એ સાવ ભૂલી ગયો.
એ જે પબમાં કામ કરતો હતો એ નંદુના પિતાનું પબ હતું. કાંઈ કેટલાય વર્ષોથી મુંબઈથી કમાણી કરવા આવીને વસેલું સિંધી કુટુંબ, ખૂબ ઉદ્યમી. ક્યારેક મી.છતવાણીને ખરીદી માટે બહારગામ જવાનું થાય ત્યારે કાઉંટર પર એની મોટી દિકરી નંદી ઉભી રહેતી. આમ તો એ બન્ને એક જ સ્કુલમાં ભણ્યા હતાં પરંતુ વિધાતાએ બન્નેને નજીક આણ્યા આ દારુની દુકાને. પીધા વગર પ્રેમનો નશો બન્નેને ક્યારે ચઢ્યો તેની નોંધ કોઈ પાસે નથી, પરંતુ કઠોર વાસ્તવિકતાની ખબર હોવા છતાં છાનાં છાનાં મળવું એ બન્ને પક્ષે નશાની જેમ આદત પડી ગઈ હતી.
એ આદત છોડવી પડી, જેમ શરીરની ચામડી ઉતરાડાઈ જાય અને વેદના થાય એવી વેદનાને સંતાડી બન્ને જણ પોત પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.
જાણે આજે નંદુ મળવાની જ છે એવી ખાત્રી સાથે નેલી ટાપુ પર ગયો.
મમા માટે સરસ મઝાની મધર મેરીની મૂર્તી લીધી, તે વખતે મનો મન ‘આજે નંદુને મેળવી દેવાની’ પ્રાર્થના નેલીથી અનાયાસે થઈ ગઈ.
એના ક્રુઝ પર કામ કરતાં મિત્રો પણ સાથે હતાં તેમનો પીછો કેમ છોડાવવો એની તરકિબ વિચારતાં વિચારતાં એ મનો મન હસ્યો.
ગજવા ફંફોસવાની એક્ટિંગ કરી બોલ્યો, ‘ઓહ, ગૉડ, હું મારો મોબાઈલ મારી કેબિનમાં જ ભૂલી ગયો! તમે લોકો ચાલતા થાઓ હું તમને શોધી કાઢીશ’ કહી ત્વરાથી ક્રુઝ તરફ પાછો વળ્યો. થોડા આગળ ગયા પછી પાછળ ફરી જોયું તો એ લોકો ભીડમાં ભળી ગયા હતાં. એ બધાં જતા હતા એની વિરુધ્ધ દિશામાં ચાલવા માંડ્યો.
આમતો બધા ટાપુઓ સરખા જ લાગતાં, એટલે અને દરેક ટાપુ પર જવાનો નેલીનો આશય જ જુદો હોવાથી માત્ર દુકાનો જ શોધતો હોય તેમ ચલતો રહ્યો.
એને ખબર છે- એમ કાંઈ નંદુ થોડી મળવાની છે? છતાં પગ લઈ જાય તે તરફ ચાલ્યા કર્યું.
એક જગ્યાએ વાંચ્યું ‘મામા અને પાપા વોટરફોલ્સ’ તરફ જવાનો રસ્તો.
નેલી માટે એક જ ગંતવ્ય સ્થાન, અને તે એટલે નંદુ જ્યાં રહેતી હોય તે સ્થળ! છતાં એના પગ અનાયાસે એ ધોધ તરફ વળ્યા. બે કલાકમાં તો શીપ પર પાછું વળવાનું છે એ ખબર છે, છતાં ય એ એની જાતને રોકી શક્યો નહીં.
આગળ ચાર રસ્તા પર થોડી દુકાનોનું ઝૂંડ જોયું
ટાપુ પર ચા પીવાનું મોંઘુ હતું છતાં આજે એને મન થઈ આવ્યું.
ચાનો અર્ડર આપી ચારે બાજુ છવાયેલી ખામોશીને એ શ્વસતો રહ્યો.
દુકાનમાંથી ઈંગ્લીશમાં ગીત આવતું હતું,
‘વેન આઈ એમ ડાઉન એન્ડ ઓહ માય સોલ સો વેરી,(જ્યારે હું ઉદાસીથી ઘેરાઈ ગયો હોઉં અને મારો આત્મા લોથપોથ થઈ ગયો હોય)
વેન ટ્રબલ્સ કમ એન્ડ માય હાર્ટ બર્ડન્ડ બી,( જ્યારે મુશ્કેલીઓથી મારું હૃદય ધરબાય ગયેલું હોય)
વેન આઈ એમ સ્ટીલ એન્ડ વેઈટ હીઅર ઈન ધ સાઈલન્સ,(જ્યાં હું અવાચક/સ્થીર થઈ આ સૂનકારમાં તારી રાહ જોતો ઊભો છું,)
અન્ટીલ યુ કમ એન્ડ સીટ અ વાઈલ વિધ મી.(જ્યાં સુધી તું થોડીવાર માટે પણ મારી પાસે આવીને બેસે નહીં ત્યાં સુધી)
યુ રેઈઝ મી અપ સો આઈ કેન સ્ટેન્ડ ઓન માઉન્ટેઇન્સ,(જો તું મને ઊંચકીશ(સાથ આપીશ) તો હું પર્વતની ટોચે ઉભો રહે શકીશ )
યુ રેઇઝ મી અપ સો આઈ કેન વોક ઓન સ્ટ્રોમી સી..( અને જો તું મને ઊંચકીશ(સાથ આપીશ) તો તોફાની સમુદ્ર પર પણ ચાલી શકીશ)

ધોધ બનવા ઉતાવળા થયા હોય તેમ એની આંખમાંથી ક્યારે ઝરણા ફૂટી નીકળ્યા એને જ ખબર ન રહી…
ચા લઈને ઊભેલી કેરેબિયન સ્ત્રીએ એના ખભે હાથ મુક્યો ત્યારે એ ચોંક્યો.
ખાસ કોઈ ગ્રાહક નહોતા એટલે કે સહાનુભૂતિ દર્શાવવા એ બેઠી……નેલીને એ ગમ્યું.
ચાની હૂંફથી થોડી સ્વસ્થતા આવી. એ સાવ છોભીલું હસ્યો.
ત્યાં તો બાજુની નાનકડી કપડાં અને સુવનીઅરની દુકાન હતી તેમાંથી ૩-૪ વર્ષનું એક બાળક હાથમાં લોલીપોપ ચાટતું ચાટતું બહાર આવ્યું એનો શરીરનો રંગ લગભગ નેલી જેવો શ્યામ હતો એના પરથી એને ખ્યાલ આવ્યો કે એ કોઈ ઈન્ડિયનની દુકાન હશે.
કાંઈ અગળ વિચારે તે પહેલા તો એક માણસ સાઈકલ પર આવ્યો, દુકાન પાસે સાઈકલ ઊભી રાખી અને સહેમી ગયેલા બાળકને એક તમાચો માર્યો. લોલીપોપ ઝૂંટવી લીધી અને ‘બાસ્ટર્ડ’ કહી સિંધી ભાષામાં ગાળ બોલી, ગુસ્સાથી ફાટી ગયેલે અવાજે બોલ્યો, ‘પાછી લોલીપોપ ચોરી, સાલ્લાએ!’ કહી, બાવડેથી પકડી પછાડ્યો.
ઊભો થઈને પેલા માણસને રોકવા જતાં નેલીને પેલી કેરેબિયન સ્ત્રીએ રોક્યો, બોલી, ‘રોજનું છે. તું બોલીશ તો તારી સાથે ય ઝગડશે.’
પણ એટલે આવા કૂમળા બાળકને આટલી બેરહેમીથી માર ખાતાં જોઈ રહેવાનું?
બધું એટલું તો જલ્દી બનતું હતું કે નેલી કાંઈ વિચારે તે પહેલા, બાળક ચીસો પાડતું રડતું રડતું અંદર જતું રહ્યું.
બીજી જ મીનીટે એક સ્ત્રી એ બાળકને કેડમાં ઊંચકી આવી, -માય ગોડ નંદુનું હાડપીંજર!!! અને પેલા માણસને કહ્યું, ‘…..ર્ડ તું અને તારો બાપ, ખબરદાર જો એને ….
પેલો માણસ ગંદુ હસ્યો, અને પેલી બાઈને બોલતી અટકાવી પૂછ્યું, ‘ લગ્ન પહેલા કેમ નહી કહ્યું કે એનો બાપ કોણ છે? અને હજુ ય ચૂપ છે, સાલી હરામજાદી’
પેલી સ્ત્રીની આંખમાં આંસુનાં પડળ હતાં અને પોતાના દિલના ટૂકડાં જેવા બાળક માટે અડિખમ બની ઉભા રહેવાના એના નસીબ સામે એણે નેલીને જોયો જ નહોતો.
…..નેલીના આખા અસ્તીત્વને ચીરી નાંખે એવી પેલી નંદુની અણકથી વાત, વિસ્ફોટક બની અણુબોમ્બની જેમ ફૂટી!
‘માય ગૉડ, માય ગૉડ!’ બોલ્યો, પછી શું થયું તેની નેલીને કંઈ જ ખબર નથી.
આંખ ખોલી ત્યારે, ક્રુઝના મેડિકલ સેંટરમાં હતો અને શીપ ઉપડી ચૂકી હતી.
****************************************

નયના પટેલ
યુ.કે.

Posted in વાર્તા | 1 ટીકા

મને રડાવી ગયેલું હૃદયસ્પર્શી ગીત

અહીં એ લાવી શકતી નથી પરંતુ એના શબ્દો લખું છું

WHEN I AM DOWN, AND OH MY SOUL SO WEARY
વેન આઈ એમ ડાઉન એન્ડ ઓહ માય સોલ સો વેરી,
(જ્યારે હું ઉદાસીથી ઘેરાઈ ગયો હોઉં અને મારો આત્મા લોથપોથ થઈ ગયો હોય)
WHEN TROUBLES COME AND MY HEART BURDENED BE
વેન ટ્રબલ્સ કમ એન્ડ માય હાર્ટ બર્ડન્ડ બી,
(જ્યારે મુશ્કેલીઓથી મારું હૃદય ધરબાય ગયેલું હોય)
WHEN I A STILL AND WAIT HERE IN THE SILENCE
વેન આઈ એમ સ્ટીલ એન્ડ વેઈટ હીઅર ઈન ધ સાઈલન્સ,
(જ્યાં હું અવાચક/સ્થીર થઈ આ સૂનકારમાં તારી રાહ જોતો ઊભો છું,)
UNTIL YOU COME AND SIT A WHILE WITH ME.
અન્ટીલ યુ કમ એન્ડ સીટ અ વાઈલ વિધ મી.
(જ્યાં સુધી તું થોડીવાર માટે પણ મારી પાસે આવીને બેસે નહીં ત્યાં સુધી)
YOU RAISE ME UP, SO I CAN STAND ON MAOUTAINS
યુ રેઈઝ મી અપ સો આઈ કેન સ્ટેન્ડ ઓન માઉન્ટેઇન્સ,
(જો તું મને ઊંચકીશ(સાથ આપીશ) તો હું પર્વતની ટોચે ઉભો રહે શકીશ )
YOU RAISE ME Up TO WALK ON STROMY SEAS!
યુ રેઇઝ મી અપ તો વોક ઓન સ્ટ્રોમી સી..
(અને જો તું મને ઊંચકીશ(સાથ આપીશ) તો તોફાની સમુદ્ર પર પણ ચાલી શકીશ)

Posted in મને ગમતી કવિતા/ગીતો | Leave a comment

soormayee

close your eyes and listen you will experience out of this world

Posted in મને ગમતી કવિતા/ગીતો | 1 ટીકા

આંધીગમન

આંધીગમન

 મસ્તીખોર માર્જને અચાનક ડાહી-ડમરી ને ઉદાસ થઈ ગયેલી જોઈને વેરાને ખૂબ નવાઈ લાગી. સામાન્ય રીતે ઘર માથે લેતી માર્જ એના રુમમાં જ બેસી રહે એવું બનવાનો પ્રસંગ ખાસ આવ્યો જ નથી. એને ગમતું ન થાય તો લડી લે-ઝઘડી લે પરંતુ આમ ઉદાસ અને શાંત થઈ જાય એવું બને તો નહીં!

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી માર્જ્ને કોઈએ ક્યારેય આટલી શાંત જોઈ ન્હો’તી.

શરુઆતમાં સૌએ શાંત રહીને જોયા કર્યું. પછી ધીરજ ન રહેતાં અમુક જણે કટક્ષમાં તો અમુક જણે આડકત્રી રીતે એનું કારણ જાણવા પ્રયત્નો કર્યા પણ આ તો માર્જ છે. બોલવાનું શરુ કરે પછી કોઈને બોલવાનો ટર્ન આવવા જ ન દે એ માર્જ બોલે જ નહી તો નવાઈ ન લાગે?

પરંતુ સૌને માર્જની ચૂપકીદી કંઈક વિચિત્ર લાગી.

માર્જથી નાની રીટાને પૂછ્યું તો એણે પણ ખભા ઉલાળી ‘ખબર નથી’ કહ્યું.

વેરાએ કેટલી મનાવી અને કારણ જાણવા પ્રયત્ન કર્યો પણ…… માર્જ ચૂપચાપ.

એની ચૂપકીદીમાં વેરાને પોતે કોઈ અપરાધ કર્યો હોય એવી લાગણી કેમ થતી હતી તેની એને પહેલા તો સમજ ન પડી. પછી યાદ આવ્યા તે દિવસો જ્યારે તેણે માર્જ અને રીટાના ડેડ એલન સાથે ડિવોર્સ લીધા હતા અને પહેલીવાર જ્યોર્જ સાથે બન્ને દિકરીઓની ઓળખાણ કરાવી હતી.

૧૨ વર્ષની માર્જે જ્યોર્જને ડેડ તરીકે સ્વીકારવાની ઘસીને ના પાડે દીધી હતી. જેવો હતો તેવો પણ એને તો એના ડેડ એલનની જ માયા હતી. બીજા કોઈને એ ડેડની જગ્યા આપી જ કેમ શકે?

રીટાએ વાંધો પણ ન લીધો કે ન તો ઉત્સાહ બતાવ્યો-બસ પરિસ્થિતિને સ્વીકારી લીધી.

૧૪મા વર્ષે માર્જે એની વર્ષગાંઠને દિવસે જ્યોર્જને સ્પષ્ટ શબ્દોમાં મનમાં પડઘાતી રહેલી વાત કહી જ દીધી, “મારા ડેડ બનવાનો પ્રયત્ન નહી કરતાં. તમે મારી મમના પતિ હશો પરંતુ મારે માટે મમના મિત્રથી વધીને કાંઈ જ નથી. અને એક છાપરા નીચે રહેવાથી કોઈ સગુ બની નથી જતું. ”

“માર્જ ડાર્લિંગ, એમ ન બોલાય બેટા” કહીને વેરાએ એ વાત ત્યાં જ સમેટી લીધી હતી પરંતુ વાત એમ ભલે સમેટાઈ ગઈ છતાં જ્યારે જ્યારે માર્જની આંખ જ્યોર્જ સાથે મળતી ત્યારે બોલાયા વગર પણ એ વાતના પડઘા પડતાં.

સેકન્ડરી સ્કુલમાં જતી માર્જ ભણવામાં ખૂબ હોંશિયાર હતી,  પરંતુ વેરાએ કરેલા આ બીજા લગ્નથી નાખુશ માર્જનું મન ભણવામાંથી ઉઠી ગયું અને બને એટલા જલ્દી એ ઘરમાંથી નીકળી કેમ જવું તેની યોજનાઓ કરતી રહેતી. એમાં પછી ભણવામાં મન ક્યાંથી લાગે? પછી વળી રીટાનો વિચાર આવતાં મન પાછું પડે. એના ડેડ એલને પણ બીજા લગ્ન કરી લીધા છે અને સ્વાભાવિક રીતે જ ત્યાં જવાનો દરવાજો પણ બંધ થઈ ગયો.

જાય તો ય ક્યાં જાય?

એમ કરતાં કરતાં બે વર્ષ નીકળી ગયા. સ્કુલમાંથી એને કાઉન્સેલિંગ માટે જવા કહ્યું પરંતુ એનો પણ ઈન્કાર કર્યો. રીટાને લઈને ભાગી જવાનું મન થાય પરંતુ પછીની પરિસ્થિતિનો વિચાર કરતાં કરતાં એને ઘણીવાર થતું કે એ ગાંડી થઈ જશે.

આ દરમ્યાન જ્યોર્જે વેરા પાસે એક તેમના પોતાના બાળકની માંગણી કરી પરંતુ વેરાને ખબર હતી કે જો એમ બને તો માર્જ અને રીટાનો પ્રતિભાવ કેવો આવશે. એ સારી રીતે જાણે છે કે જે દિવસે બન્ને છોકરીઓને ખબર પડે કે એ જ્યોર્જના બાળકની મા બનવાની છે તે દિવસે એ એની બાપ વિહોણી દિકરીઓને ઘુમાવી બેસશે અને મા વિહોણી પણ કરવાનું પાપ લાગશે.

વેરાના નકારથી જ્યોર્જ ધુંધવાઈ તો ઉઠ્યો પણ શું કરવું તે સૂઝ્યું નહી.

જ્યોર્જે એક દિવસ ગુસ્સામાં,  માર્જ ૧૬ વર્ષની થઈ ગઈ છે અને હવે ઘર છોડી દેવું જોઈયે એમ કહ્યું.

એક તરફ માર્જ સાથે રીટા પણ ઘર છોડવા તૈયાર થઈ ગઈ અને બીજી તરફ વેરાની હાલત કફોડી બની ગઈ.

વેરાએ કાકલુદી કરીને બન્ને છોકરીઓને રહેવા સમજાવી. ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી માની પરિસ્થિતિ જોઈને બન્નેએ માને આશ્વાસી અને મન કઠણ કરીને રહી ગયા.

માંડ માંડ પરિસ્થિતિને સમથળ કરી અને નિરાંત અનુભવે છે ત્યાંતો એક દિવસ માર્જ સાવ મૂંગી બની બેઠી છે.   

 “કમ ઓન બેટા, ટેલમી વોટ્સ હેપન્ડ?”

વાત કહેશે તો ક્યાં તો મા એ વાત માનશે જ નહી અથવા જો માનશે તો  ફરીને એ ઘર અને પતિ વિનાની થઈ જશે એ વિચારે એ સહમી ગઈ.

વેરા તરફ એક ઠંડી અને અસહાય નજર નાંખીને ચૂપ જ રહી.

માની આંખમાં આંસુ જોઈને માંડ માંડ બોલી, “નથીંગ મમ, પ્લીઝ લીવ મી અલોન.”

રૂમમાં પ્રવેશતો જ્યોર્જ મા-દિકરીને વાતો કરતાં જોઈને પાછો વળી ગયો તોય માર્જની આંખમાંથી નીક્ળતી ધિક્કારની જ્વાળા એને સ્પર્શી ગઈ.

નીચું મોં કરી ફ્રીઝમાંથી બિયરનું ટીન લઈને સિટીંગરૂમમાં બેસીને પીવાનું શરુ કર્યું.

વેરા આવીને એની બાજુમાં બેસી ગઈ અને બોલી. “ ખબર નહી આ છોકરીને શું થયું હશે?”

જ્યોર્જે સાંભળ્યું – ન સાંભળ્યું કરીને ટી.વી.માં મન પરોવ્યું.

જ્યારથી માર્જ મૂંગી થાઈ ગઈ છે ત્યારથી જ્યોર્જનું વર્તન પણ વેરાને વિચિત્ર લાગતું હતું એટલે એણે તો સહજ રીતે જ જ્યોર્જને પૂછ્યું, “ડાર્લિંગ, તારી સાથે તો એણે ઝઘડો નથી કર્યોને?

જ્યોર્જની ડાબી બાજુ પર બેઠેલી વેરાને એણે સાચે જ ‘ડાબા હાથની’ જડી દીધી.

‘પૂછ તારી લાડકીને મને શું પૂછે છે? લાડ કરી કરીને બગાડી નાંખી છે. મારી છોકરી હોયને…’

ત્યાં તો માર્જ રુમમાં ધસી આવી અને જ્યોર્જ સામે ઉભી રહી, ‘ બોલ આગળ બોલ કે પછી હું તારું વાક્ય પૂરું કરું?’

જ્યોર્જે આવો પ્રતિભાવ નહોતો કલ્પ્યો. એ તો દર વખતની જેમ વેરાને ‘મનીપ્યુલેઈટ’ કરવા માંગતો હતો..

હંમેશા આવી પરિસ્થિતિમાં માર્જને ચૂપ રહેવાનું કહેતી વેરાએ માર્જ કહ્યું, ‘ બોલ બેટા, એનું વાક્ય તું જ પૂરુ કરી નાંખ.’

પોલ ખોલવાની પળ આવી ગયેલી જોઈને જ્યોર્જ માર્જને મારવા ગયો. વેરા આડો હાથ કરીને ઉભી રહી અને ડારતે અવાજે કહ્યું, ‘હાથ તો અડાડી જો એને.!’

પરિસ્થિતિને હાથમાંથી સરી જતી જોઈને રુમ બહાર જતાં જ્યોર્જની સામે જઈને માર્જ બેધડક બોલી, ‘ તારી છોકરી હોત તો તેં મારી સાથે જે કર્યું તેમ એને તું રેઈપ કરતે?

વેરા અવાક બની ગઈ.

માળ ઉપર ચૂપચાપ સઘળું સાંભળતી રીટા પણ નીચે ધસી આવી અને બાકી રહેલી વાત આગળ વધારી, ‘ મમ, તેં આ માણસને એનું બાળક આપવાની ના પાડીને, તેની શિક્ષા એ અમને કરે છે.’ એક ગાળ બોલી એણે જ્યોર્જેને જોરથી તમાચો માર્યો.

બહાર સખત વરસાદ અને વાવાઝોડું હતું તેની પરવા પણ કર્યા વગર વેરાએ બન્ને છોકરીના હાથ પકડ્યા અને ઘર બહાર નીકળી ગઈ.

સુખ નામના પ્રદેશમાં જવા માટે થનગનતી વેરાને તેના બન્ને પતિઓએ આંધીગમન કરવા મજબૂર કરી દીધી!

************************

 

 

Posted in વાર્તા | 3 ટિપ્પણીઓ

ઓ નીલ ગગનનાં પંખેરું

Posted in મને ગમતી કવિતા/ગીતો | 3 ટિપ્પણીઓ

ગૉડ બ્લેસ હર!

god bh

ગૉડ બ્લેસ હર!

નવરી પડું એટલે સામે ખાલી પડેલી દુકાનને ઓટલે રોજ ભેગાં થતાં હોમલેસ(બેઘર) લોકો તરફ મારું ધ્યાન અચૂક જાય. એમાંના કેટલાક મારી દુકાનમાં ક્યારેક આવીને ભીખમાં મળેલું ચેઈન્જ આપીને પાઉંડની નોટ લઈ જાય.

સાચ્ચુ કહું, મને એ લોકોએ આપેલા ચેઈન્જને અડકવું પણ નહી ગમે. કેટલાય દીવસો સુધી ન્હાયા ન હોય પછી કપડાં બદલવાનો તો કોઈ સવાલ જ ન હોયને! યાદ કરું તોય કંપારી છૂટે એવા ગંદા નખ, મોઢામાંથી આવતી ડ્રગ અથવા તો દારૂની વાસ…અરર છી, આ લખતી વખતે યાદ કરું છું તોય ઉબકો આવે છે!

ખેર, જે વાત કરવા બેઠી છું તે વાત કરૂં. એ હોમલેસોના ટોળામાં નાવા હોમલેસ ઉમેરાતાં જતાં હોય તો કેટલાક ચહેરા અદ્રુશ્ય થતા રહે તેની નોંધ પણ અજાણતા હું રાખવા લાગી!

બે ત્રણ દિવસથી આવેલો એક નવો હોમલેસ એ બધાથી જુદો તરી અવતો હતો. થોડો સ્વચ્છ લાગતો હતો એના તરફ મારું ધ્યાન એટલે ખેંચાયુ કે તેના હાથમાં દારૂની બૉટલ દેખાતી ન્હોતી! જૂના હોમલેસ તેની સાથે બોલતા ન્હોતાં અને એ બે દુકાન છોડીને આવેલી દુકાન બહાર ફૂટપાથને ખૂણે ટૂંટીયુ વાળીને સાવ એકલો જ બેસી રહેતો હતો.

તે દિવસે હું દુકાનમાં બીઝી હતી અને મેં જોયું તે પેલો નવો આવેલો હોમલેસ દુકાનની બારીમાંથી અંદર જોયા કરતો હતો.

હશે, મેં મારૂ કામ આટોપવા માંડ્યું. ગ્રાહકો જાણીતા હતાં એટલે માલ લેતાં લેતાં વાતો કરતી જાઉં પણ નજર તો પેલા હોમલેસ પર જ હતી. જોકે અમારી ગ્રીટીંગ કાર્ડસની શોપ હતી એમાંથી એ લોકોને ચોરવા જેવું તો શું હોય? એક બે ગ્રાહકોની નજર પણ ગઈ અને એ લોકોએ મને ચેતવી-‘સંભાળજે, તું એકલી છે તેનો લાભ ન લે!’

હું સાબદી થઈ ગઈ!

પણ પછી તો કામમાં એટલી તો વ્યસ્ત થઈ ગઈ કે એ ક્યારે ત્યાંથી હટી ગયો તેની પણ મને ખબર ન રહી. લંચ ટાઈમ પત્યો એટલે હવે શ્વાસ લેવાનો વખત મળ્યો.

બારી બહાર નજર ગઈ અને પેલો ત્યાં ઉભેલો દેખાયો નહી એટલે હાશ થઈ!

‘ક્લોઝ’નું બોર્ડ લગાવી, બારણાને લૉક કરી મારું લંન્ચ લેવા હું માળ પર ગઈ. બારી પાસે એક ટેબલ ખુરશી હતા, લંન્ચ ગરમ કરીને લાંબા પગ કરી બેઠી અને લન્ચ ખાવાનું શરુ કર્યું અને રોજની ટેવ મુજબ પેલા ઓટલે નજર ગઈ. તેમાં પાંચ પુરુષો હતાં અને બે સ્ત્રીઓ હતી. એમાંની એક સ્ત્રી પેલા પાંચમાંના એક પુરુષ સાથે ફ્લર્ટ કરતી હતી, એક યુવાન જેવો લાગતો ખૂણામાં જઈને ડ્રગ્સ લેતો હોય એમ લાગ્યું. બીજા બે જોર જોરથી કોઈ વિષય પર દલીલ કરતા હતાં. અને પેલી બીજી સ્ત્રી દારુની બોટલ ખલાસ થઈ ગઈ હતી અને તેથી બીજી બૉટલ ખરીદવા માટે જતા આવતાં લોકો પાસે પૈસા માંગતી હતી.

હું વિચારતી હતી- એ લોકોની દુનિયા કેવી હશે? ન ઘર, ન કોઈ જવાબદારીઓ, ન કોઈ રાહ જોનારું કે ન કોઈની રાહ જોવાની! ભૂતકાળના ભારેલા અગ્નીને અંતરમાં સંઘરીને ભર ઠંડીમાં ઠૂંઠવાવાનું અને રાત્રે જે ઓટલો મળે ત્યાં સૂઈ રહેવાનું! કોઈએ આપેલી સ્લીપીંગ બેગ કે બ્લેન્કેટ હોય તો હોય, નહીં તો કાર્ડ્બોર્ડ બોક્ષ તો કોઈ પણ શોપમાંથી મળી રહે!

ઠંડી ઉડાવવા દારૂ અને પછી નશામાં કોને ખબર કેવા સ્વપ્નો જોતા હશે એ લોકો? અથવા પછી જે મળે તેની હૂંફે પડી રહેવાનું! ત્યારે રહે છે એક આદમ અને એક ઈવ-બસ! કદાચ બે આદમ અને બે ઈવ પણ ….. મને એક લખલખું આવી ગયું.

રાત્રીએ રન મારતી પોલીસ ક્યારેક એમને ઉઠાડીને હોમલેસો માટે ખાસ તૈયાર કરેલા શેલ્ટરમાં મૂકી આવે તો જાય પરંતુ બીજે દિવસે એ જ દશા! માત્ર બરફ કે અનરાધાર વરસે ત્યારે જ શેલ્ટરો ભરાઈ જાય.

પણ પેલો કેમ નથી દેખાતો? મારું કૂતુહલ સળવળ્યું!

કોઈ બારણું ખટખટાવતું હોય એમ લાગ્યું, ઘડીયાળ પર નજર ગઈ-બાપરે બે વાગી ગયા! ઝટપટ ઊઠી લંન્ચના વાસણો સીંકમાં મૂકી હાથ ધોઈ જલ્દી જલ્દી નીચે આવી. છેલ્લા પગથિયે હતીને મારી નજર બારણા તરફ ગઈને મારું કાળજું થોડું કંપી ઉઠ્યું! એ જ બારણા પાસે નેજવું કરી અંદર જોતો હતો. એક સેકંડ મને થયું પાછી ઉપર જતી રહું પણ મને લાગ્યું કે એણે મને જોઈ લીધી છે, હવે ઉપર પાછા જવું પણ શક્ય નથી!

હિંમત કરી સાવ નોર્મલ રહેવાનો મરણિયો પ્રયાસ કરતી કરતી બારણા તરફ ગઈ અને લોક ખોલ્યું અને જલ્દી જલ્દી ટીલ પાછળ જઈને ઊભી રહી ગઈ. એ આસ્તેથી અંદર આવ્યો અને ‘ઓપન’ તરફ ફેરવવાના રહી ગયેલા બોર્ડને એણે ફેરવ્યું. અને નત્‌મસ્તક થોડીવાર ઉભો રહ્યો. મેં મારા અવાજને સાવ સામાન્ય રાખવાનો ધરખમ પ્રયત્ન કરતાં કરતાં પૂછ્યું, ‘મે આઈ હેલ્પ યુ’?

એણે ઊંચુ જોયું. આંખો લાલ હતી, પણ નશો કર્યો હોય એવી નહી રડ્યો હોય એવી! મને અનુકંપા છૂટે તે પહેલા ફરી મેં મારો પ્રશ્ન દોહરાવ્યો.

‘યસ પ્લીઝ. મને એક સ્પેશીયલ બર્થડે કાર્ડ જોઈએ છે.’ કહી હાથમાં થોડું ચેઈંજ બતાવી પૂછ્યું, ‘આટલામાં મળી શકશે?’

અવાજમાં આવી નરી માર્દવતા અને ખૂબ સંસ્કારી અવાજની મેં જરાય અપેક્ષા ન્હોતી રાખી.

મેં તરત જ કહ્યું, ‘યા, યા, ચોક્સ. કોને માટે જોઈયે છે?’

થોડી ખામોશી પછી કહ્યું, ‘મારી એક્સ વાઈફ માટે.’

હું ગૂંચવાઈ ગઈ, ક્યા સંબોધનનો કાર્ડ બતાવું?

એ સમજી ગયો, ‘જસ્ટ, લવ વન્સનો વિભાગ બતાવી દો, હું શોધી લઈશ.’

હાશ, મને થયું છૂટી.

એ વિભાગ બતાવી અને હું પાછી કાઉંટર પાછળ જઈને બેસી ગઈ. એ વિભાગ એવા ખૂણામાં હતો કે હું સીધું ધ્યાન ન રાખી શકું એટલે ‘એ કાર્ડ તો ચોરતો નથીને!’ એ જોવા માટે સી.સી.ટી.વી પર હું એનું ધ્યાન રાખવા લાગી પરંતુ ખબર નહી કેમ મને એમ કરવાનું શરમજનક લાગ્યું.

મારું અચાનક ધ્યાન ગયું એ ત્યાં ઉભો ઉભો કોટની બાંયથી આંખો લૂછતો હતો-અવાજ મારા સુધી પહોંચે નહી એટલે મોઢે હાથ દઈ દીધો હતો!’

મેં ત્યાં રહ્યા રહ્યાં જ પૂછ્યું, ‘ ઈઝ એવરીથીંગ ઓ.કે?’

એણે મારા અવાજની દિશા તરફ મોં ફેરવી ધ્રૂસકાંથી ભરેલા અવાજને સામાન્ય બનાવતાં કહ્યું, ‘યસ આઈ એમ ફાઈન, થેંક્સ.’

ચોર નજરે હું સી.સી.ટી.વી તરફ જોતી રહેતી હતી-હવે એ કાર્ડ ચોરે છે કે નહી તે જોવા નહી પરંતુ હજુ રડે છે કે નહી તે જોવા. મારા કૂતુહલમાં ખબર નહીં કેમ પણ કરૂણા ભળવા માંડી.

દબાવવા માટે પ્રયત્ન કરવા છતાં છટકી ગયેલા કોઈ કોઈ ધ્રૂસકા સંભળાતા હતાં પરંતુ ત્યાં જવાની મારી હિંમત ન્હોતી ચાલતી.

હું ઈચ્છતી હતી કે કોઇ ગ્રાહક આવે. પરંતુ એને નિરિક્ષણ કરવામાં બહાર જોરદાર વરસાદ પડતો હતો તેનો પણ મને ખ્યાલ ન રહ્યો. આવા વરસાદમાં કોઇ પણ ગ્રાહક આવવાની શક્યતા ન્હોતી.

ત્યાં તો એ ધીમે ધીમે કાઉંટર તરફ આવ્યો અને કાર્ડ આપતા પૂછ્યું, ‘તમને લાગે છે કે આ યોગ્ય કાર્ડ છે?’

મારા અંતરમાં સળવળી ઉઠેલી સહાનુભૂતીને મેં રોકી અને વ્યાવસાઈક સ્વરે કહ્યું, ‘ તમારે શું કહેવું છે તેના ઉપર અને છૂટા પડતી વખતે સંબંધો કેવા હતા એના ઉપર આધાર રાખેને!’

થોડી સેકંડની ખામોશી પછી, ઉપર સીલીંગ તરફ નજર કરી એ છૂટ્ટા મોંએ રડી પડ્યો.

‘થોડા દિવસથી જ જેલમાંથી છૂટ્યો છું’ રડવાને કાબૂમાં લેતાં લેતાં તે બોલ્યો, ‘અને મને ખબર નથી કે…’અને બહાર નીકળતાં એના શબ્દો એના લાગણીનાં પ્રવાહમાં તણાઈ ગયા. હું એને ચૂપચાપ સાંભળતી હતી, કરું તો ય શું કરું?

મનને મજબૂત કરી મેં પૂછ્યુ, ‘તમને એના સરનામાની ખબર નથી કે…?’

એક મોટો નિશ્વાસ નાંખી, દેવદાસ જેવું હસીને બોલ્યો, ‘ મારું સરનામુ હવે એનું થઈ ગયું છે, હું સરનામા વગરનો છું!’ બહાર ધોધમાર પડતાં વરસાદની જેમ તેના આત્માની ઉદાસી એના આખા વ્યક્તિત્વમાંથી ટપકતી હતી.

મેં એને પાણીની બોટલ આપી, બે ઘૂંટડા પી થોડો સ્વસ્થ થયો લાગ્યો. ત્યાં તો એકલ દોકલ ગ્રાહકો આવ્યા અને કાંઇ પણ લીધા વગર જતા રહ્યાં. એને સ્વસ્થ થવાનો સમય મળ્યો એટલે એક ‘ઈંગ્લીશમેન’ની સભ્યતાએ એને ખ્યાલ આપાવ્યો હશે કે એ સાવ એક અણજાણ વ્યક્તિ સામે અંગત જીવનની લોહી નીગળતી વાતો કરવા બેઠો હતો!

‘સોરી, મેં તમને ખોટાં ડીસ્ટર્બ કર્યા.’ કહી કાર્ડનો જે ભાવ હતો તે મુજબ ચેઈંજ ગણવા માંડ્યો.

મારા અંતરની કરૂણાને આટલી છંછેડ્યા પછી આમ જતો રહે તે કેમ ચાલે?

‘ડોન્ટ વરી, તમારે જે કહેવું હોય તે કહી શકો છો.’ પછી રોકી રાખેલી સહાનુભૂતીને છૂટી મૂકતા મેં કહ્યું, ‘મને કહેવાથી જો તમારું મન હળવું થતું હોય તો….’ અને મેં જાણી જોઈને વાક્યને અધૂરું રાખ્યું.

થોડીવાર એ કાર્ડના લખાણને વાંચતો હોય તેમ તાકી રહ્યો.

‘ મેં મારા દિલનાં ઊંડાણથી એને ચાહી છે-ઈન્ફેક્ટ, ચાહું છું, નહી તો મારી સાથે કેટલું છળ કર્યું તો ય આ આંખો હજુ પણ એને માટે કેમ ચૂઈ પડે? મારે એને મારા સમગ્ર અસ્તીત્વથી ધિક્કારવી છે પણ હું એને ધિક્કારી જ શકતો નથી! જેમ જેમ એને ધિક્કારવાનો પ્રયત્ન કરુ છું તેમ તેમ અમારા પ્રેમ પાંગર્યાના પ્રસંગો, દિવસો, વણ બોલાયેલી લાગણીઓ જ્યાં ને ત્યાં ફૂટી નીકળે છે.’

મેં હિંમત કરી પૂછ્યું, ‘ તમને વાંધો ન હોય તો એક વાત પૂછું?’ અને જવાબની અપેક્ષાએ એના તરફ તાકી રહી.

અજાણ્યાપણાની દિવાલની ઈંટ ખરી પડતી અમે અનુભવી!

‘ઓફકોર્સ યુ કેન’ સંમતી આપતાં એના થોડા ન ખોલેલા મનનાં દરવાજાને સાવ જ ખોલી નાંખ્યા.

‘શું એ કોઇ બીજાને…’

એણે હકારમાં માથું હલાવ્યું અને બોલ્યો, ‘મારી પાસેથી એને જે કાંઈ ન મળ્યું તે મેળવવા ફાંફાં મારતી હશે તો જ કોઈ બીજા તરફ એ આકર્ષાઈ હશેને? એમાં કદાચ એનો વાંક ન હોય એમ બનેને?’

એણે છૂટું મૂકેલું પ્રશ્નાર્થ દુકાનમાં ફરી વળ્યું!

જેણે એને બેઘર કર્યો, મને ખબર નથી કે ક્યા કારણસર એ સ્ત્રીએ એને જેલમાં મોક્લાવ્યો, જેણે એની લાગણીઓને લોહીલુહાણ કરી મૂકી એને એ સ્ત્રીનો વાંક નથી વસતો!

પછી કંઈ તાળો મેળવતો હોય તેમ બોલ્યો, ‘અમારા બન્નેની પ્રકૃતિ તદ્દન અલગ-એને જે ગમે તે મને ન ગમે અને મને ગમે તે એને ન જચે! અને તોય અમે અઢળક આનંદ માણ્યો છે, અને અમને જે પણ સહિયારું ગમ્યું તેનો અમે સાચ્ચે જ ગુલાલ કર્યો છે.

હવે આગળની વાત કરવી કે નહી તેની થોડી વિમાસણમાં પડ્યો હોય તેમ ચૂપ ચાપ બહાર વરસતા વરસાદને જોયા કર્યો પછી વેચવા મૂકેલા કેલેન્ડરોમાં એક સુંદર હસતાં બાળકના ફોટા તરફ જોઈ બોલ્યો, ‘મને બાળકો અતિશય વ્હાલા અને એને બાળકો દીઠ્ઠા ન ગમે!’

શોપમાં રાખેલા ટેડીબેરોથી માંડી, કાર્ડસ, રેપીંગ પેપર્સ અરે શોપમાં હતું તે બધું જ સાંભળવા માટે કાન માંડીને બેઠું હોય તેમ મને લાગ્યું. ત્યાં, હત્ત તેરી, કોઈ એક સ્ત્રી બાળકને પ્રામમાં લઈને આવી. એની છત્રી બહાર ઝાટકતી હતી ત્યારે મારી નજર અનાયાસે પેલા તરફ ગઈ. એ મોં ફેરવીને ઉભો રહી ગયો હતો. મને કાંઇ સમજણ પડે તે પહેલા પેલી સ્ત્રી જેવી થોડી અંદર ગઈ ત્યાં તો કાર્ડ પણ લીધા વગર એકદમ ઝડપથી શોપ બહાર જતો રહ્યો. પેલી સ્ત્રીને કાંઈ ઓળખાણ પડી હોય તેમ પાછળ જોયું. પછી મને પૂછ્યું, ‘એ બર્ટ હતો?’

‘સૉરી, મને એનું નામ નથી ખબર.’ પછી અચકાતાં અચકાતાં મેં કહ્યું, ‘જસ્ટ નવો આવેલો કોઈ હોમલેસ છે. આજે જ મારી શોપમાં આવ્યો મને એનું નામ નથી ખબર.’

‘હં’ કહી એક કાર્ડ લીધું અને પૈસા આપતાં આપતાં કહ્યું, ‘ અમારા ટઉનમાં એક ચિલ્ડ્રન એન્ટર્ટેઈનર હતો-બર્ટ-બિલકુલ એના જેવો જ લાગ્યો. મારા મોટા છોકરાની બર્થડે પાર્ટીમાં એણે છોકરાંઓને ખુબ મનોરંજન કરાવ્યું હતું. વેલ, હી વોઝ અ જેન્ટલમેન.’

‘હવે તમારા ટાઉનમાં નથી રહેતો?’

શોપમાં કોઈ ન્હોતું તો ય એણે આજુબાજુ નજર કરી ધીરા અવાજે કહ્યું, ‘ એની વાઈફને કોઈ બીજા સાથે અફેર હતું. બર્ટની ગેરહાજરીમાં એનો બોયફ્રેંડ એકવાર એના જ ઘરમાં હતો અને અચાનક કોઈ કારણસર બર્ટ ઘરે આવી ચઢ્યો. બર્ટે એ લોકોને સાથે જોયા પછી તો કહે છે કે ખુબ મારા મારી થઈ અને શું થયું તે ખબર નથી પણ બર્ટ્ને પોલીસ એરેસ્ટ કરી ગઈ પછી ક્યારેય કોઈએ એને જોયો નથી.’

પૈસા આપતાં આપતાં સ્વગત બોલતી હોય તેમ બોલી, ‘એક્ઝેક્ટ બર્ટ જેવો જ લાગતો હતો. એની વે હી યુઝ ટુ લવ ચિલ્ડ્રન વેરી મચ.’ અને મને ‘થેંક્સ, સી યુ.’ કહીને ગઈ.

મને ખાત્રી થઈ ગઈ કે એ ‘બર્ટ’ જ હતો પણ પછી સાંજ સુધી એ દેખાયો જ નહી.

શોપ લોક કરવા જતી હતીને એ આવ્યો.

મેં, એણે લીધેલું કાર્ડ બાજુ પર રાખ્યું હતું. તેને બ્રાઉન બેગમાં મુકીને એને આપી કહ્યું, ‘ લો, બર્ટ’

થોડું મ્લાન હસીને કહ્યું, ‘ગુડ, મારી સ્ટોરીનો અંત લીન્ડાને મોઢે તમે સાંભળ્યોને!’

‘સોરી, બર્ટ, હજુ અંત નથી આવ્યો, તમને વાંધો નહી હોય તો એક વાત પૂછવી છે!’ કહી હવામાં પશ્નને તરતો જ રહેવા દીધો અને એના સામે જોયું!

ડોકું હલાવી એણે સંમતી આપી.

‘તમે ભણેલા લાગો છો…..તમારી ભાષા…..’

‘હું ભણેલો હોઉં કે નહી શું ફેર પડે છે? હું જેલ ભોગવી આવેલો અસંસ્કારી માણસ છું જેણે એની પત્નીને સમજવાની જગ્યાએ એના બૉયફ્રેંડને મરણતોલ માર માર્યો!

પછી શૂન્યમાં જોતો હોય તેમ બોલ્યો, ‘યસ, યુ આર રાઈટ, હું માનસશાત્રનો લેક્ચરર હતો! પછી જ્યારે જાણ્યું કે મારી પત્ની પાસેથી મને મારૂં બાળક મળવાની કોઈ શક્યતા જ નથી એટલે બાળકોનો એન્ટરટેઈનર બની ગયો!’

હવે મારાથી ન રહેવાયું, ‘બર્ટ, વિશ્વાસ અને પ્રેમ ઉપર તો દુનિયાના સંબંધો ઊભા છે અને સ્વાભાવિક છે કે એ હચમચી જાય ત્યારે માણસથી ન કરવાનું થઈ જાય-જેમ તેં એના બૉયફ્રેંડને માર્યો.’

માત્ર ‘હં’ કહીને એણે કાર્ડ લીધો અને પૈસા આપવા ગજવામાં હાથ નાંખ્યો. મેં કહ્યું, ‘ડોન્ટ વરી, ધીસ ઈઝ ફ્રોમ  મી. એ પૈસામાંથી ખાવાનું ખરીદજે.’

થોડીવાર માટે બારી બહાર જોઈ રહ્યો પછી કાર્ડ લીધા વિના બારણા તરફ પગ માંડ્યા, પછી અટકીને બોલ્યો, ‘એની વે, હવેથી એને કાર્ડ મોકલવો નથી.’

મેં ખૂબ જ આશ્ચર્ય અને આઘાતભરી નજરે એના સામે જોયું.

‘યુ નો વાઈ? હમાણા થોડીવાર માટે હું બહાર ગયો હતો ત્યારે આ બાજુમાં આવેલા બાય પાસનાં પુલ નીચે ખૂણામાં હું બેઠો હતો. તમારી સાથે ભૂતકાળ ઉખેળ્યા પછી મારૂં સમગ્ર અસ્તીત્વ એને ઝંખતું હતું, મારે એની એકવાર માફી માંગવી છે એમ વિચારતો હતો…….ત્યાં મેં પરિચિત હસવાનો અવાજ સાંભળ્યો, મેં ઊંચુ જોયું. હું બેઠો હતો ત્યાં અંધારું હતું.’

કહી એ અટક્યો.

વાતની પરાકાષ્ઠા પર જ એ અટક્યો એટલે વિવેક ભૂલી મેં પૂછ્યું, ‘પછી?’

‘એ કોઈ બીજાજ પુરુષના હાથમાં હાથ નાંખી મારી પાસેથી પસાર થઈ-એના જે બૉયફ્રેંડને મેં માર્યો હતો તે ન્હોતો!……..ખબર નહી એ શું શોધે છે? કે પછી રોજ જેમ ડ્રેસ બદલે છે તેમ પાર્ટનરો બદલવાનો શોખ હશે?

…..વિચારું છું કે એને મારા એકતરફી પ્રેમની કોઈ કિંમત તો હશે જ નહીં તો પછી દર વર્ષે બર્થડે કાર્ડ મોકલાવી વર્ષમાં એકવાર પણ શા માટે મારા અસ્તીત્વને અભડાવું? એની વે, ભગવાન એને સદ્‍બુધ્ધિ આપે.’

મનમાં ગણગણતો હોય તેમ ‘ગોડ બ્લેસ હર!’ કહી, ધીમે ધીમે એ બારણું ખોલી જતો રહ્યો.

મેં કાર્ડ ફાડીને ફેંકી દીધું!

************************************

Posted in વાર્તા | 4 ટિપ્પણીઓ

ડૂસકાંની દિવાલ

ડૂસકાંની દિવાલ – નયના પટેલ

dooskaani

ડૂસકાંની દિવાલ – નયના પટેલ

August 29th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નયના પટેલ |

[ ‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રીમતી નયનાબેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આજે આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નયનાબેનને ખૂબ ખૂબ અભિનંદન. લેસ્ટર (યુ.કે.)માં રહેતા નયનાબેન હાલ નિવૃત્તિમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ત્યાંના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થઈ રહી છે. 1984માં ‘ગુજરાતી અકાદમી’ આયોજિત વાર્તા-સ્પર્ધામાં ‘અંત કે આરંભ’ નામની તેમની વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારથી તેઓ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યા છે. લેસ્ટરમાં ‘ભગિની’ નામની સંસ્થા સ્થાપવાનું, દુભાષિયા તથા અનુવાદક તરીકે કામ કરવાનું અને ‘ગુજરાત સમાચાર’માં રિપોર્ટર તરીકે ફરજ બજાવવાનું પણ સેવાકાર્ય તેમણે સ્વીકાર્યું હતું. આપ તેમનો આ નંબર પર +44 116 2202372 અથવા આ સરનામે ninapatel47@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

શાંત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની જીભ ન ઉપડી. નવ મહિનાનાં રોશનને છાતીએ લગાડી એણે અબુને ખુદા-હાફીઝ કહ્યું તો ખરું પરંતુ અંતર ફફડતું જ રહ્યું….. ફફડતું જ રહ્યું !

અને અબુના ગયાને ચાર દિવસ પણ નહોતા થયા અને એક રાત્રે અબુ સાથે હજ કરવા ગયેલા એના ભત્રીજા રહેમાનનો ફોન આવ્યો. નવ મહિનાનાં રોશનને છાતીનું અમૃત પીવડાવતી ગુલશનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. એનાં દૂધ સાથે એ ચૂકેલી ધડકન હંમેશ માટે રોશનના માસૂમ હૃદયનાં એક ખૂણામાં સૂમસામ જગ્યા બનાવી ચૂપચાપ પડી રહી છે. અને એણે એને દુનિયાથી અલિપ્ત બનાવી દીધો છે. હજની ભીડમાં અબુને અસ્થમાનો ભયંકર હુમલો આવ્યો અને… અને શ્વાસ લેવા તડપતાં અબુનો પંપ શોધીને એને રહેમાન આપે તે પહેલા તો એ બેભાન થઈ ગયો… અને પછી બીજી મદદ મળે ત્યાં સુધીમાં તો….. ખેલ ખલાસ થઈ ગયો. રહેમાને એ ખબર ગુલશનને આપ્યા. એ સમાચાર એના કાનના પડદા સુધી જ પહોંચ્યા. સમજની સીડી ચઢીને દિલ સુધી જતાં તો એને મહિનાઓ લાગ્યા !

એક દિવસ પવનના તોફાનમાં પાછળના ગાર્ડનની ફેન્સ તૂટી ગઈ. મનમાં થયું, ‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે…..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી હોય તેમ અબુનું અવસાન ખાબક્યું ! રોશનને છાતીએ લગાવી એ છાતીફાટ રડી. ગાર્ડનની ફેન્સની જેમ એના દિમાગની દીવાલ તૂટી અને દિલને ખાત્રી થઈ… સાચ્ચે જ અબુ હવે નથી ! અબુના ગયા પછી ચાર મહિને તેને નિરાધારતાનો અહેસાસ થયો ! ગાર્ડનની ફેન્સ તો ફરી ઊભી થઈ ગઈ પરંતુ એની અંદરની ધસી પડેલી દિવાલ અને ખંડેર બની ગયેલી યુવાની રોજ એક એક તસુ વધારે ને વધારે જર્જરિત અને બિહામણી થતી રહી ! અબૂ તો અધૂરો ખેલ છોડી ગયો પરંતુ એણે તો એના પ્યારા રોશન માટે ખેલ ચાલુ જ રાખવો પડ્યો ! અંદર ખડકાતા જતાં ખંડેરને સંતાડીને મોઢા ઉપર ખુમારી પાથરીને આંખના રતન માટે મા અને અબ્બા બન્ને બનવા માટે કટીબદ્ધ બનવું પડ્યું. એ તો સારું છે કે યુ.કે.માં રહે છે એટલે કોઈની સામે નથી હાથ લંબાવવો પડ્યો કે નથી કોઈનું અહેસાન ઉઠાવવું પડ્યું !
અબુનાં ગયા પછી તરત જ થોડા દિવસમાં દેશમાં રહેતા એનાં બધા સગાં-સંબંધીઓ તરફથી અબુના નાના ભાઈ ફર્દીન સાથે નિકાહ પઢી લેવા માટે દબાણ વધવા માંડ્યું. એ મક્કમ રહી. ન તો માના કસમ એને ચળાવી શક્યા કે ન તો એના સાસુ-સસરાનાં ‘ઈમોશનલ બ્લેકમેઈલ’ પીગળાવી શક્યા ! એને ખબર હતી કે કૉલેજમાં ફર્દીન સાથે જ ભણતી હિંદુ છોકરી કામિની સાથે એને પ્રેમ છે છતાં પણ મોટાભાઈના અચાનક મૃત્યુએ ફર્દીનને પણ ચળાવી દીધો હતો અને એટલે જ ગુલશન સાથે લગ્ન કરવા તે રાજી થઈ ગયો હતો. લગ્ન ન કરવાની બાબતે તે ચટ્ટાનથી ય વધારે મક્કમ રહી અને ઉલ્ટું સાસુ-સસરાને ફર્દીનને જેની સાથે પ્રેમ છે તેની સાથે લગ્ન કરાવી આપવા માટે વિનવ્યા હતાં ! પરંતુ પરિણામ શું આવ્યું ? કામિનીને ધર્મપરિવર્તન કરાવવાની જીદ લઈ બેઠેલા સાસુ-સસરાને કોઈ સમજાવી ન શક્યું. કામિનીના મમ્મી-પપ્પા પણ મુસ્લિમ સાથે દીકરીનાં લગ્ન કરાવવા તૈયાર ન થયા અને એક દિવસ કામિનીને તેના મમ્મી-પપ્પાએ કોઈ એન.આર.આઈ. સાથે લગ્ન કરાવી પરદેશની કોઈ અંધારી ગુફામાં ધકેલી દીધી. ફર્દીને પણ એની ફોઈની દીકરી સાથે અનિચ્છાએ લગ્ન કરી લીધા ને આજે એ વાતને 18-18 વર્ષના વ્હાણા વાયા !

આજે એનો દીકરો રોશન એના શહેરથી દૂર આવેલી યુનિવર્સિટીમાં જવાનો હતો ! ખબર નહીં કેમ પરંતુ આજે આટલે વર્ષે ફરી ગુલશનનાં દિલનાં કોઈક ખૂણે સંતાયેલો પેલો અબુ જવાનો હતો તે પહેલાંનો ફફડાટ નાગની જેમ ફેણ માંડીને ફૂંફાડો મારવા માંડ્યો છે ! પોતાનાં પ્યારાઓથી છૂટાં પડવાનો એ ભય હતો કે પછી ફરી કોઈ ભયંકર…. વિચારોને ખંખેરવા જોરથી માથું ધૂણાવ્યું પણ એ વિચારો તો ગૂંદાના બિયાં જેવા ચીકણા નીકળ્યાં – જેમ જેમ એને કાઢવાનો પ્રયત્ન એ કરતી રહી તેમ તેમ એ વધારે ને વધારે વળગતાં ગયાં. 18-18 વર્ષ સુધી ક્યારેય પોતાનાથી જેને છૂટો નહોતો કર્યો એ એનો રોશન આજે એને કેટલાય મહિનાઓ માટે એકલી મૂકીને જતો રહેશે ! પતિ વગરનો ખાલિપો તો દીકરાના પ્યારે જીરવી લીધો. હવે આ ખાલિપો કેમ કરી વેંઢારાશે ? દિલની ધમકીઓને લીધે આંસુને પાંપણને કિનારે આવી આવીને પાછા વળી જવું પડ્યું હતું. બાળપણથી ગંભીર અને અલિપ્ત રહેતાં રોશનને અંતરમાં અકળાતી લાગણીને વહાવતાં નથી આવડ્યું. માના મૂંગા આંસુઓનો એ સાક્ષી છે પરંતુ કાંઈ કેટલીય વાર ઈચ્છવા છતાં ય ક્યારેય તે માને બાથ ભરી આશ્વાસી શક્યો નથી ! આજે પણ એ જ મથામણ ! ગુલશનની અબુનાં મૃત્યુના સમાચાર વખતે ચૂકી ગયેલી ધડકન જાણે રોશનની અંદર અવ્યક્ત ડૂસકું બનીને થીજી ગઈ છે !

અને રોશન ગયો ! એક દિવસ…. બે દિવસ… ધીમે ધીમે સરકતાં સમયે ગુલશનને થાબડી થાબડીને શાંત કરવા માડી. રોશનને રોજ સાંજે ફોન કરવાનો પ્યારભર્યો હૂકમ હવે નિયમ બની ગયો છે. હવે ગુલશન દરેક સાંજની રાહ જુએ છે ! રોશનનો ફોન આવે પછી જ ખાવાનું એને ગળે ઊતરે છે. રોશનને પણ એનો અહેસાસ છે. એટલે છ વાગ્યે કે એ અચૂક ફોન કરે. આમ તો શાંત અને ઓછાબોલા દીકરાની રોજની પ્રવૃત્તિ વિશે પૂછીને, શું ખાવાનો છે તે જાણવા ગુલશન સવાલ પૂછે તેનો ટૂંકો જવાબ મેળવીને એ ખુશ થાય છે. પછી કાંઈ ખાસ વાત કરવાની રહેતી નથી.

પછી તો યુનિવર્સિટીની ત્રણ નાની-મોટી રજાઓમાં રોશન ઘરે આવ્યો. ગુલશને ચૂપચાપ એનામાં થયેલા ફેરફારો નોંધ્યા. પહેલા કરતાં થોડો – માત્ર થોડો – પણ ખૂલ્યો છે. સ્કૂલ-કૉલેજમાં હતો ત્યારે કોઈ પણ મિત્ર ન ધરાવતો રોશન ઘણીવાર હવે એના યુનિવર્સિટીનાં મિત્રોને ફોન કરે છે. એ લોકોનાં ફોન આવે છે. ગુલશનને ખૂબ સારું લાગ્યું. એની ગંભીરતા ઓછી થતાં હવે ક્યારેક એવી કોઈ વાત નીકળે ત્યારે મા સામે ધીમું ધીમું મલકે છે. હાશ…! ગુલશનને ખબર છે કે રોશન સમજણો થયો ત્યારથી અબ્બાને શોધતો રહ્યો છે. એ બારેક વર્ષનો થયો ત્યારે ગુલશને એને એક દિવસ પાસે બેસાડી એના અબ્બાનાં મૃત્યુની વાત કહેલી. ચૂપચાપ જાણે કોઈ વાર્તા સાંભળતો હોય તેમ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર અંગૂઠાના નખથી કાર્પેટ પર કોઈ ચિત્ર દોરતો હોય તેમ ફેરવતો રહ્યો. પછી તો ગુલશને નોંધ્યું કે એ વધારે ગંભીર થઈ ગયો હતો. એને કોઈ પણ દિવસ ખીજાવું પડે જ નહીં ! ઘણીવાર ગુલશન ઈચ્છતી કે બાળ સહજ તોફાન કરે, જીદ કરે, કામના-નકામના સવાલો પૂછી એનું માથું ખાય…. પણ એવું ક્યારેય બન્યું નહીં. પરંતુ હવે રહી રહીને દીકરાની અંદર થતાં આ ફેરફારથી ગુલશન ખૂબ ખુશ છે. રોશન ભણવામાં હોંશિયાર હતો જ પરંતુ હવે એને એનો મનપસંદ વિષય પોલિટિક્સ અને હિસ્ટ્રી મળતાં સોળે કળાએ ખીલવા માંડ્યો છે. ઈંગ્લેન્ડનું રાજકારણ ભણતાં ભણતાં ભારત અને પાકિસ્તાનના રાજકારણનો અભ્યાસ પણ વખત મળ્યે કરે છે.

થોડા સમયથી ગુલશનને રોશન થોડો મુરઝાયેલો કે કોઈ વિચારમાં ખોવાયેલો લાગ્યા કરે છે. એક રજામાં આવેલા રોશનને ગુલશને બને એટલું સહજ રહી પૂછી જ લીધું : ‘બેટા, ઑલરાઈટ છે ને ?’ ‘અં….હા, કેમ એમ પૂછે છે, મા ?’ ‘હમણાંથી કેમ થોડો થાકેલો અને વિચારોમાં હોય તેવું મને લાગ્યા કરે છે ?’ થોડીવાર ચૂપ રહી તે ઊઠીને ઉપર એના રૂમમાં ગયો. એક ફોટો લઈને પાછો આવ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર ગુલશન સામે ધરી દીધો. કોઈ બોલકી આંખોવાળી છોકરીનો ફોટો હતો. ગુલશને આશ્ચર્ય, ઉત્કંઠા, આનંદ, ચિંતાની ભેળસેળ લાગણીભરી આંખોથી રોશન સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું ! ‘આ ઈશા છે મા. મારી સાથે ભણે છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ !’ ગુલશન સાચે જ ખુશ થઈ ઊઠી અને એ વાતને આગળ લંબાવવા પૂછ્યું, ‘અને…..?’ થોડીવાર શાંત રહી, વિચારોને ગોઠવીને એણે કહ્યું : ‘મા, મને ખબર છે કે તું હંમેશની જેમ મારી બધી જ ઈચ્છા, લાગણીઓને બે હાથે આવકારીશ જ.’ ‘તને મારામાં આટલો વિશ્વાસ છે તો પછી તમારી ગાડી ક્યાં અટકી ?’ છત તરફ તાકીને આંતરિક સંઘર્ષને કઈ રીતે વાચા આપવી તે મનમાં ગોઠવી બોલ્યો, ‘મા, ઈશા ધર્મપરિવર્તન કરાવવા તૈયાર નથી !’ ગુલશન 20 વર્ષ પાછળ જતી રહી….. ફરી ફર્દીનની કહાણી દોહરાવાની કે શું ?

‘જો બેટા, મને વાંધો નથી. ભલે ને એ એનો મઝહબ પાળે !’ રોશન થોડીવાર કંઈ બોલ્યો નહીં પછી કહ્યું, ‘મા, આવી વાતમાં ઉતાવળ કરવા હું નથી માગતો. આ તો તેં મને પૂછ્યું એટલે ખુલાસો કર્યો.’ કહી કોઈ કામ અંગે બહાર જતો રહ્યો. રોજનાં કામ કરતાં કરતાં ગુલશનના હાથ અટકી જતા હતાં. આંખો મીંચીને અલ્લાહને કોઈ સાચો રસ્તો કાઢવા વિનવતી રહી. પછી તો તે યુનિવર્સિટીમાં ગયો ત્યાં સુધી એ કંઈ બોલ્યો નહીં અને ગુલશને પણ કંઈ પૂછ્યું નહીં. એને ખાત્રી છે કે એનો દીકરો જે કાંઈ કરશે તે યોગ્ય જ કરશે એટલે એ વાત કરે નહીં ત્યાં સુધી ચૂપ રહેવા જ ધાર્યું.

એક દિવસ એ નમાજ પઢીને હજુ ઊભી જ થઈ ત્યાં ફોનની રીંગ વાગી. એની જાનપહેચાનમાં ખૂબ જ ઓછી વ્યક્તિઓ છે જેનાં ફોન આવે. ફોનની સ્ક્રીન ઉપર અજાણ્યાનો નંબર જોઈને નવાઈ સાથે ફોન ઉપાડ્યો. સામે છેડેથી કોઈનો મીઠો અવાજ આવ્યો, ‘હલ્લો, આપ રોશનના મમ છો ?’ ‘હા બેટા, આપ કોણ ?’ ‘હું…. હું ઈશા… રોશનની ફ્રેન્ડ.’ ‘હા, રોશને આ વખતે અહીં આવ્યો ત્યારે વાત કરી હતી. બોલ બેટા…..’ ‘એક મિનિટ, હું તમને શું કહીને બોલાવું ? માસી કે…..’ ‘તારે મોઢે જે કાંઈ સાંભળીશ તે મને ગમશે.’ ‘ઓ.કે. તો માસી, અમે જો લગ્ન કરીએ તો મારે શું ફરજિયાત ધર્મપરિવર્તન કરવું જ પડે ?’ ‘રોશને તને શું કહ્યું ?’ ‘રોશન કહે છે કે એ એના મઝહબ વિરુદ્ધ જવા નથી માગતો.’ ‘તારા મમ્મી-પપ્પા શું માને છે, બેટા ?’ ‘ઓફકોર્સ માસી, તેમને ધર્મપરિવર્તન ન જ ગમે એ સ્વાભાવિક છે.’ ‘મને લાગે છે કે આપણે સૌએ સાથે મળીને આ વાત પર વિચાર કરવો જોઈએ, તને શું લાગે છે ?’ થોડા અચકાટ સાથે તે બોલી, ‘માસી, સાચું કહું તો મારા પપ્પાએ તો મુસ્લિમ સાથે લગ્નનો વિચાર કરવાની જ ના પાડી દીધી છે. મારી મમ કાંઈ બોલી નથી પરંતુ એ વાત મેં ઘરમાં કરી ત્યારથી ખૂબ ઉદાસ રહે છે. અને એટલે જ મને એને સામે મોઢે પૂછવાની હિંમત નથી થતી.’ ‘હં બેટા, તારી મમ સાથે હું વાત કરી જોઉં તો કેમ ?’ ‘માસી, અજાણતા પણ તમારું કોઈ અપમાન કરી નાંખે તે મને ન જ ગમે અને મારી મમની ઉદાસી જોઈ એવું થવાનો મને ડર છે ! મને સાચે જ ખબર નથી પડતી, માસી !’

થોડીવાર બન્ને છેડે ચૂપકીદી. પછી ગુલશને કહ્યું, ‘બેટા, તને મારામાં વિશ્વાસ છે ને !’ ‘માસી એટલે તો રોશન પાસેથી ફોન લઈ મેં તમને ફોન જોડ્યો…. મને પૂરેપૂરો વિશ્વાસ છે.’ ‘તો પછી મને તારી મમનું નામ કહે અને ફોન નંબર આપ. હું વિચારીને એમની સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે એક મા બીજી માની વેદના સમજશે અને સ્ત્રી તરીકે પણ અમે એકબીજાને કદાચ સારી રીતે સમજી શકીશું એની મને ખાત્રી છે.’ ‘ઓ.કે. માસી. મારો ફોન નંબર આ…. છે… અને મારી મમનું નામ કામિની છે.’ ગુલશનનાં હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો ! ‘તમે ભરૂચ તરફના…’ પૂછવા માટે ઉપડેલી જીભને માંડ માંડ રોકીને, ‘ભલે, આવજે…’ કહી ફોન મૂક્યો. ગુલશનને યાદ આવ્યું. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તેનું નામ પણ કામિની હતું અને એ પણ લગ્ન કરીને પરદેશ જતી રહી હતી ! આખો દિવસ એને થયા કર્યું કે એ જ તો ન હોય કદાચ ! વળી ઈશાએ કહ્યું હતું કે જ્યારથી એણે ઘરમાં વાત કરી છે ત્યારથી એની મમ ઉદાસ રહે છે… – હાય, શું ઈતિહાસ પાછો દોહરાશે ? આખો દિવસ એના મનમાં ઘમસાણ ચાલતું રહ્યું. ફર્દીનના કેસમાં એના હાથ બહારની વાત હતી, છતાંય એણે એના સાસુ-સસરાને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું ! પરંતુ હવે તો આ વાતમાં પોતાનો અભિપ્રાય પણ મહત્વ ધરાવે છે ! શું કરું… શું ન કરું…ની મથામણ પછી એણે નિર્ણય કર્યો કે પહેલા રોશન સાથે વાત કરી એના વિચારો જાણી લઉં ! જ્યારે ઈશાએ કહ્યું કે રોશન એના મઝહબથી વિરુદ્ધ જવા માગતો નથી ત્યારે એક ક્ષણ પૂરતી એને નવાઈ લાગી હતી ! રોશન ઈસ્લામ ધર્મ પાળતો જરૂર હતો પરંતુ એ વિશે આટલા મજબૂત વિચારો ધરાવતો હશે તે ઈશાની વાત પરથી ખબર પડી. ખેર, જે હોય તે વિચારીને ગુલશને સાંજે જ્યારે રોશનનો ફોન આવ્યો ત્યારે ઈશા સાથે થયેલી વાત ટૂંકમાં કહી. એ વિશે એના વિચારો પૂછ્યા.

‘મા, મેં આની પર ખૂબ વિચાર કર્યો અને અહીં યુનિવર્સિટીમાં ઈસ્લામિક ગૃપ છે તેમના વિચારો પણ જાણ્યા. ટૂંકમાં મને લાગે છે કે આપણા મઝહબ મુજબ ઈશાએ જો મારી સાથે લગ્ન કરવા હોય તો ધર્મપરિવર્તન કરવું જ રહ્યું.’ ગુલશન રોશનના આ વિચારો સાંભળી ચોંકી ઊઠી ! ‘બેટા, જેમ આપણે આપણા મઝહબને ધ્યાનમાં રાખી નિર્ણય કરીએ તેમ ઈશાને પણ એના ધર્મ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર ખરો કે નહીં ?’ ‘મા, ઈશાએ એક જ વખત તારી સાથે વાત કરી અને તને એના પક્ષમાં લઈ લીધી ? તું એક પાક મુસ્લિમ થઈ આવું વિચારે છે ?’ ‘બેટા, હું એક માણસ તરીકે વિચારું છું અને એક સ્ત્રી તરીકે વિચારતાં મને જે યોગ્ય લાગ્યું તે મેં તને કહ્યું. લગ્ન એક પાક રિશ્તો છે. એમાં બળજબરી કે શરતો ન હોય, બેટા ! તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે ?’ ‘જો મા, એક વાત સમજી લેજે કે આ બાબતમાં હું કોઈ બાંધછોડ કરવા નથી માગતો.’ અને સામે છેડે ફોન મુકાઈ ગયો. ગુલશન થરથરી ગઈ ! રોશન યુનિવર્સિટીમાં ગયો તે વખતે ફરી ઉઠેલા પેલા ફડફડાટે આકાર લેવા માડ્યો છે તેનો એને ખ્યાલ આવી ગયો.

મનને મક્કમ કરી એણે ઈશાની મમને ફોન જોડ્યો. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તે કામિનીને એણે ક્યારેય જોઈ નહોતી. માત્ર નામ અને ફર્દિનની આંખમાં એના પ્રત્યેનો પ્રેમ જ વાંચ્યો હતો. એ જ વ્યક્તિ તો નહીં હોયના ધ્રાસકા સાથે કોઈ ફોન ઉપાડે તેની રાહ જોતી રહી. ફોન બંધ થવાની તૈયારીમાં હતો અને સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો. ‘હલ્લો, કોણ બોલો છો ?’ કોઈ સ્ત્રીનો જ અવાજ સાંભળી ગુલશનને થોડી શાંતિ વળી. ‘હલ્લો, આપ જ કામિનીબેન ?’ ‘હા, મેં તમને ન ઓળખ્યા !’ ‘હું તમારી દીકરી ઈશાનાં ફ્રેન્ડ રોશનની મા છું.’ ગુલશનનાં ત્રણ-ચાર વખતના હેલ્લો…હેલ્લો…. પછી કામિનીબેન બોલ્યા, ‘જુઓ બેન, આ વિષયમાં હું કાંઈ બોલી શકું તેમ નથી. મારા પતિએ નિર્ણય લઈ લીધો છે અને અમારા ઘરમાં એમનો નિર્ણય જ આખરી માનવા માટે અમે સૌ ટેવાઈ ગયા છીએ.’ ‘તમે મારી વાત શાંતિથી સાંભળો બેન. હું તમારો નિર્ણય બદલવાનું નથી કહેતી. હું માત્ર ઈચ્છું છું કે આ વિષે થોડી ચર્ચા-વિચારણા કરવી જોઈએ એમ તમને નથી લાગતું ? આ બે વ્યક્તિના જીવનનો સવાલ છે અને એ બન્ને આપણા બાળકો-આપણા હૃદયનાં ટૂકડાં છે !’ પછી હિંમત કરીને લાગલું જ ગુલશને પૂછી લીધું, ‘કામિનીબેન, તમે દેશમાં કઈ તરફનાં ?’ ‘મારું પિયર ભરૂચ તરફ અને સાસરું વડોદરા. અને તમે ?’ ‘અમે પણ ભરૂચના.’ મનના ધડકારને માંડ માંડ કાબુમાં રાખી ઉમેર્યું, ‘બેન, હું ફર્દીનની ભાભી થાઉં !’ સામે છેડેથી ફોન કપાઈ ગયો.

થોડા દિવસ ગુલશને કામિનીબેનનાં ફોનની રાહ જોયા કરી અને એક દિવસ સાચે જ એમનો ફોન આવ્યો. ઉદાસીભર્યા અવાજે એમણે ફર્દીનવાળી વાત ફરી ન ઉખેડવાની વિનંતી કરી અને તેમના બાળકો જે નિર્ણય લે તે તેમના પર છોડી દેવા કહ્યું. પરંતુ ગુલશનને લાગે છે કે એ લોકો એક જ દેશ, એક જ પ્રાંતમાંથી આવે છે. યુ.કે.માં પણ એક જ શહેરમાં રહે છે અને મઝહબ અને ખોરાક સિવાય ઘણી બધી વાતોમાં સામ્ય છે તો આટલો યુવાન થઈને પણ શા માટે ધર્મપરિવર્તનની જીદ રોશને રાખવી જોઈએ એ એને નથી સમજાતું ! બંને જણનું છેલ્લું વર્ષ હતું એટલે તત્કાળ એ વાતને અલ્પવિરામ મળ્યું. એ લોકોની પરીક્ષા પૂરી થઈ પછી ફરી ગુલશને રોશન સાથે એ વાત ઉખેળી. દેશમાં કેટલાય મુસ્લિમોનાં ઉદાહરણ આપ્યા જેઓએ લગ્ન પછી પણ પત્નીને તેનો જ ધર્મ પાળવા દીધો છે. કેટલાય વર્ષોથી એના મનમાં ઘોળાતી વાત પણ એણે કહી, ‘બેટા, મારી દષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર ફેરવિચારણા કરે તો….’ ‘મા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને ?’ ચર્ચાએ ચઢેલા રોશન પણ કમ્મર કસીને ચર્ચામાં ઝંપલાવ્યું. ‘જેમ દરેક નદીને તપાસવી હોય તો તેનાં મૂળમાં જવું જોઈએ, તે જ રીતે દરેક ધર્મ પર વિચાર કરવો હોય તો તે જ્યારે શરૂ થયો તે વખતના સંજોગો અને એ અત્યારના સંજોગો સાથે બંધ બેસે છે કે નહીં તે તપાસવું જરૂરી છે, દીકરા….’ દીકરાને સમજાવવામાં ગુલશને કાંઈ બાકી ન રાખ્યું. આટલી અસરકારક દલીલનો જવાબ ન મળતાં, ‘મા, તેં લૉ કર્યું હોત તો જરૂર બેરિસ્ટર બની હોત….’ કહી વાતને ત્યાં જ અટકાવવામાં આવી.

ભલે એણે વાતને ત્યાં અટકાવી દીધી પરંતુ દિલને તળિયેથી અંકુરિત થયેલા પ્રેમને કેમ કરી અટકાવવો તે એને નથી સમજાતું ! ખબર નહીં કેમ મનમાં ઉઠેલા સંઘર્ષના વમળમાં બુદ્ધિ જલ્દી ફસાતી નથી ! છતાં ય ક્યારેક મઝહબનાં એ નિયમને ફગાવી દેવાનું મન થઈ જાય છે અને ત્યારે દિલને એકદમ શાતા વળે છે પરંતુ એ પળ ઝાઝી ટકતી નથી ! એક મનમાંથી દલીલ ઉઠે ‘કોઈ ધર્મે પ્રેમ કરવાની ક્યાં ના પાડી છે ?’ તરત જ બીજું મન દલીલ કરે ‘પ્રેમ કરતાં મઝહબ વધારે મહત્વ ધરાવે છે અને આજે ઈસ્લામ ઉપર તોળાતા ભય સામે પ્રેમનું બલિદાન કાંઈ બહુ મોટી વાત નથી !’ ધર્મને ટકાવવાની અને ફેલાવવાની ભાવનાને એ સમજે છે પરંતુ હૃદય એ વાત નથી સમજતું ! ક્યારેક ઈશાની ધર્મ ન બદલવાની જીદ ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને ક્યારેક….. આખરે મનની આ સ્થિતિથી વાજ આવી…. એક દિવસ, જેણે આખી જિંદગી ક્યારેય જિદ નહોતી કરી, ક્યારેય જે માનો બોલ ઉથાપ્યો નહોતો તે દીકરો એક માસૂમ છોકરીના કૂણા દિલને ઠેસ મારી, પોતાના પ્યારનું ગળું દબોચી અને પ્યારી માની અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની ડૂસકાંની દિવાલ તોડીને, માના દૂધમાંથી એના અંતરમાં સંઘરાઈ રહેલી પેલી ચૂકેલી ધડકન જેણે એને દુનિયાથી અલિપ્ત કરી નાંખ્યો છે તેને સથવારે !

************************************************

Leave a Reply Cancel reply

Enter your comment here…Enter your comment here…

Name (required)

Website

Gravatar

NAYNA PATEL: You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Notify me of new comments via email.

Posted in વાર્તા | Leave a comment

પીળા આંસુની પોટલી

પીળા આંસુની પોટલી

ઉમાબેન પરસેવો થવાથી એકદમ જાગી ગયાં. પીરીયડ્સ ગયાં પણ ખબર નહીં આ રાત્રે પરસેવો થાય છે તે કેમેય કર્યું બંધ થતું નથી!

એક સેકંડ માટે રૂમમાં જોયું અને સાવ અજાણી જગ્યા જોઈને ગભરાઈ ગયાં-ક્યાં આવી ચઢી?

આદત મુજબ કાંડાઘડિયાળમાં જોયું, મોડું ઉઠવું ગુન્હો હોય તેમ ‘ઓ મા, સાડા દસ થઈ ગયા!’ બોલી, બાવરાં બની બેઠાં થઈ ગયા.

પછી બાજુમાં નસ્કોરાં બોલાવતાં પતિ મહેશ તરફ નજર ગઈ.

યાદશક્તિને ખાલી ચઢી ગઈ હતી!

ઊં…ડો શ્વાસ લીધો.

આંખ ખુલ્યા પછી હજુ હમણા યાદશક્તિ ઉઠી.

હવે યાદ આવ્યું, હજુ ગઈકાલે જ તો એમના દીકરાને ત્યાં પહેલી વખત યુ.કે આવ્યા!

ખૂણામાં ટમટમતાં નાઈટ લેમ્પનાં ઝાંખા અજવાળામાં બધું સ્પષ્ટ થતું ગયું.

લંડનનો સમય ઈન્ડીયાથી સાડા ચાર કલાક પાછળ અને પ્રવાસનો થાક હતો એટલે ગઈકાલે વ્હેલા સૂઈ ગયા હતા તે યાદ આવ્યું.

અહીં કેટલા વાગ્યા હશે? વિચારી ઝાંખા અજવાળામાં ચારેબાજુ ભીંત પર નજર ફેરવી-ક્યાંય ઘડિયાળ દેખાઈ નહીં.

રાત્રે દ્વીજે કાંડાઘડિયાળમાં ટાઈમ બદલવાનું કહ્યું ત્યારે જ બદલી નાંખ્યો હોત તો સારું.

પરંતુ ત્યારે એટલો જલ્દી ઈન્ડિયાનો ટાઈમ બદલવાનું મન ન થયું!

આસ્તેથી ઉઠી પડદાનો ખૂણો ખસેડી બારી બહાર નજર નાંખી. મકાનોનાં ઓળાઓ અને ઊંચા ઊંચા ઝાડોની પાછળ સંતાઈને બળતી સ્ટ્રીટ લાઈટ્સનાં અજવાળામાં દરેક ઘરો આગળ નિષ્પ્રાણ ઊભેલી ગાડીઓ સિવાય સૂનકાર હતો.

ન કૂતરાંઓનો ભસવાનો અવાજ, ન તો રાત-દિવસ જોયા વગર જ સતત વાગતાં રહેતાં વાહનોનાં હોર્નનો ત્રાસદાયક શોરબકોર કે ન તો ટી.વી.થી માંડી મોટે મોટેથી પૂજા કરતાં, આરતી ઉતારતાં કે વાતો કરતાં,-ઝગડતાં પડોશીઓનો અવાજ! નકરી સ્તબ્ધતા!

ત્યાં તો મહેશભાઈની આંખો પણ ઉઘડી ગઈ. રોજની ટેવ પ્રમાણે બાજુનાં ટેબલ પર રાખેલાં ચશ્મા લેવા હાથ લંબાવ્યો અને ચશ્મા હાથ આવે તે પહેલાં તો એલાર્મ સાથે હાથ અફળાયો. ઉમાબેન એ પકડી લે તે પહેલાં ‘ધમ્મમ..’ અવાજ સાથે એલાર્મ નીચે પડ્યો. એ ઉઠાવતાં ઉઠાવતાં એમની નજર ઘડિયાળ પર ગઈ ત્યારે ખબર પડી કે સવારે છ થવાની તૈયારી છે.

બન્ને પતિ-પત્નીની નજર મળી, ધીમે સ્વરે ‘જેશ્રીકૃષ્ણ’ કહ્યું અને એલાર્મ પડવાથી કોઈ જાગી તો ગયું નથી ને એ શંકાએ બારણા તરફ જોયું.

મહેશભાઈ પણ આળસ મરડી પથારીમાં બેઠાં થયાં.

ઉમાબેનને તો પેલો બહારનો સૂનકાર આભડી ગયો ન હોય તેમ, પ્રાર્થના કરવાનું ભૂલીને ગૂમસૂમ બની ખાટલામાં બેસી રહ્યાં!

મહેશભાઇ પણ ઉઠ્યા અને બારીનો પડદો હટાવી બહાર જોયું.

એમને ય પેલી સ્તબ્ધતા સ્પર્શી ગઈ હોય તેમ પાછા આવી ઉમાબેન પાસે ખાટલામાં બેસી રહ્યાં, પછી મનમાં કાંઈ સંચાર થયો હોય તેમ બોલ્યા, ‘છ થયાં તો ય બહાર કેટલું અંધારું છે!’

બહાર ઉભરાતી નિઃશબ્દતાએ બન્ને પતિ-પત્નીની અંદરની દુનિયાને ઢંઢોળી મુકી-

ઈન્ડીયામાં આ સમયે તો ઉમાબેનનું પ્રાતઃકર્મ પતી ગયું હોય, રાતનાં સુધારી રાખેલું શાક વઘાર્યા પછી મહેશભાઈને ઉઠાડે, ચ્હાનું પાણી મુકે સાથે સાથે કુકર મુકે. આખું ઘર ચ્હાની સુગંધથી મ્હેંકી ઉઠે. ન્હાતાં ન્હાતાં શિવમહીમ્નસ્તોત્ર ગાતાં મહેશભાઈ સાથે ઉમાબેન ગણગણતાં જાય, ક્યારેક એ ગણગણવામાં કૂકરની વ્હીસલ ગણવામાં ગોટાળા થાય અને પછી….પછી….ક્ષણવારમાં તો બન્ને જણે ભારતમાં આવેલાં તેમનાં ઘરની સવાર જીવી લીધી.

નવો દેશ, નવું વાતાવરણ, ન સમજાતી ભાષા, અજાણ વહુ અને પાંચ વર્ષમાં એકલો રહીને પીઢ થઈ ગયેલો તેમેનો લાડકો પુત્ર દ્વીજ-કેમ ગોઠશેની મૂંઝવણ.

હજુ તો કાલે જ આવ્યા છે, અહીંની ઘટમાળમાં આજથી ગોઠવાવું પડશે!

દ્વિધાનું એક વાદળ જાણે રુમમાં છવાઈ ગયું.

દિવસે સાડીની દુકાનમાં સેલ્સમેનનું કામ કરી અને રોજ રાત્રે નામું લખી લખી મહેશભાઈએ અને હાથ લાગ્યા તેવાં ઘર બેઠાં કરી શકાય તેવાં બધાં જ કામો કરી કરીને ઉમાબેને મોંઘવારીના જમાનામાં ત્રણે સંતાનોને ગ્રેજ્યુએટ કર્યાં. એટલું જ નહીં  બન્ને દીકરીઓને પરણાવી, દ્વીજને વધુ અભ્યાસ માટે યુ.કે. પણ મોકલાવ્યો. હવે છેલ્લા બે વર્ષથી બન્ને જણ ઘરે એકલા પડ્યા છે.  ‘અલો’ અને ‘અલી’ની સ્વતંત્રતા કોઠે પડવા માંડી છે અને ત્યાં તો દ્વીજથી ભારત આવી શકાય તેમ ન્હોતું એટલે મમ્મી-પપ્પાને યુ.કે બોલાવ્યા.

પાંચ વર્ષથી દૂર રહેતા દીકરા અને તેની પત્નીની ઘટમાળમાં આજથી એ રીતે ભળવાનું છે કે જેથી એ લોકોને કોઈ મુશ્કેલી ન પડે-દીકરાને મળવાના આનંદ અને પુત્રવધૂને જોવાની ઉત્સુક્તાની અંદર જાણે મુંઝવણનું એક બિંદુ મોટુંને મોટું થવા માંડ્યું!

થોડી સ્વસ્થતા મેળવી મહેશભાઈએ આસ્તેથી રુમનું બારણું ખોલ્યું અને ટૉયલેટ તરફ જતા જ હતાં ત્યાં તો દ્વીજ પણ એના રુમમાંથી નાઈટગાઉનનો બેલ્ટ બાંધતા બાંધતા નીકળ્યો.

બગાસું ખાતાં ખાતાં ‘જેશ્રીકૃષ્ણ ડેડ, ઊંઘ આવી હતીને બરાબર’ બોલી મહેશભાઈ પાસે ગયો પછી માફી માંગતા સ્વરે કહ્યું, ‘સોરી હં પપ્પા, રીયાનાં ‘ડેડ’ને…..

‘કાંઈ વાંધો નહી બેટા,’ કહી ઘરમાં એક જ બાથરુમ હોવાથી હવે બાથરુમમાં જવું કે નહી તેની દ્વિધામાં ઊભા રહી ગયા.

બાથરુમ તરફ હાથ કરી દ્વીજે મહેશભાઈને જવા કહ્યું અને ઉમેર્યું, ‘પપ્પા, જરાક ઉતાવળ કરશો? મારે અને રીયાને જોબ ઉપર જવા માટે પોણા આઠે ઘરેથી નીકળી જવું પડે છે.’ કહી ઉમાબેન સૂતા હતાં તે રુમ તરફ જવા પગ ઉપાડ્યાં.

મહેશભાઈથી થઈ એટલી ઉતાવળ કરી બાથરુમની બહાર આવ્યા અને તેમના બેડરુમમાં જતાં જતાં બોલ્યા, ‘જા દ્વીજુ, તારે જવું હોય તો’. રુમમાં જઈ જોયું તો દ્વીજ એની મમ્મીનાં ખોળામાં માથું મુકી આડો પડ્યો હતો અને ઉમાબેન પ્રેમથી એને માથે હાથ ફેરવતાં હતાં.

ત્રણેય જણની નજર મળી અને એક ક્ષણમાં તો રુમ બની ગયો અમદાવાદનાં તેમના નાનકડાં મકાનની અગાસી! રોજ સાંજે પરવારીને સૌનો સાથે ફરવા જવાનો અને બરફના ગોળા ખાઈને ઘરે આવી ધાબે જઈને નિરાંતે બેસવાનો કાર્યક્રમ એકદમ ફીક્સ. ઉમાબેનને શાક સુધારવું હોય તો પણ થોડીવાર માટે તો એ લોકોને તેમના ખોળામાં માથું રાખીને સુવા દેવું જ પડે. મમ્મીનાં ખોળામાં કોણ બે જણ પહેલા માથું રાખે તેની હરિફાઈ થતી. દ્વીજ તો ઉમાબેન બેસે ન બેસે ને ખોળામાં માથું મુકી દેતો પછી સુરીલી કે પૃથાનો વારો આવતો. રોજ એને માટે થતાં મીઠા ઝગડાં યાદ આવતાં જ ત્રણે ય જણનાં મોં મલકી ઉઠ્યાં! જેને મમ્મીનાં ખોળામાં જગ્યા ન મળે તેને માટે પછી પપ્પાનો ખોળો તો હોય જ! બાળકો પાસેથી મળેલાં એ નિસ્વાર્થ પ્રેમ અને વિતેલાં દિવસનું સુખ મહેશભાઈની આંખોમાં આંસુનું બુંદ બનીને ચમકી ઉઠ્યું.

ઉઠતાં ઉઠતાં દ્વીજે ઉમાબેનને કપાળે ‘વ્હાલી’ કરી ‘લવ યુ મમ’ કહી બાથરુમમાં ગયો.

પાંચ પાંચ વર્ષ પછી મળેલા સુખને આખા અસ્તિત્વમાં ભરી લેતાં હોય તેમ ઉમાબેન હજુ ય આંખો બંધ કરીને બેઠાં હતાં એ જોઈને મહેશભાઈને -જ્યારે બાળકો સાવ નાના હતાં અને બે-ત્રણ વખત સ્તનપાન ન કર્યું હોય અને પછી જ્યારે તેમ કરે તે વખતની બાળક્નાં મોઢા પરની તૃપ્તિ અને ઉમાબેનનાં અસ્તિત્વમાંથી ટપકતો પરમ સંતોષ યાદ આવી ગયાં રુમ છોડીને ગયેલાં દ્વીજનાં મોઢા ઉપર એ તૃપ્તિ ફરી જોઈ અને હમણા આંખો મીંચીને બેઠેલાં ઉમાબેનનાં આખા અસ્તિત્વમાંથી એ જ સંતોષ નીતરતો હતો! પિતા અને માતાની સ્નેહની અભિવ્યક્તિમાં માતા કેમ શ્રેષ્ઠ તે એમને આજે સમજાયું. એક ક્ષણ માટે પુરુષ હોવાનો-પિતા થવાનો વસવસો થયો!

એ લોકોને યુ.કે આવ્યાને લગભગ મહિનો પુરો થવા આવ્યો.

આ એક મહિનામાં બન્ને જણને ભારતીયતાનો કાંઈ અવનવો અનુભવ થવા માંડ્યો. અહીં રહેતાં ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે પરંતુ બિલ્કુલ સુરતનાં ‘ઉંધિયા’ જેવું! સ્વાહિલિ(આફ્રિકાની ભાષા), ગુજરાતી અને અંગ્રેજીનું અદભૂત ‘મિશ્રણ’ તેના પર સૌરષ્ટ્રીયન, સુરતી, અમદાવાદી, વડોદરાનાં, મહેસાણાનાં, ચરોતરનાં, ભરુચ જીલ્લાનાં- એમ વિવિધ ઉચ્ચારોનો ‘વઘાર’! આ દેશમાં ઉછરેલા યુવાનો અને યુવતીઓ ઈંગ્લિશ બોલે તો એકદમ અંગ્રેજ જ લાગે પરંતુ જેવું ગુજરાતી બોલે કે તરત જ તેનાં માતા-પિતા ઉત્તર કે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે તેનો ખ્યાલ આવી જાય.

હજુ ય ‘રતલ’નાં માપમાં ખરીદતાં લોકો! સામાજીક વ્યવહારો અને રીત-રિવાજ જાળવવાનાં આગ્રહી અને અહીંની ઋતુ અનુસાર અને જોબની માન્યતા મુજબ પહેરવેશ પહેરતાં ગુજરાતીઓની જીવનશૈલી ભલે બદલાઈ ગઈ હતી પરંતુ ગુજરાતીપણું ભરપૂર જોયું.

ધીમે ધીમે બન્ને જણ અહીંના વાતાવરણથી પરિચિત થવા માંડ્યાં છે અને તેમાં અનુકૂળ થઈને જીવવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે.

સવારે દ્વીજ અને રીયા જોબ ઉપર જાય પછી સાફ-સફાઈ અને રાંધવાનાં રોજીંદા કામની સાથે સાથે નવરાશનાં સમયમાં નાસ્તા બનાવ્યા, મુખવાસ બનાવ્યો, કપડાંને ઈસ્ત્રી કરે-જે કોઈ કામ દેખાયું તે કર્યું પણ તો ય ઉમાબેનનો સમય કેમેય કર્યો ખૂટતો નથી. મહેશભાઈ પણ ઉમાબેનને બધાં જ કામોમાં મદદ કરે પણ હવે તો એમને ય કંટાળો આવવા માંડ્યો છે.

રીયાનાં મમ મધુબેન  અને ડેડ ઠાકોરભાઈ શોપીંગ કરવા જતા હોય, મંદિરે કે બપોરનાં સમયે વૃધ્ધો માટે ચલતી પ્રવૃત્તિઓમાં જતા હોય તો હંમેશા સાથે આવવા આગ્રહ કરે, લઈ જાય અને તો ય…….

દીકરાને મળી લીધું એટલે ઉમળકો ઓસરવા માંડ્યો કે, ભારતનો વિયોગ લાગવા માંડ્યો, કે અપરિચિત જગ્યાની મુંઝવણ હતી કે આવકાર ઠંડો લાગ્યો કે ઘરથી ક્યારેય દૂર ન્હોતાં ગયા તેથી અજંપો હતો કે….કે….કાંઈ ખબર ન્હોતી પડતી પરંતુ દરેક પળે મન ઘર તરફ તસુ તસુ ખેંચાતુ જતું હતું.

ઈન્ડિયા હતો ત્યારે ઘર બહાર બનતી બ..ધ્ધી જ વાત મમ્મીને વિસ્તારથી કરતો દ્વીજ પુખ્ત બની ગયો છે-તેમને લાગ્યું કે જાણે પાંચ વર્ષ પહેલાના તેમના દ્વીજની નિખાલસતા, વાચાળતા અને ચંચળતા યુ.કે.ની ઠંડીમાં ઠરી ગયા છે કે ક્યાં તો પાંચ વર્ષની એકલતાએ  શોષી લીધા છે.

સાંજે વહુ-દીકરો જોબ ઉપરથી આવે ત્યારે વાક્યોની નહીં પરંતુ માંડ માંડ શબ્દોની આપ-લે જ થતી હોય અને પછી ચાર-ચાર વ્યક્તિઓ ઘરમાં હોવા છતાં ટી.વી.નાં અવાજ સિવાય બધું જ ખામોશ!

એ લોકો અને ખાસ કરીને રીયા થાકી હશે એટલે વાતો ઓછી કરે છે એમ મનને મનાવ્યા કરે છે. છતાં- રીયા અભિમાની છે કે શાંત-એ નક્કી ન કરી શકવાની ગડમથલ છે-એક અણગમતો વિચાર પણ આવે છે-કે…કે એ લોકો અહીં આવ્યા એ એને ગમ્યું નહીં હોય!

કાંઈ સમજ પડતી નથી.

પૂછે તો ય કોને પૂછે?

દ્વીજ અને રીયા અંદર અંદર વાતો મોટેભાગે ઈંગ્લિશમાં જ કરે, પરંતુ દ્વીજને ખ્યાલ આવે એટલે તરત ગુજરાતીમાં બોલે પણ રીયાને એ ફાવતું જ નથી. એ લોકોએ એ પણ નોંધ્યુ કે દ્વીજ સાથે જ્યારે ગુજરાતીમાં વાત થતી હોય ત્યારે વાતમાં રસ લેવાની જગ્યાએ ગુપચૂપ તેનું કામ કરતી રહે અથવા એ ભલું અને એનું લેપટોપ ભલું!

અને આ વતાવરણમાં ચૂપચાપ રહેવાથી અજાણપણે જ એક ‘ઓશિયાળાપણા’નો ઓળો એ લોકો પર મંડરાવા માંડ્યો છે. કેટલું વિચિત્ર છે કે જે સામાન્ય રીતે એક વહુ એનાં સાસરે અનુભવે એ લાગણી આજે સાસુ-સસરા અનુભવે છે!

અને એકવાર રીયાને એનાં જોબ ઉપરથી બીજા શહેરમાં બે દિવસની કોન્ફરન્સ એટેન્ડ કરવા જવાનું થયું અને ત્યારે યુ.કે.આવ્યા પછી પહેલીવાર દ્વીજ સાથે એકલા રહેવાનું બન્યુ.

શનીવારે જોબ ઉપર જવાનું ન્હોતું એટલે મોડા ઉઠેલા દ્વીજનાં દીલો-દિમાગને કોઈ પરિચિત સુગંધે તરબતર કરી દીધો!

નીચે આવીને જોયું તો એની મનપસંદ મસાલાપુરી, છુંદો અને આદુ, એલચી નાંખીને ઉકળતી મસાલાવાળી ચ્હા!

દ્વીજનું ‘વાઉવ’ સાંભળીને ઉમાબેનને અહીં આવવાનું સાર્થક થઈ ગયું લાગ્યું!

રીયાની ગેરહાજરીએ ઉમાબેનનાં અસ્તિત્વને જાગ્રત કરી નાંખ્યું.

ઉમાબેન અને મહેશભાઈને ખબર નહીં કેમ પણ રીયા વગરનો દ્વીજ પોતાનો લાગ્યો.

અત્યાર સુધી દીકરાને ત્યાં નહી પરંતુ ‘વહુને’ ત્યાં રહેવા આવ્યા હોય તેવું જ લાગતું હતું. આજે પ્રથમવાર દીકરાને ત્યાં આવ્યાનો ઉમંગ ઉમટ્યો.

એ લોકોને વ્હેમ પડ્યો કે ખબર નહીં સાચ્ચે જ રીયા વગરનો દ્વીજ પણ એ લોકોને એકદમ રીલેક્સ લાગ્યો!

આમ તો યુ.કે.માં મોટેભાગે જોબ ઉપર જતાં સૌ સાંજે એકવાર જ જમતાં હોય એટલે હવે ઉમાબેન અને મહેશભાઈએ પણ બપોરનાં નાસ્તા જેવું કાંઈ કરી સાંજે જ જમવાની ટેવ પાડવા માંડી હતી તેને આજે તિલાંજલી આપી અને ઉમાબેને બપોરના જમવાની તૈયારી કરવા માંડી.

દ્વીજ ન્હાવા ગયો. બ્રેકફાસ્ટનાં વાસણો ડીશવૉશરમાં મુકતાં ઉમાબેનની અને તેમાં મદદ કરતાં મહેશભાઈની નજર મળી અને ઘણે દિવસે એક સંતોષનું સ્મિત બન્નેનાં મોં પર પથરાઈ ગયું.

પાંચ વર્ષની કાંઈ કેટ………….લીય વાતો કરવાની બાકી હતી!

આજે દ્વીજને ભાવતી ગળી રોટલી, કઢી અને બટેટાનું કોરું શાક બનાવતાં બનાવતાં ઉમાબેન અને એ બનાવવામાં મદદ કરતાં બાપ-દીકરાને જે યાદ આવી તે વાતો કરતાં ગયાં…વાતમાંથી વાત ફૂટતી રહી અને એ કરતાં કરતાં ત્રણેય જણનાં મોઢા પર આનંદની વેલ પાંગરતી રહી!

દ્વીજ યુ.કે. આવી ગયો પછી બનેલી બધી જ ઘટનાઓ જીવતી બની ગઈ!

આડોશ-પાડોશથી માંડી, મહેશભાઈની નોકરીની વાતો અને મામા-મામી, કાકા-કાકી અને તેમનાં આખાય કુટુંબની વાતો, સુરીલી અને પૃથાનાં લગ્નની વાતો અને દ્વીજના દોસ્તોનાં લગ્નની…..વાતો અને વાતો અને…..વાતોમાંને વાતોમાં સાંજ પડી ગઈ.

‘પ્રશ્નાર્થચિન્હ’ જાણે ‘ઉદ્દગાર’ ચિન્હમાં  પરિવર્તન પામ્યું હોય તેમ ‘આમ કેમ’ની મુંઝવણ ‘હાશ!’ બની ગઈ!

ટી.વી., રેડિયો અને સી.ડી.પ્લેયરને પણ આજે મૂંગા થઈ જવું પડ્યું.

સાંજે દ્વીજે પીત્ઝા મંગાવી લીધા તેને ન્યાય આપી સૌએ સોફા પર જમાવ્યું.

ત્યાં તો રીયાનો ફોન આવ્યો. દ્વીજ ફોન લઈને બાજુનાં રુમમાં ગયો. પતિ-પત્નીએ એકબીજા તરફ જોયું. હોટઍર બલુનમાંથી હવા નીકળી જાય તેવું કંઈક થયું. અત્યાર સુધી મુક્ત બની ગયેલું વતાવરણ ખામોશીનો આંચળો ઓઢવા તૈયાર થઈ બેઠું.

દ્વીજે પાછા આવી અટકેલી વાતનો દોર સાધ્યો, ‘હં મમ્મી, ઈટીઝ ઇન્ટ્રેસ્ટીંગ, પછી રીતેશે શું કર્યું?’

અચાનક ભારે થઈ ગયેલા વાતાવરણને હળવું કરવા મહેશભાઈએ પૂછ્યું, ‘બધું બરાબર છે ને? રીયાને મઝા આવે છે કે નહીં?

દ્વીજને હજુ પેલા બદલાયેલા વાતાવરણની અસર પહોંચી ન્હોતી લાગતી, ‘યા, શી ઈઝ એન્જોયીંગ.’ પછી જાણે એ વતાવરણનો પડછાયો જોયો હોય તેમ કંઈક ક્ષોભ સાથે કહ્યું, ‘એ તો મેં ઘરની સાફ-સફાઈ કરી કે નહીં તે પૂછતી હતી.’

શાંત થઈ ગયેલી મમ્મીની સામે જોઈ ઉમેર્યું, ‘મમ, અમે બન્ને જોબ ઉપર જઈયે ને એટલે શનીવારે સાથે મળી હુવર, લોન્ડ્રી અને સાફ-સફાઈ કરી નાંખીયે’

જોકે આમ તો અહીં આવીને એ લોકોએ દર શનીવારે એ જોયું જ હતું ને? એ કાંઈ હવે નવું ન્હોતું એમને માટે છતાં થોડીવાર પહેલાનાં વતાવરણને ફરીને પ્રસ્થાપિત કરવાનાં દ્વીજના પ્રયત્નને તેઓ જોઈ શક્યા.

‘લે ઈન્ડીયા હતો ત્યારે મને તો તેં ક્યારે ય મદદ નથી કરી’ ઉમાબેનની ફરિયાદ વ્યાજબી હતી!

‘એ તારો વાંક ઉમા, રીયાએ માંડ માંડ એને સુધાર્યો છે જો જે એને પાછી બગાડતી!’ મહેશભાઈની મજાકે પેલા ભારે થતાં વાતાવરણને એક ધક્કો માર્યો.

વાત રીયાની નીકળી જ છે એટલે ઉમાબેને હસતાં હસતાં સહજ પૂછી જ લીધું, ‘દ્વીજુ, રીયા હંમેશા આટલી શાંત છે કે પછી અમે આવ્યા એટલે……..’

‘મને થતું જ હતું કે તમને રીયા કેમ વધુ બોલતી નથી એ પ્રશ્ન સતાવતો જ હશે. પણ મમ એ આમે ય શાંત સ્વભાવની છે અને તેમાંય…….’

બોલતાં બોલતાં અટકી ગયેલા દ્વીજ સામે બન્ને જણે જોયા કર્યું પછી ઉમાબેને વાક્યને ઝીલીને આગળ વધાર્યું, ‘બોલ બેટા, તેમાંય….શું?’

‘તેમાં ય મમ, અહીં ઉછરેલી એની બીજી ફ્રેંડ્સનાં મોઢે સાસુ-સસરાનાં જુદા જુદા અનુભવો સાંભળી થોડી મુંઝાયેલી રહે છે. ને તેમાં પપ્પા, એને ગુજરાતી સરખું બોલતા ન ફાવે એટલે વાત કરતાં ક્ષોભ અનુભવે છે. ડોન્ટ ટેઈક હર રોંગ મમ, એને થોડો સમય આપો જેમ જેમ તમને ઓળખતી થશેને તેમ તેમ એનો સંકોચ દૂર થશે.’

હવે જાણે ઉમાબેનનો રીયાની વાત કરવાનો ક્ષોભ ઓછો થયો હોય તેમ કહ્યું, ‘અને બેટા, બીજું સત્ય એ છે કે જેમ તમે બન્ને તેમ હું અને તારાં પપ્પા પણ છેલ્લા બે વર્ષથી સ્વતંત્ર રહેવા માટે ટેવાઇ ગયા છીએ એટલે સાવ અપરિચિત વ્યક્તિઓ સાથે રહેવાનું મુંઝવે તો ખરું જ ને?’ ઉમાબેનની આ નિખાલસતા દ્વીજને ગમી.

‘ધેટ્સ ટ્રુ’ કહી દ્વીજે વાતનો વિષય બદલ્યો, ‘ અરે હા, હજુ તો મેં તમને અમારા લગ્નનાં ફોટા ય બતાવ્યા નથી.’ કહી ઉમળકાભેર માળ ઉપર આલ્બમ લેવા ગયો.

હોંશે હોંશે લાવેલા આલ્બમમાં હજુ તો ફોટા જોવાં શરુ જ કર્યા અને ઉમાબેનની આંખો છલકાઈ ઉઠી.

ભણવાનાં વિઝા લઈને આવેલા દ્વીજને સાથે ભણતી રીયા ગમી અને બ્રિટનમાં જ જન્મેલી અને ઉછરેલી રીયાને પણ નિખાલસ, વાચાળ અને આનંદી દ્વીજ ગમી ગયો! યુ.કે.ના ઈમીગ્રેશનનાં કાયદા મુજબ લગ્ન કરી એક વર્ષ બન્ને પતિ-પત્નીએ સાથે રહી એ લગ્ન સગવડીયા નથી તે બતાવી લગ્નની ગંભીરતાને સાબિત કરવી પડે. એટલે  દ્વીજનાં ભણવાનાં વિઝા પુરા થાય તે પહેલાં એ લોકોને લગ્ન કરી લેવા પડ્યાં.

ધામધૂમથી વ્હાલા દીકરાનાં લગ્ન કરવાનાં ઉમાબેન અને મહેશભાઈનાં ઉમળકાનું સંજોગોએ ગળું ટૂંપી દીધું હતું તેથી મનને ખૂણે ધરબાયેલી વેદના આ રીતે વરસી પડી.

બન્ને દીકરીઓનાં લગ્નપ્રસંગોએ દ્વીજેને પળ પળ યાદ કર્યો હતો! અરે, ઘરનો કોઈ પ્રસંગ એવો ન્હોતો ગયો કે જેમાં ઘરનાં સૌને દ્વીજની ખોટ ન સાલી હોય! પ્રસંગની વાત જવા દઈયે તો પણ દ્વીજને ભાવતી વાનગી બનાવતાં બનાવતાં, ઘર માટે ફર્નીચર ખરીદતાં….અને એવી તો કાંઈ કેટલી ય વખત, રોજ જ એ યાદ આવ્યો છે!

ફોન પર વાત કરીને મન મનાવાનાં ‘પ્રયત્નો’ હતાં-એ દ્વીજની ખોટ તો ન જ પૂરે ને?

આજે, આ આલ્બમે, મનનાં અગોચર ખૂણે મોંએ હાથ દઈ બેઠેલી પાંચ પાંચ વર્ષ સુધી વેંઢારેલી પુત્રવિરહની વેદનાનું મોં અચાનક ખોલી નાંખ્યું!

કોઈ પણ શબ્દોની આપ-લે વિના ત્રણે ત્રણ જણનાં વહેતાં આંસુઓએ, આખો દિવસ બેબાકળી બની વહેતી પાંચ પાંચ વર્ષોની સંચિત વાતોને શાંત કરી દીધી.

સોફામાં વચ્ચે દ્વીજ બેઠો હતો અને આજુબાજુ ઉમાબેન અને મહેશભાઈ.

આંસુઓ લુછી મહેશભાઈએ આલ્બમને રસપૂર્વક જોવાનો પ્રયત્ન આરંભવા દ્વીજના ખોળામાં રાખેલા આલ્બમનું પાનું ફેરવ્યું.

દ્વીજ-રીયાનો એકબીજાને હાર પહેરાવતો ફોટો ખુબ સુંદર હતો.

બેગ્રાઉંડમાં ફક્ત રીયાનાં સગા-સંબંધીઓ!

દ્વીજ એમના જીગરનો ટૂકડો એમના જીવનનો એક અગત્યનો ભાગ અને એનાં લગ્નમાં એ લોકોનું નમો-નિશાન નહીં!!!!

શું બોલવું તેની દ્વિધામાં દ્વીજે ફોટામાં ઊભેલા સૌની ઓળખાણ આપવા માંડી….’આ રીયાનાં મામા-મામી, આ એનાં કાકા-કાકી….’

ઓળખાણ આગળ ચાલતી હતી. દ્વીજે ઉમાબેનને શૂન્યમનસ્ક બેઠેલા જોયાં પરંતુ તેમને ઢંઢોળવાની હિંમત એ ન કરી શક્યો.

હવે આવ્યા રીયાનાં લગ્ન પહેલાંની વિધિઓનાં ફોટા.

એક સેકંડ માટે ઉમાબેનને આલ્બમ બંધ કરી દેવાની ઈચ્છા થઈ આવી.

મહેશભાઈ અને દ્વીજ બન્નેને ઉમાબેનની મનોસ્થિતીની ખબર હતી તેની સરખામણીમાં મહેશભાઈએ ખુબ જલ્દી સ્વસ્થતા મેળવી લીધી હતી.

પોતાનાં જ દીકરાનાં લગ્ન પારકાં બનીને જોવાનો આ તે કેવો અજંપો?

ત્યાં તો ફેરવાતાં જતાં આલ્બમનાં એક પાના પર દ્વીજ અટકી ગયો.

ત્રણે જણની નજર થોડા આનંદના આવેશમાં સ્થિર થઈ ગઈ.

કોઈ સાવ જ અપરિચિત લોકોની વચ્ચે બેઠેલાં દ્વીજને પીઠી લગાવવાની વિધિનો ફોટો હતો.

ત્યાં તો દ્વીજ ઉઠ્યો અને ‘હમણાં આવું છું’ કહીને ઉપર ગયો અને વળતી જ ક્ષણે એક સફેદ કપડાંમાં બાંધેલી પોટલી લઈને આવ્યો.

ઉમાબેનનાં પગ પાસે નીચે બેસી ગયો.

એક નજર મમ્મી-પપ્પા પર નાંખી આસ્તેથી પોટલી છોડી.

પેલા સ્થિર થઈ ગયેલા આલ્બમના પાના પર દેખાતાં સૂકાઈ ગયેલી પીઠીવાળા કપડાં એમાં હતાં.

દ્વીજ એ કપડાં સામે અનિમેષ નજરે જોઈ રહ્યો. પછી નીચું જોઈને જ એક ઊંડો શ્વાસ લઈ બોલ્યો, ‘ મમ, ડેડ, આ કપડાં મેં સાચવી રાખ્યા છે કેમ ખબર છે?

જવાબની અપેક્ષાએ બન્ને જણે એની સામે જોયું. પરંતુ પોટલીની ઉકલેલી ગાંઠો સાથે દ્વીજનાં મનઃચક્ષુમાં એ દિવસ ખુલી ગયો.

લગ્નનું એટલું તો જલ્દી ગોઠવવું પડ્યું કે લગ્નના બે દિવસ જ બાકી રહ્યાં ત્યાં સુધી એને ‘પોતાનાં સ્વજનો વિના શું કરશે’ તેનો વિચાર કરવાનો પણ ચાન્સ ન્હોતો મળ્યો.

જરુરી બધી જ ગોઠવણો રીયાના ડેડી અને ભાઈએ કરી લાધી હતી.

કંકોત્રી લખવાનો તો સવાલ જ ન્હોતો એટલે રીયાના સગાં-સબંધીઓને ફોનથી જ આમંત્રણો આપી દેવાયા હતાં.

રીયાની વ્યવહારકુશળ મમ મધુબેને ફોન કરીને ઉમાબેન અને મહેશભાઈને પણ વ્યવહાર મુજબ લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

બન્ને દીકરીઓનાં લગ્નનાં ખર્ચા માટે લીધેલી બેન્ક લોન હજુ તો ભરાતી હતી ત્યાં આમ ઓચિંતા દીકરાનાં ઘડીયા લગ્ન લેવાયા તેમાં જવું ઉમાબેન અને મહેશભાઈ માટે અસંભવ હતું. મહેશભાઈની નોકરી ચાલુ હતી એટલે તો લોન મળી! બન્ને દીકરીઓનાં લગ્નમાં રજાઓ પણ ખર્ચાઈ ગઈ હતી.

ટૂંકમાં લગ્નમાં જવાની ઈચ્છા અને ઉત્સાહને ચૂપ જ રહેવું પડ્યું!

લગ્ન પહેલા અને પછીના કામોની કોને કઈ જવાબદારી આપવી તે નક્કી કરવા ભેગા થયેલા રીયાનાં એક સગાંએ હસતાં હસતાં દ્વીજને એના કોઈ સગાં-સંબંધી યુ.કે.માં રહે છે કે નહી તે પૂછ્યું.

‘ના’ કહેતાં દ્વીજને થયું કે એનાથી હમણા રડી પડાશે.

યુનિ.ની ટર્મ પૂરી થઈ ગઈ હતી એટલે રેસીડેન્સિયલ ફ્લેટ દ્વીજે આપી દઈને ટેમ્પરરી બીજે રહેવાની ગોઠવણ આમે ય કરવાની જ હતી એટલે અને લગ્નની તૈયારીઓ કરવાની હતી એટલે ભાવિ સસરા અને સાસુમાના અગ્રહને માન આપી દ્વીજ એ લોકોને ત્યાં રહેવા માટે આવી ગયો હતો.

પ્રશ્ન એ ઉભો થયો કે લગ્ન પહેલાં વર-વધૂએ એક બીજાનું મોં ન જોવાનો રિવાજ છે તો હવે દ્વીજ માટે ‘કોઈ’ને ત્યાં રહેવાની ગોઠવણ કરવી પડશે!

ક્ષોભ અને સંકોચથી એ કોકડું વળી જતો હતો.

સ્વજનો અને ખાસ કરીને મમ્મી અને પપ્પાનું અસ્તિત્વ જ પૂરતું નથી તેમનું અહીં હોવું જરુરી હતું!

ઓશિયાળાપણાનો દ્વીજે અનુભવેલો આ પહેલો પ્રસંગ!

ઠાકોરભાઈનાં મિત્રે એ જવાબદારી હોંશભેર ઉપાડી લીધી અને તે જ સાંજે તેઓ દ્વીજને પોતાને ઘરે લઈ આવ્યા.

તે રાત્રે ખુલ્લી આંખે સુતાં દ્વીજે, સંસારનાં ઘણા બધા સમાજની સ્ત્રીઓને થતો આ ‘ઓશિયાળાપણા’નો અનુભવ કદાચ પહેલીવાર એક પુરુષ તરીકે અનુભવ્યો અને મનોમન સ્વીકાર્યો. મનમાં ઉગી રહેલાં સ્ત્રીઓ તરફનાં આદરથી કે મમ્મી-પપ્પા અને બહેનોની ગેરહાજરીથી ઉદભવેલા શૂન્યાવકાશથી એની આંખો આખી રાત ભીંજાતી રહી.

બે દિવસ રહીને લગ્ન હતાં. સૌ સૌનાં કામમાં વ્યસ્ત હતાં માત્ર કોઈ કામ ન્હોતું તે રીયા અને દ્વીજને!

આ આખા ય પ્રસંગમાં જો કોઈને પોતાનું ગણી શકાઈ એમ હોય તો તે માત્ર રીયા હતી જેને મળવાનો પ્રતિબંધ હતો. દિવસમાં કાંઈ કેટલીય વખત બન્ને એકબીજાને મોબાઈલ પર ફોન કરતાં રહ્યાં. પરંતુ બન્નેનાં આવેગોમાં ફેર હતો-એકને સંસાર માડવાનો ઉમંગ હતો અને એકને કોઈ પોતાનું થશેનો સધિયારો હતો!

જેમને ઘરે દ્વીજ રહ્યો હતો તે આન્ટીએ રાત્રે એને એક જોડ ઝભ્ભો-લેંઘો આપી ગ્રહશાંતિ અને પીઠીની વિધિમાં એ પહેરવાની સૂચના આપી અને સવારનાં સાત વાગ્યે તૈયાર થઈ જવા કહ્યું.

રુમમાં આવી મમ્મી-પપ્પાને ફોન કરવાનો જોરદાર વિચાર દ્વીજને આવ્યો તેવો જ સમી ગયો-રડી પડાશે તો એ લોકો પણ ઢીલા થઈ જશેને ડરે ચૂપચાપ છત પર નજર ઠેરવી પડી રહ્યો. ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો સવારે ૬ વાગ્યે મોબાઈલનો એલાર્મ વાગ્યો ત્યારે આંખો ખુલી.

ઉપરનો પ્રસંગ વર્ણવતાં દ્વીજ સાથે ઉમાબેન ને મહેશભાઈ જાણે કોઈ ફીલ્મ જોતાં હોય તેમ એક ધ્યાને સાંભળતા હતાં એમ કહેવા કરતાં કહેવું જોઈએ કે એ લોકો પણ દીકરાની એ ક્ષણોને જીરવતા હતાં!

અરુણાઆન્ટી અને શીવુઅંકલે દ્વીજનાં મા-બાપ બની ગ્રહશાંતિની વિધી કરી. એ આત્મિયતાથી દ્વીજ સાચ્ચે જ ખુબ લાગણીવશ બની ગયો હતો પરંતુ એને વ્યક્ત કેમ કરવી તે ય સમજાતું ન્હોતું.

એક દ્વીજ સિવાય, દ્વીજનાં માતા-પિતા બનેલા દંપત્તિ અને તેમનાં નજીકનાં સગા-સંબંધીની આવેલી સૌ સ્ત્રીઓ હસી-મજાક કરતાં કરતાં ગ્રહશાંતિની વિધિને માણતા હતાં.

વિડિયોવાળો વિડિયો ઉતારતો હતો, બ્રાહ્મણ વિધિ કરાવતા હતાં અને બાકીનાં ઘરનાં સૌ લોકો એટલા તો આનંદમાં હતાં કે કોઈને દ્વીજની ગંભીરતા દેખાઈ નહીં.

પછી આવી પીઠીની વિધી!

‘કોણ દ્વીજની ‘ટેમ્પરરી’ ભાભી, કાકી, બહેન બનીને પીઠી લગાવશે’ની ચાલતી ચર્ચાએ દ્વીજનાં કુટુંબની ભાભીઓ, કાકીઓ અને સગ્ગી બહેનો, મમ્મી-પપ્પાની યાદને ઢંઢોળી.

આંસુ ટપકી ન પડે તે માટે દ્વીજે તેનાં મન અને પ્રાણની સઘળી શક્તિ લગાવી દીધી.

પહેલી સ્ત્રીએ આવીને દ્વીજને કપાળે કંકુ-અક્ષત લગાવ્યા ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું અને ખબર નહી કેમ જેવી પીઠી લગાવી ઓવારણા લીધાં ત્યાં તો બેશરમ આંસુઓ રોક્યા રોકાયા જ નહીં અને સ્થળ કે પ્રસંગની શરમ રાખ્યા વગર ટપકી જ પડ્યાં!

હસતું વતાવરણ એકદમ ભારેખમ બની ગયું!

‘બિચારાને મમ્મી-ડેડીની યાદ આવી હશે!’

‘આવે જ ને, આમ લગ્ન કરવા કોને ગમે?’

‘ચાલ બેટા, આવા શુભ પ્રસંગે ન રડાય. શાંત થઈ જા.’

‘લે, પાણી પી લે. એમ રડે તો કેમ ચાલશે? આ તો પરદેશનો મામલો રહ્યો….અમે તો પરણીને આફ્રિકાનાં જંગલમાં….’

આવેલી સ્ત્રીઓની સહાનુભૂતિ તો ઉલ્ટું એની સંવેદનાને વધારેને વધારે સંકોર્યા.

પુરુષોમાં ત્યાં ફક્ત શીવુઅંકલ, બ્રાહ્મણ અને વિડિયોવાળા ભાઈ જ હતાં. એ લોકોને દ્વીજને કઈ રીતે આશ્વાસન આપવું તે સમજાયું નહીં. એટલે આખરે પૂજા કરાવતાં બ્રાહ્મણે એમની રીતે આશ્વાસન આપવા બોલ્યા, ‘અરે ભઈ, પુરુષ થઈને તે રડવાનું હોય! આ પ્રસંગ તો છોકરીને રડવાનો હોય.’ કહી પોતાની જૉક પર હસી લીધું.

દરેક જણનાં આશ્વાસને આંસુ રોકવાની જગ્યાએ વધારવાનું જ કામ કર્યે રાખ્યું!

વાત પૂરી કરી, પોટલી સામે જોતો દ્વીજ હજુ ય એનાં મનો જગતમાં હતો એટલે ચૂપચાપ ચોધાર આંસુએ રડતાં મમ્મી-પપ્પા તરફ જોયા વગર એ સ્વગત બોલ્યો, ‘મમ, મારા આટલા મહત્વનાં પ્રસંગે તમે સૌ હાજર ન્હોતાં એ પીડા અસહ્ય હતી જ પરંતુ- એક પુરુષે અનુભવેલી વેદનાનાં આંસુઓમાં, સંસારની કાંઈ કેટલી ય સ્ત્રીઓની મનોવેદનાનું એક આંસુ પણ હતું! જેમના શરીરનાં અંશ હોય તેમને છોડીને જે સાવ પરાયા હોય તેને પોતાના માનીને ભવિષ્યની અજાણ કેડીએ પગ માંડતી દરેક દીકરીઓની વ્યથાનો એકાદ અંશે તે દિવસે મારામાં સળવળ્યો હતો અને એટલે જ મારા સ્વાર્થનાં આંસુઓમાં ભળી ગયેલા પેલા આંસુને કેટલાય પ્રયત્નો પછી પણ છૂટું પાડતા મને ન આવડ્યું! એ આંસુમાં મમ- તારા,સુરીલી અને પૃથાનાં આંસુનાં અંશ પણ હશે જ- એટલે મેં પીઠીથી ખરડાયેલા આંસુની આખી પોટલી જ સંચકી રાખી છે!’

*********************************

Nayna Patel

29 Lindisfarne Road,

Syston,

Leicester

LE7 1QJ

U.K

Ninapatel47@hotmail.com

Posted in વાર્તા | 2 ટિપ્પણીઓ

કોણ સજા કરશે અને કોને!

Posted in વાર્તા | 1 ટીકા